વયસ્કોમાં ખીલ, ચહેરા પર વધુ વાળ પણ આરોગ્ય સમસ્યાઓનો સંકેત

Wednesday 26th March 2025 07:13 EDT
 
 

શું તમે જાણો છો કે વયસ્ક વ્યક્તિના ચહેરા પર દેખાતા કેટલાક સંકેત ગંભીર આરોગ્ય સમસ્યા તરફ ઈશારો કરે છે? જેમ કે, આંખોની નીચે સતત સોજો હાઇપર થાઇરોડિઝમ કે કિડનીની સમસ્યાનો સંકેત હોઇ શકે છે. કિડની સારી રીતે કામ ન કરતી હોય તો શરીરનાં તરલ પદાર્થ એકત્રિત થવા લાગે છે, જેના કારણે આ સોજો આવે છે. આ જ રીતે ફાટેલા હોઠ, ખાસ કરીને મોઢાના ખૂણા પર, વિટામિનની ઉણપનો સંકેત હોઇ શકે છે. જ્યારે આંખોની નીચે કાળા કુંડાળા બનવા એ ઊંઘનો અભાવ કે તમારા શરીરમાં પોષણની ઉણપનો સંકેત હોઇ શકે છે. ચહેરા પરના અન્ય સંકેતોને પણ ઓળખીને યોગ્ય સમયે ઇલાજ કરી લેવામાં આવે તો આરોગ્ય સંબંધિત ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે.
ભ્રમરનો બહારનો ભાગ પાતળો થવો...
થાઈરોઈડમાં ગરબડનો સંકેત
પુખ્ત વયની વ્યક્તિની ભ્રમરનો બહારનો ભાગ પાતળો થવો હાઈપો થાઈરોડિઝમનો સંકેત હોઈ શકે છે. તે દર્શાવે છે કે થાઈરોઈડ ગ્રંથિ પૂરતા હોર્મોન બનાવતી નથી. આ બીમારીના અન્ય લક્ષણો જોઇએ તો, થાક, વજન વધવું અને શુષ્ક ત્વચા સામેલ છે. જો આ લક્ષણ દેખાય તો થાઈરોઈડની તપાસ કરાવી વિશેષજ્ઞ પાસે ટ્રીટમેન્ટ કરાવો.
ચહેરા પર વધુ વાળ...
હોર્મોનલ અસંતુલન
જો મહિલાઓના ચહેરા પર અસામાન્ય રીતે વાળ વધી રહ્યા છે તો આ હોર્મોનલ અસંતુલન જેમ કે, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (પીસીઓએસ)નો સંકેત હોઈ શકે છે. પીસીઓએસથી માસિકમાં અનિયમિતતા, વજન વધવું અને શરીર પર વધારાના વાળ ઊગવા જેવા લક્ષણ મુખ્ય છે. આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો હોર્મોનની તપાસ માટે વિશેષજ્ઞ ડોક્ટરની સલાહ લો.
વયસ્કોમાં ખીલ...
આંતરડામાં ગરબડનું પણ કારણ
વયસ્કોમાં ખીલ થવા એ આંતરડાની ખરાબ તંદુરસ્તીનો સંકેત હોઈ શકે છે. હકીકતમાં જ્યારે આંતરડામાં જોવા મળતા ફાયદાકારક બેક્ટેરિયા, વાઈરસ, ફંગસ વગેરે (ગટ માઈક્રોબાયોમ)માં અસંતુલન સર્જાવા લાગે છે તો તે ખીલના સ્વરૂપે ત્વચા પર ઉભરે છે. આ ઉપરાંત હોર્મોન્સમાં ઉતારચઢાવ - વિશેષ રીતે માસિક દરમિયાન - પણ તેનું કારણ હોઇ શકે છે. આ સ્થિતિ નિવારવા માટે આહારશૈલીમાં સુધારો કરો અને સ્ટ્રેસ મેનેજ કરો. આનાથી આ સમસ્યા મહદ્ અંશે દૂર થઇ શકે છે.
ત્વચા પર પીળાશ...
વિટામિન બી-12, આયર્નની ઊણપ
ત્વચા પીળી પડવી, ખાસ કરીને જ્યારે તેની સાથે શરીરમાં થાક પણ હોય તો તે એનીમિયા કે વિટામિન બી12 અને આયર્નની ઊણપનો સંકેત હોઈ શકે છે. હકીકતમાં જ્યારે શરીરના વિવિધ ભાગમાં ઓક્સિજનનું વહન કરતાં લાલ રક્તકણ પૂરતાં પ્રમાણમાં હોતા નથી ત્યારે એનીમિયા થાય છે. આની ઊણપથી ત્વચા
પીળી પડવા લાગે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે આયર્ન અને બી12થી ભરપૂર આહાર લો. જેમ કે લીલાં શાકભાજી, બીન્સ, નટ્સ વગેરેનું પૂરતાં પ્રમાણમાં સેવન આ ઊણપ દૂર કરવામાં મદદ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter