લંડનઃ જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો તે પેરાસિટામોલ દવાનું સેવન કરતી હોય તો તેના માટે ચેતવણીનો સંકેત છે. એક તબીબ અભ્યાસના તારણ અનુસાર વધુ પડતી પેરાસિટામોલ લેતી સગર્ભાઓ વર્તણૂંકની સમસ્યા ધરાવતા સંતાનને જન્મ આપવાનું જોખમ ઉઠાવે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું છે કે આ દવા બાળકોના વિકાસમાં અવરોધ ઊભો કરે છે અને તેમને નુકસાન પહોંચાડે છે.
આથી ગર્ભવતી મહિલાઓને હવે સલાહ આપવામાં આવી રહી છે કે જો તેઓ આ દવાનું સેવન કરતી હોય તો તેની માત્રા ઘટાડી નાખે. વૈજ્ઞાનિકોને પેઇનકિલરનો ઉપયોગ કરતી સગર્ભા અને તેના હાયપર એક્ટિવ બાળકો વચ્ચે ભાવનાત્મક સમસ્યા હોવાની એક કડી મળી છે.
પેરાસિટામોલ વિશ્વની લોકપ્રિય પેઇનકિલરમાંની એક ગણાય છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવામાં અત્યાર સુધી કોઇ વાંધો જણાતો નહોતો. જોકે બ્રિસ્ટલ યુનિવર્સિટીના દાવા મુજબ આ દવા મહિલાઓમાં મેદસ્વીપણું તેમજ વિકસિત બાળકોને નુકસાન પહોંચાડી તેમને ઓટિઝમ અને અસ્થમા જેવી બીમારીઓ ભેટમાં આપે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ છ મહિનાથી માંડીને ૧૧ વર્ષની વયના લગભગ ૧૪ હજાર બાળકો પર સંશોધન કર્યા બાદ આ તારણ આપ્યું છે.
આ અભ્યાસમાં પેરાસિટામોલનું વધુ પડતું સેવન કરતી સગર્ભાઓએ જન્મ આપેલા નવજાતમાં વર્તણૂંક સમસ્યાઓ જોવા મળી હતી. બ્રિસ્ટલ યુનિવર્સિટીએ ૯૦ના દાયકામાં જન્મેલા બાળકોના અભ્યાસ માટે પ્રશ્નાવલિ તૈયાર કરીને પરિણામોનું વિશ્લેષણ કર્યું હતું. વૈજ્ઞાનિકોને જણાયું હતું કે આ તમામ બાળકોની માતાએ ગર્ભાવસ્થાના ૧૮થી ૩૨ સપ્તાહ દરમિયાન પેરાસિટામોલનું સેવન કર્યું હતું.