લંડનઃ ‘બ્રેકફાસ્ટ રાજાની માફક, લંચ પ્રિન્સની જેમ અને ડિનર ગરીબની માફક કરો’ ૨૦મી સદીના અમેરિકન ન્યૂટ્રિશનિસ્ટ એડલ ડેવિસની આ સલાહ છે. હવે સંશોધન સૂચવે છે કે સવારે ઉઠીને પહેલા વધુ ભોજન લેવાથી આપનું શરીર અઢી ગણી કેલરી બાળી નાખે છે.
અભ્યાસ મુજબ જે લોકો સવારે જ તેમની જરૂરીયાતની મોટાભાગની કેલરી લે છે તેમનું બ્લડ સુગરનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે અને તેમની સ્થૂળ થવાની શક્યતા ઘટી જાય છે.
જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જર્મનીની લૂબેક યુનિવર્સિટીના સંશોધકોએ દિવસ દરમિયાન ભોજન લેવાના સમયની ડાયટ ઈન્ડ્યુસ્ડ થર્મોજેનેસિસ (DIT) પર અસર થાય છે કે નહીં તેનું પરીક્ષણ કર્યું હતું. DIT શરીરની ચયાપચયની પ્રક્રિયા કેટલી સારી રીતે કાર્યરત છે તેનો માપદંડ છે.