વોશિંગ્ટનઃ શરીર તંદુરસ્ત રીતે કામ કરે તે હેતુસર ઓછામાં ઓછા છથી આઠ કલાક ઊંઘ લેવાની ભલામણ થતી હોય છે. અનિદ્રા આમ તો આજકાલની સામાન્ય સમસ્યા બની રહી છે, પરંતુ વધુ પડતી ઊંઘને પણ નજરઅંદાજ થઈ શકે તેમ નથી. વધુ પડતી ઊંઘ હૃદયરોગનું જોખમ વધારે છે. સપ્તાહના અંતે આવતી રજાઓમાં ઊંઘ લેવાની પણ એક મજા હોય છે, પરંતુ રોજબરોજ વધુ પડતી ઊંઘ લેવાની આદતને તબીબી નિષ્ણાતો ચિંતાજનક ગણાવે છે.
એક અભ્યાસના તારણ મુજબ જે વ્યક્તિ રોજ ૮ કલાક કરતાં વધુ સમય માટે ઊંઘે છે તેમના કિસ્સામાં રોજ છથી આઠ કલાક સુધી ઊંઘ લેનારાને મુકાબલે હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે. આ પ્રકારની આડેધડ જીવનશૈલીને કારણે ૨૫ વર્ષની ઉંમરના જવાન લોકો પણ હૃદયરોગ સંબંધી વ્યાધિમાં મૃત્યુ પામતા હોય છે. વિજ્ઞાનીઓ સરેરાશ ૬૨ વર્ષની વય ધરાવતા ૩૨,૦૦૦ લોકોનો અભ્યાસ કરીને આ તારણ સુધી પહોંચ્યા છે.
અમેરિકી એકેડમી ઓફ ન્યૂરોલોજી જર્નલમાં આ સંશોધનના તારણો જારી થયા છે. સંશોધકોએ અભ્યાસમાં ભાગ લઈ ચૂકેલા લોકોની ઊંઘવાની આદતો અને હૃદયરોગના પ્રમાણને સાંકળવા પ્રયાસ કર્યો હતો. પ્રથમ તો એ સમજીએ કે હૃદયરોગનો હુમલો એટલે શું? હૃદયરોગનો હુમલો ત્યારે આવતો હોય છે કે, જ્યારે મગજના એક ચોક્કસ ભાગ સુધી લોહીનો પ્રવાહ ના પહોંચે કે ઓછો પહોંચે તો મગજના કોષોને નુકસાન થાય છે.
અભ્યાસ દરમિયાન એ બાબત પણ ધ્યાને આવી હતી કે જે લોકો રોજ રાતે નવ કલાકથી વધુ સમયની ઊંઘ લેતા હોય છે તેમના કિસ્સામાં જે લોકો આઠ કલાકથી ઓછી ઊંઘ લેતી વ્યક્તિના મુકાબલે હૃદયરોગનું જોખમ ૨૩ ટકા વધી જતું જોવા મળ્યું છે.