વયસ્કો ઘરમાં રહી શારીરિક પ્રવૃત્તિઓ કરી શકે

શારીરિક એક્ટિવિટીમાં નાનો સરખો વધારો પણ આરોગ્ય પર સકારાત્મક સુધારો લાવી શકે

Saturday 25th April 2020 01:16 EDT
 
 

લંડનઃ જીવલેણ કોરોના વાઈરસ મહામારીના કારણે યુકેમાં લોકડાઉનના કારણે જીમ્સ બંધ છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે ત્યારે સક્રિય રહેવાનું ભારે પડકારજનક બની રહે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ મજબૂતપણે કાર્ડિયો વાસ્કુલર ડિસીઝ, મેદસ્વિતા તેમજ ટાઈપ-ટુ ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ ઘટાડવા સાથે અને માનસિક આરોગ્ય સુધારવા સાથે સંકળાયેલી છે. શારીરિક એક્ટિવિટીમાં નાનો સરખો વધારો પણ આરોગ્ય પર સકારાત્મક સુધારો લાવી શકે છે. હાર્ટ રિસર્ચ યુકે ખાતે હેલ્થ પ્રમોશનના વડા ડો. હેલન ફ્લાહર્ટી સહિતના નિષ્ણાતોએ ઘરમાં રહીને પણ તમે આવશ્યક શારીરિક પ્રવૃત્તિ કેવી રીતે કરી શકો તે વિશે કેટલીક ટિપ્સ આપી છે.

કેટલા પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિ આવશ્યક ગણી શકાય?

સરકાર દ્વારા એવી ભલામણ કરાઈ છે કે દર સપ્તાહે મધ્યમ તીવ્રતાની ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ અથવા ભારે તીવ્રતાની ઓછામાં ઓછી ૭૫ મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. આ ઉપરાંત, એવી સલાહ પણ અપાઈ છે કે વયસ્કોએ દરેક સપ્તાહે બે દિવસ શરીરને મજબૂતી આપતી વજન ઊંચકવા અથવા પ્રેસ અપ્સ જેવી કસરત કરવી જોઈએ. જો તમે આપ્રકારની શારીરિક પ્રવૃત્તિ કે કસરત કરવાની આદત ધરાવતા ન હો તો તમારી ધીમી શરૂઆત કરવી જોઈએ અને સમયાંતરે આવશ્યક પ્રમાણમાં કસરત કરવા સુધી આગળ વધવું જોઈએ.

મધ્યમ તીવ્રતાની એક્ટિવિટીઝ ( સપ્તાહમાં ૧૫૦ મિનિટ)

તમારા હૃદયની ધડકવાની ગતિમાં વધારો થશે, તમારા શ્વાસ પણ ઝડપથી લેવાશે, તમારા શરીરનું તાપમાન પણ વધશે અને તમે કદાચ વાતચીત પણ ચાલુ રાખી શકશો.

આ પ્રવૃત્તિમાં ઝડપી ચાલવું તેમજ સાઈકલિંગનું ઉદાહરણ આપી શકાય.

ભારે તીવ્રતાની એક્ટિવિટીઝ ( સપ્તાહમાં ૭૫ મિનિટ)

તમારા હૃદયની ધડકવાની ગતિમાં ઘણો વધારો થશે, તમારા શ્વાસ પણ વધુ ઝડપથી લેવાશે, તમારા શરીરનું તાપમાન પણ વધશે અને તમારા માટે વાતચીત ચાલુ રાખવામાં પણ મુશ્કેલી અનુભવાશે.

આ પ્રવૃત્તિમાં દોડવું તેમજ ફૂટબોલ રમવાનું ઉદાહરણ આપી શકાય.

તમારા દૈનિક પ્રવાસના સમયમાં શારીરિક પ્રવૃત્તિને સ્થાન આપો

જો તમે ઘેર રહીને કામ કરતા હો તો, કામ પર જતા અને પાછા ફરવામાં અવરજવરનો જે સમય વપરાય છે તેની બચત થશે. આ સમયગાળામાં કેટલીક શારીરિક પ્રવૃત્તિ કે કસરત કરીને બચાવેલા સમયનો સદુપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, તમે ઝડપી ચાલવા જઈ શકો, જોગિંગ અથવા બહાર સાઈકલ ચલાવી શકો અથવા ઘરની સીડીઓમાં ચડઉતર કરવા સહિત ઘરમાં જ ઝડપી ચાલવાની કસરત કરી શકો છો.

તમારા ઘરમાં જ રહી કરી શકાય તેવી વિવિધ કસરતો ખોળી કાઢો

તમે સમગ્ર દિવસ દરમિયાન નિયમિતપણે ૧૦ મિનિટ અથવા તેનાથી વધુ સમયના નાના સમયગાળામાં કરી શકો તેવી કસરતો શોધી કાઢો. ઉદાહરણ તરીકે, તમે બેક્ડ બિન્સના કેન્સના ઉપયોગથી હળવા વેઈટલિફ્ટિંગની કસરત પણ કરી શકો છો. NHS દ્વારા તેમની વેબસાઈટ પર જીમના સાધનો વિના કસરતો કરવાની સુંદર ટિપ્સ આપવામાં આવી છે.

આળસુની માફક પડ્યા ના રહેશો

સાંજનો સમય થોડા પણ હલનચલન વિના સોફા પર બેસી રહેવામાં ગાળવાના બદલે, થોડીક હળવી કસરતો કરવામાં શા માટે વીતાવતા નથી. તમારી પસંદગીનો ટેલિવિઝન શો માણતા હો ત્યારે પગ ઊંચાનીચા કરવાની કસરત કરી જ શકાય.

તમારા સોફામાં બેસી રહીને પણ તમે કેટલીક કસરત કરી શકો છો તેના ઉદાહરણો તમને NHS વેબસાઈટ પરથી મળી શકશે. તમે heartresearch.org.uk પર ઘણી આરોગ્યપ્રદ માહિતી, સલાહ અને વાનગીઓની રીત સહિત ઘણુંબધુ મેળવી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter