વધુ પડતું મીઠું ખાવાથી પણ ડાયાબિટીસનું જોખમ
જે લોકો પોતાના ખોરાકમાં વધુ મીઠું ઉમેરીને ખાય છે તેઓને ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધારે રહે છે તેમ મેયો ક્લિનિક પ્રોસિડિંગ્સમાં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે છે. રાંધતી વખતે ખોરાકમાં જે મીઠું નાખવામાં આવે છે તે સિવાય પણ ભોજન કરતી વખતે ટેબલ સોલ્ટ ઉમેરવામાં આવે તેનાથી આ જોખમ ઉભું થતું હોવાનું અભ્યાસ કહે છે કારણકે મીઠાંમાં હાઈપરટેન્શન અને દાહ-બળતરાને વધારતું સોડિયમ હોય છે જે ટાઈપ 2 ડાયાબિટીસ થવા માટે જોખમી પરિબળ છે. અભ્યાસમાં જે લોકોએ ભોજન વખતે મીઠું લેવા બાબતે ‘કોઈક વખત’, સામાન્યતઃ અને હંમેશાં એવા પ્રતિભાવ આપ્યા હતા તેમને ‘કદીક’ અને ભાગ્યે જ’ મીઠું ઉમેરતા લોકોની સરખામણીએ ટાઈપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ અનુક્રમે 11 ટકા, 18 ટકા અને 25 ટકા વધે છે. અભ્યાસમાં માર્ચ 2006થી ઓક્ટોબર 2010 સુધીના ગાળામાં ડાયાબિટીસ ન હોય તેવા યુકે બાયોબેન્કના 37થી 73 વયજૂથના 402,982 લોકોના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. અભ્યાસમાં ભાગ લેનારા પર સરેરાશ 11.9 વર્ષ નજર રખાઈ હતી જે ગાળામાં 13,120 લોકોને ટાઈપ-2 ડાયાબિટીસ થયો હતો.
•••
પેન્ક્રિઆટિક કેન્સરમાં ઈન્સ્યુલિનની ભૂમિકા
પ્રાણીઓ પરના સંશોધનમાં પેન્ક્રિઆટિક કેન્સર થવામાં ઈન્સ્યુલિનના ઊંચા પ્રમાણની ભૂમિકાના પુરાવા જોવા મળ્યા છે. વિશ્વમાં 2020માં 495,000થી વધુ લોકોને પેન્ક્રિઆટિક કેન્સરનું નિદાન થયું હતું. પેન્ક્રિઆસ અથવા સ્વાદુપિંડના કેન્સર માટે 5 વર્ષનો સર્વાઈવલ રેટ 10 ટકાથી પણ ઓછો હોય છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે સંશોધકોએ ઉંદરો પરના અભ્યાસમાં પેન્ક્રિઆટિક કેન્સર અને ઈન્સ્યુલિનના ઊંચા પ્રમાણ (હાઈપરઈન્સ્યુલેનિમીઆ) વચ્ચેની સીધી કડી શોધી કાઢી હતી. શરીરમાં વધુપડતા ઈન્સ્યુલિનના કારણે પેન્ક્રિઆસમાં ચરબીથી ભરપૂર ખોરાકને તોડવા માટે જવાબદાર પાચક એન્ઝાઈમ્સનું ઉત્પાદન વધી જાય છે પરિણામે, પેન્ક્રિઆસમાં દાહ-ઈન્ફ્લેમેશન થવા સાથે કેન્સરસર્જક કોષો વિકસે છે. સ્થૂળતા અને ટાઈપ-2 ડાયાબિટીસમાં ઈન્સ્યુલિનનું ઊંચું પ્રમાણ કડીરૂપ હોવાનું સ્થાપિત થયેલું છે. સેલ મેટાબોલિઝમમાં પ્રકાશિત અભ્યાસથી પેન્ક્રિઆટિક કેન્સર અટકાવવાના અને સારવારના નવા માર્ગ શોધી શકાશે. યુકેમાં દર વર્ષે પેન્ક્રિઆટિક કેન્સરના નવા 10,500 કેસ એટલે કે દરરોજના 29 કેસ જોવા મળે છે. યુકેમાં સર્વસામાન્ય કેન્સરમાં પેન્ક્રિઆટિક કેન્સરનો 10મો ક્રમ અને તમામ પ્રકારના નવા કેન્સર કેસના 3 ટકા છે. યુકેમાં પેન્ક્રિઆટિક કેન્સરથી વર્ષે આશરે 9,000 મોત થાય છે.