વધુ પડતી શુગરથી ડાયાબિટીસ સિવાય પણ 8 મોટાં જોખમ

Wednesday 12th July 2023 05:45 EDT
 
 

વિતેલા વર્ષે દુનિયામાં 178.84 મિલિયન મેટ્રિક ટન ખાંડ લોકોના પેટમાં ગઈ, એવું એક સંશોધન સંસ્થા સ્ટેટિસ્ટાનો રિપોર્ટ કહે છે. બીજી તરફ રિસર્ચ કહે છે કે, ખાંડનો વધુ ઉપયોગ શરીર માટે ઘાતક છે. હેલ્થલાઈનના એક રિપોર્ટમાં ખાંડનાં આઠ મોટા જોખમો ગણાવાયાં છે. જોકે, એક દિવસમાં કેટલી ખાંડ લેવી એ સવાલ હજુ પણ યથાવત્ છે. વિજ્ઞાનીઓ કહે છે કે, આ બાબત જીવનશૈલી, દિનચર્યા અને કેલરી પર આધાર રાખે છે. આજે આપણે જાણીએ ખાંડના ઉપયોગથી પેદા થનારી ગંભીર સ્થિતિઓ વિશે...
• ઓબેસિટીનું જોખમઃ વૈજ્ઞાનિક રિસર્ચ જણાવે છે કે, એડેડ શુગર અને શુગરી ડ્રિન્ક્સ ઓબેસિટી (સ્થૂળતા)નું મોટું કારણ છે. સોડા અને જ્યુસમાં ફ્રુક્ટોસ તત્ત્વ હોય છે, જે ભૂખ વધારે છે. તે શરીરમાં લેપ્ટિન નામના હોર્મોનને અસર કરે છે. લેપ્ટિન એ હોર્મોન છે જે શરીરને વધુ ખાતાં અટકાવે છે.
• હાર્ટ એટેકનું જોખમઃ હાર્ટ ડિસીઝથી મૃત્યુનું મોટું કારણ છે હાઈ શુગર. ખાંડનો વધુ પડતો ઉપયોગ હાઈટ્રાઇગ્લિસરાઈડ્સ, બ્લડ શુગર અને બ્લડપ્રેશર વધારી શકે છે. વધુ ખાંડથી ધમનીમાં અવરોધની સ્થિતિ બને છે.
• ખીલનું જોખમઃ રિફાઈન્ડ કાર્બ, શુગરી ડ્રિન્ક અને ફૂડના ઓવરડાયેટથી ખીલ થવાનું જોખમ રહે છે. તેનાથી બ્લડ શુગરનું સ્તર વધે છે. એન્ડ્રોજિન હોર્મોન વધુ રિલીઝ થાય છે. અમેરિકામાં જ્યાં વધુ પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ થાય છે, ત્યાં અનેક રિપોર્ટમાં કહેવાયું છે કે ખીલની સમસ્યા સામાન્ય છે.
• કેન્સરનું જોખમઃ વધુ ખાંડ ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ પેદા કરે છે. તેનાથી કેન્સરનું જોખમ વધે છે. અમેરિકામાં 22 હજાર લોકો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, શુગરી ડ્રિન્કથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે. શુગરી ડ્રિન્કથી સ્તન કેન્સરનું જોખમ 37 ટકા સુધી વધી જાય છે.
• એજિંગપ્રોસેસ ઝડપી બનેઃ ખાંડના વધુ પડતા ઉપયોગથી વૃદ્ધત્વ ઝડપથી આવે છે. શરીરમાં પ્રોટીન અને શુગરના મિશ્રણથી ત્વચાનું એજિંગ ઝડપી બને છે. એડવાન્સ્ડ ગ્લાઈટેન એન્ડ પ્રોડક્ટ્સ જેવા કમ્પાઉન્ડ બનવા લાગે છે, જે ત્વચામાં કોલેજન અને એલેસ્ટિનનો નાશ કરે છે.
• શરીરની એનર્જી પર અસરઃ જે ખાદ્ય પદાર્થમાં એડેડ શુગર હોય, પરંતુ પ્રોટીન, ફાઈબર કે ફેટ ન હોય તેનાથી ઊર્જા મોડી મળે છે. તેનાથી બ્લડ શુગર ઝડપથી ઘટે છે. બ્લડ શુગરમાં સતત આવો સ્વિંગ એનર્જીને પ્રભાવિત કરે છે. આથી ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવું જોઇએ અને હાઈ ફાઈબર ફૂડનું પ્રમાણ વધારવું જોઈએ.
• ટાઈપ-2 ડાયાબિટિસઃ વધુ પ્રમાણમાં ખાંડથી ફેટ વધે છે. વધુ ખાંડના ઉપયોગથી પેદા થતી સ્થૂળતા ગંભીર સમસ્યા છે. અને ડાયાબિટિસનું એક મોટું કારણ સ્થૂળતા પણ છે. રિસર્ચ કહે છે કે, શુગરી ડ્રિન્ક વધુ પીવાથી ડાયાબિટીસ થવાની સંભાવના વધુ રહે છે.
• કિડનીને જોખમઃ ફ્રૂક્ટોસનો ઉપયોગ સોડા અને કેન્ડી જેવી હાઈ શુગરની પ્રોડક્ટ્સમાં હોય છે. વધુ પડતા ફ્રૂક્ટોસથી કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે. સતત હાઈ બ્લડ શુગરથી કિડનીની રક્તકોશિકાઓને નુકસાન થાય છે. હાઈ શુગર દાંતમાં બેક્ટેરિયા વિકસાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter