વધુ ડાયેટ સોડા પીવાથી લિવરને જોખમ
આજકાલ માર્કેટિંગનો જમાનો છે. ચીજવસ્તુઓ વેચવા તેને રૂપાળાં નામના વાઘા પહેરાવાય છે. આવું જ ખાદ્યપદાર્થો અને પીણાનું છે. લોકપ્રિય બનેલા કાર્બોનેટેડ અને નોનઆલ્કોહોલિક ડાયેટ સોડાને ખાંડ અને કેલરી વિનાના અને વજન ઉતારવામાં મદદરૂપ ડ્રિન્ક તરીકે રજૂ કરાય છે પરંતુ, ડાયેટ સોડાનો વધુ વપરાશ લિવરના રોગ (મેટાબોલિક ડિસ્ફંક્શન એસોસિયેટેડ સ્ટીએટોટિક લિવર ડિસીઝ-MASLD) નું જોખમ નોંતરે છે જે વિશ્વમાં 46 ટકા વસ્તીને અસર કરતો હોવાનું નિષ્ણાતો કહે છે. આ રોગમાં લિવરમાં વધુ ચરબીનો ભરાવો છે જેના પ્રાથમિક લક્ષણો જોવાં મળતાં નથી પરંતુ તે આગળ વધીને મેટાબોલિક ડિસ્ફંક્શન એસોસિયેટેડ સ્ટીએટોહેપિટાઈટિસ -MASH) માં ફેરવાય છે જે લિવર પર ઉઝરડાં અને સિરોસિસ તરફ લઈ જાય છે. લિવરના રોગના આ પ્રકારની સારવારમાં હજુ કોઈ દવા આવી નથી પરંતુ, કસરત અને આહારશૈલીમાં ફેરફારથી શરીરની ચરબીને ઘટાડી શકાય છે જે લાભકારક રહે છે. BMC Public Healthમાં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર ડાયેટ સોડા ઊંચા બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને બ્લડ પ્રેશર સાથે સંકળાયેલું પીણું છે. ડાયેટ સોડામાં વપરાતાં એસ્પાર્ટમ અને અને રાસાયણિક કૃત્રિમ ગળપણ ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે.
ચાલવાથી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટે
સારાં સ્વાસ્થ્ય માટે રોજ ચાલવું હિતાવહ છે ત્યારે વિશ્વભરમાં 547,000થી વધુ સ્ત્રીઓને સાંકળતા 19 અભ્યાસોના ડેટાના વિશ્લેષણ પછી જર્નલ ઓફ ઓન્કોલોજીમાં પ્રસિદ્ધ એક અભ્યાસ અનુસાર સ્ત્રીઓને ચાલવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 10 ટકા સુધી ઘટે છે. લટાર મારવી, સાઈકલિંગ અને અન્ય સ્પોર્ટ્સ જેવી કસરતોથી સ્ત્રીઓને મેનોપોઝ પહેલાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટે છે અને તેમાં પણ સૌથી વધુ સક્રિય સ્ત્રીઓને ઘણો લાભ થાય છે. જોકે, કસરત સહિતની શારીરિક પ્રવૃત્તિ અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટવા વચ્ચે બાયોલોજિકલ સંબંધ સમજવાનો બાકી રહે છે. દર વર્ષે આશરે 55,400 બ્રિટિશરને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય છે અને તેના કારણે 11,500 સ્ત્રીઓ મોતનો શિકાર બને છે. વૃદ્ધ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર વધુ સામાન્ય હોય છે ત્યારે 45 અને તેથી ઓછી વયની સ્ત્રીઓમાં દર વર્ષે 5,000 કેસ જોવાં મળે છે. સ્તન કેન્સરનું ચોક્કસ કારણ નથી પરંતુ, પારિવારિક ઈતિહાસ, વધુ ઊંચાઈ, વધુ વજન અથવા મેદસ્વીતા, શરાબપાન અને અગાઉ આ કેન્સર હોવા સહિતના જોખમી પરિબળો છે. અગાઉના સંશોધનો મુજબ સપ્તાહમાં 6.5 કલાક ચાલવાની કસરતથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 30 ટકા સુધી ઘટે છે. યુવાન સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર વધુ આક્રમક હોવાં ઉપરાંત, પાછળના તબક્કે તેનું નિદાન થતું હોય છે.