વધુ ફેટ અને ખાંડવાળો ખોરાક બદલી નાંખશે તમારી ભોજનશૈલી

Wednesday 26th July 2023 09:25 EDT
 
 

સામાન્યપણે આપણું મગજ આહારના આરોગ્યપ્રદ વિકલ્પો પસંદ કરતું હોય છે. જો આપણે વધુ ચરબી અને વધુ ખાંડવાળો ખોરાક ખાઈશું તો શરૂઆતમાં મગજ તેનો વિરોધ પણ કરશે પરંતુ, જો તે ખાવાનું ચાલુ રહેશે તો આપણા મગજ માટે મીઠાઈ પણ પસંદગીનો ખોરાક બની જશે. સંશોધકો વધુ ચરબી અને ખાંડ સાથેના ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા પાછળનું મિકેનિઝમ સમજવા પ્રયાસ કરી રહ્યા છે. વધુ ચરબી અને ખાંડવાળો ખોરાક વારંવાર ખાવાથી વજનવૃદ્ધિ તથા હૃદયરોગો અને ડાયાબિટીસનું જોખમ ઘણું વધી જાય છે.

‘સેલ મેટાબોલિઝમ’માં પ્રસિદ્ધ એક અભ્યાસ અનુસાર વધુ ચરબી અને ખાંડવાળા ખોરાકથી મગજના રિવોર્ડ સેન્ટર્સને આવા ખોરાક પ્રત્યે સારો પ્રતિભાવ આપવા અને ઓછી ચરબીના ખોરાકની ઈચ્છા ઘટાડવાની પ્રેરણા મળે છે. મગજ આવા ખોરાકને અનુકૂળ બનવા સાથે સ્થૂળતાનું જોખમ વધે છે. વધુ ચરબી અને ખાંડવાળા પાશ્ચાત્ય આહારથી ઘણા આરોગ્યલક્ષી જોખમો સર્જાય છે. આમ છતાં, આવો ખોરાક તેના વપરાશની ઈચ્છાને વધારી દે છે. જોકે, આ અભ્યાસની મર્યાદા એ હતી કે તેમાં સંકળાયેલા લોકોની સંખ્યા ઘણી ઓછી હતી.
સંશોધકોએ જોયું હતું કે જે લોકોએ હાઇ ફેટ અને સુગર સાથેનું દહીં ખાધું હતું તેમની લો ફેટ ખોરાક ખાવાની ઈચ્છા જાણે કે મરી પરવારી હતી અને તેમના મગજની હાઇ ફેટ અને હાઇ સુગર ધરાવતો ખોરાક ખાવાની ઈચ્છા વધી હતી. આ તારણો શરીરના તંદુરસ્ત વજનની જાળવણીમાં ખોરાકની પસંદગીનું મહત્ત્વ દર્શાવે છે.
ફેટ - સુગરથી ભરપૂર ખોરાકનું જોખમ
લોકોને જીવનનું અસ્તિત્વ જાળવવા માટે જરૂરી પોષક તત્વો મેળવવા ખોરાક લેવાની જરૂર પડે છે. મોટા ભાગના આહારમાં થોડા ઘણા પ્રમાણમાં ચરબી અને સુગર હોય જ છે, જે આવશ્યક પણ છે. આમ છતાં, ચોક્કસ પ્રકારના ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી આરોગ્ય માટે ચોક્કસ જોખમ પણ ઉભું થાય છે. સેચ્યુરેટેડ ફેટ એટલે કે સંતૃપ્ત ચરબીના વધુ પ્રમાણ સાથેનો ખોરાક લેવાથી સ્ટ્રોક અને હૃદયરોગોનું જોખમ વધી જાય છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન (એએચએ) કહે છે કે લોકોએ માખણ, આઈસ્ક્રીમ અને તળેલા ખોરાક જેવા વધુ સેચ્યુરેટેડ ફેટ ધરાવતા ખોરાક ઓછાં લેવા જોઈએ. કેટલાક ખોરાકમાં તો કુદરતી રીતે ખાંડ હોય છે પરંતુ, અન્ય ખોરાકમાં તેને વધુ ઉમેરવામાં આવે છે. વધુ પડતી ખાંડના કારણે ડાયાબિટીસ, વજનમાં વધારો અને હૃદયરોગોનું જોખમ પણ વધી શકે છે.
ફેટ - સુગર માટે મગજની પેટર્ન કેવી રીતે બદલાય?
મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર મેટાબોલિઝમ રિસર્ચના ડો. માર્ક ટિટ્ગેમેયરના જણાવ્યા મુજબ ઉંદરો પરના સંશોધનોમાં આહારથી જ ખોરાકની પસંદગી બદલાતી હોવાનું અને બ્રેઈન સર્કિટ્સ નવેસરથી લખાતી હોવાનું જણાયું છે. માણસોમાં પણ વજન વધાર્યા વિના જ માત્ર આહારથી ખોરાકની પસંદગી બદલાય અને બ્રેઈન સર્કિટ્સ નવેસરથી લખાય તેને સમજવાની જરૂર છે. આ અભ્યાસમાં ઓવરવેઈટ ન હોય તેવા 57 વ્યક્તિને બે ગ્રૂપમાં સાંકળવામાં આવ્યા હતા. આઠ સપ્તાહ સુધી પ્રથમ ગ્રૂપને દિવસમાં બે વખત હાઇ ફેટ, હાઇ સુગર સાથે યોગર્ટ-દહીંનો ખોરાક અપાયો હતો જ્યારે બીજા ગ્રૂપને દિવસમાં બે વખત ઓછી ફેટ, ઓછી સુગર સાથે યોગર્ટનો ખોરાક અપાયો હતો. આ સિવાય, બંને ગ્રૂપને તેમનું નિયમિત ખાણું અપાતું હતું. બંને જૂથોમાં વજન અને મેટાબોલિક પરિમાણો સરખાં જ રહ્યાં હતાં પરંતુ, ઓછી ફેટ, ઓછી સુગરના ખોરાક સાથેના જૂથની સરખામણીએ જે લોકોએ હાઇ ફેટ, હાઇ સુગર ખોરાક લીધો હતો તેમની ઓછી ચરબીના ખોરાક તરફની પસંદગી ઘણી ઓછી થઈ ગઈ હતી. હાઇ ફેટ, હાઇ સુગર ગ્રૂપમાં મિલ્કશેઈક્સની ઈચ્છા અને ઉપયોગ વખતે તેમના મગજનો પ્રતિભાવ વધી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter