વય વધવા સાથે કોષો પણ શક્તિ ગુમાવે છે

હેલ્થ બુલેટિન

Sunday 09th March 2025 09:18 EDT
 
 

વય વધવા સાથે કોષો પણ શક્તિ ગુમાવે છે

આપણા શરીરમાં દરેક કોષ તેની કામગીરી કરવા માટે NAD (Nicotinamide Adenine Dinucleotide ) નામે ઓળખાતા મહત્ત્વના મોલેક્યુલ પર આધાર રાખે છે. નોર્વેની યુનિવર્સિટી ઓફ બર્જેનના વિજ્ઞાનીઓએ તાજેતરમાં શોધી કાઢ્યું છે કે આપણા સેલ્યુલર પાવરહાઉસીસ ગણાતા માઈટોકોન્ડ્રીઆ (mitochondria) આ મહત્ત્વના ઊર્જાસ્રોતના ભંડાર તરીકે કાર્ય કરે છે. જોકે, આપણી વય વધવા સાથે આ ભંડાર પણ ખાલી થવા લાગે છે. જ્યારે માઈટોકોન્ડ્રીઆ NAD નાં પૂરતાં સ્તરોને જાળવી નથી શકતાં ત્યારે તેમની નીચે કાર્યરત કોષો શરીરના DNA નું રીપેરિંગ કાર્ય અને પાયાગત કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવે છે. પાર્કિન્સન્સ રોગ સંબંધિત તાજેતરના પ્રયોગો સહિત સંબંધિત પરિસ્થિતિઓના અભ્યાસમાં જણાયું હતું કે NAD નાં સપ્લીમેન્ટ્સ આપવાથી સુધારો જોવાં મળે છે. હકીકત એ છે કે આપણું શરીર વિટામીન B3 - નિઆસીનમાંથી NAD બનાવે છે અને નિઆસીન આપણને ચીકન, સાલમોન, બ્રાઉન રાઈસ અને સમૃદ્ધ સીરીઅલ્સમાંથી ભરપૂર મળે છે. બજારમાં NAD ગોળીઓ ને ઈ્ફ્યુઝન્સ પણ મળે છે. જોકે, IV ઈ્ફ્યુઝન્સથી ઈન્ફેક્શનના જોખમના કારણે સંભવિત લાભ ધોવાઈ જાય છે. આથી, કુદરતી સ્રોતોમાંથી જ નિઆસીન મેળવવું યોગ્ય ગણાય.

•••

સળગતી મીણબત્તી મગજની ક્ષમતાને હાનિ પહોંચાડી શકે

વિજ્ઞાનીઓ એવી સલાહ આપે છે કે જો તમે જન્મદિન સહિત કોઈ પણ ઊજવણીમાં મીણબત્તીઓને ફૂંકો મારી ઓલવી રહ્યા હો તો રૂમના બારીબારણાં બરાબર ખુલ્લાં રાખવા જોઈએ. મીણબત્તી પ્રગટાવવા જેવું ટુંકા ગાળાનું વાયુ પ્રદૂષણ પણ એકાગ્રતા અને લોકોની લાગણીઓ સમજવાની મગજની ક્ષમતાને હાનિ પહોંચાડી શકે છે. યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધકોએ PM2.5 તરીકે જાણીતા સુક્ષ્મ રજકણોને નાક કે મુખ વાટે પણ શ્વાસમાં લેવાથી થતાં નુકસાન વિશે અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ સળગતી મીણબત્તી સાથે હવાની અવરજવર વિનાના રૂમમાં એક કલાક રહેલા લોકોને પ્રયોગ પહેલા અને ચાર કલાક પછી, તેમના પરીક્ષણો કર્યાં હતાં. આ જ રીતે, ખરાબ હવામાં એક કલાક રહેલાં લોકો પર પણ પરીક્ષણ કરાયા હતા. જર્નલ ‘નેચર કોમ્યુનિકેશન્સ’માં પ્રકાશિત અભ્યાસોમાં જણાવાયું હતું કે લોકો સવારે અથવા સાંજે કામેથી આવતાજતા હોય ત્યારે ખરાબ હવાના કારણે ચાર કલાક પછી તેની અસર તરીકે ચીડિયાપણું કે સુસ્તી જણાય છે. સંશોધન અનુસાર સુક્ષ્મ રજકણો શ્વાસ વાટે ફેફસાંમાં અને ત્યાંથી લોહી વાટે મગજમાં પહોંચી આવી અસરો ઉભી કરે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter