વયોવૃદ્ધોએ સ્ટેટિન્સ દવાઓ લેવી ફાયદાકારક
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે. સ્ટેટિન્સ દવાઓ શરીરમાં ‘ખરાબ’ કોલેસ્ટરોલ – લો ડેન્સિટી લિપોપ્રોટિન (LDL )ને 35થી 45 ટકા સુધી ઘટાડવામાં મદદ કરે છે. ધમનીઓ ચોખ્ખી રહેવાથી રક્તપ્રવાહમાં અવરોધ સર્જાતો નથી. વયોવૃદ્ધ લોકોને કાર્ડિયોવાસ્કુલર રોગોનું જોખમ વધારે હોવાં છતાં તેઓમાં સ્ટેટિન્સ લેવાનું પ્રમાણ ઓછું છે. જર્નલ Heartમાં પ્રસિદ્ધ અભ્યાસમાં સંશોધકોએ સલાહ આપી છે કે 70થી વધુ વયના લોકોએ સ્ટેટિન્સ લેવા વિચારવું જોઈએ.
•••
આલ્કોહોલ સ્ત્રી-પુરુષોમાં સંધિવાનું જોખમ વધારે
શરાબપાન કરનારા સ્ત્રી-પુરુષોમાં સંધિવા એટલે કે સાંધાઓમાં સોજા-દાહનું જોખમ વધી જાય છે. જોકે, બાયોલોજિકલ તફાવતના લીધે નહિ પરંતુ, જે પ્રકારના શરાબનું સેવન કરવામાં આવે છે તેના આધારે સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં આલ્કોહોલના કારણે સંધિવાનું જોખમ વધારે રહે છે. યુકે બાયોબેન્કમાં ચોક્કસ પ્રકારના શરાબપાન અને સંધિવાના જોખમ વચ્ચેનો સંબંધ જાણવા સંધિવા નહિ ધરાવતા 179,828 પુરુષ અને 221,300 સ્ત્રીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં ભાગ લેનારાને તેઓ કયા પ્રકારના શરાબ અને સપ્તાહમાં કેટલી વખત લે છે તેની પૂછપરછ કરાઈ હતી. અભ્યાસના 12.7 વર્ષના ગાળામાં હોસ્પિટલના રેકોર્ડ્સ થકી સંધિવાના કેસીસ ધ્યાનમાં લેવાયા હતા. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં બિયર અને સિડારનું સેવન વધારે હતું.