વોશિંગ્ટનઃ સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. મેરિલેન્ડ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર ભોજનમાં ખાંડનું વધુ પ્રમાણ વ્યક્તિમાં મનોદશાના વિકારને જન્મ આપે છે. સેચ્યુરેટેડ ફેટ અને ગળ્યા ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એંગ્ઝાયટી - સ્ટ્રેસ - તણાવ પેદા કરી શકે છે.
આ સંશોધન અનુસાર બેચેની દરમિયાન લોકો ગળપણ ધરાવતી ચીજવસ્તુ ખાવાનું વધુ પસંદ કરે છે. આવું એટલા માટે થાય છે કેમ કે શુગરવાળું ભોજન શરીરની તણાવ સામેની લડવાની ક્ષમતાને નબળી પાડે છે. હકીકતમાં શુગર તમારા મગજની હાઇપોથેલેમિક પિટ્યુટરી એડ્રેનલને પ્રભાવિત કરે છે. જે તણાવ વિરુદ્વ તમારી પ્રતિક્રિયાને નિયંત્રિત કરવા માટે જવાબદાર હોય છે.
સંશોધનનું તારણ જણાવે છે કે શુગરનું સતત સેવન દુઃખ, થાક અને નિરાશા વધારે છે. અનેક શોધમાં હાઇ શુગર ડાયેટ અને ઉદાસીનતા - નિરાશા વચ્ચે ગાઢ સંબંધ જોવા મળ્યો છે. શુગરનું વધુ સેવન મગજમાં રસાયણોમાં અસંતુલન પેદા કરે છે, જે ઉદાસીનતા - નિરાશાને જન્મ આપી શકે છે.