લંડનઃ ઈંગ્લેન્ડના ૨૪૦ NHS ટ્રસ્ટ્સના સંગઠન NHS Providersના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપ્સનના કહેવા અનુસાર ઈંગ્લેન્ડમાં NHSને સામાન્ય પરિસ્થિતિમાં આવતા લાંબો સમય લાગી જશે કારણકે વર્કફોર્સ તદ્દન થાકી ગયેલો અને આઘાત હેઠળ છે. કોવિડ ૧૯ બીજી વખત સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા પછી લોકોએ સારવાર માટે વેઈટિંગ સમય લાંબા રહેશે તેવી અપેક્ષા રાખવી જોઈએ. ઘણો સ્ટાફ એકસાથે NHS છોડી જાય તે પણ શક્ય છે.
ક્રિસ હોપ્સને કહ્યું હતું કે સેંકડો સ્ટાફ મેમ્બર્સને સખત કામગીરી બજાવ્યા પછી અને કોરોનાના ભયાનક બીજા મોજા દરમિયાન મોટી સંખ્યામાં પેશન્ટ્સને મોત પામતા જોયાં પછી પણ હળવાશની તક અપાતી નથી. આથી, મોટી સંખ્યામાં કર્મચારીઓ માંદગીની લાંબી રજા પર જાય અથવા નોકરી જ છોડી દે તેવી શક્યતા છે. તેમણે ગાર્ડિયન અખબારને એમ પણ જણાવ્યું હતું કે સાંસદો અથવા પેશન્ટ્સે NHS તત્કાલ ઝડપી ડાયગ્નોસ્ટિક અને ટ્રીટમેન્ટ સર્વિસીસ ફરી ચાલુ કરી દે તેવું દબાણ કરવું ન જોઈએ કે અપેક્ષા પણ રાખવી ન જોઈએ. કારણકે આ શક્ય નથી. માર્ચ ૨૦૨૦થી કેન્સર જેવી બીમારીઓ માટે હજારો સર્જરીઝ વારંવાર મુલતવી રાખવી પડી છે તેમાં પણ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે.
ઈંગ્લેન્ડમાં જેમની સારવાર ૧૮ સપ્તાહમાં થઈ જવી જોઈએ તેવા આશરે આશરે ૪.૫ મિલિયન લોકો હોસ્પિટલમાં સારસંભાળ માટે રાહ જોઈ રહ્યા છે. કોવિડ મહામારીના કારણે બીનકોવિડ સંભાળ વ્યાપકપણે ખોરવાઈ ગઈ છે. તાકીદની સારસંભાળ માટે એક વર્ષ કરતાં વધુ રાહ જોવી પડે તેવા લોકોની સંખ્યા એક જ વર્ષમાં ૧૩૯૮થી વધીને ૧૯૨,૧૬૯ના આંકડે પહોંચી છે. મહિનાઓ સુધી સારસંભાળ માટે રાહ જોવી પડશે તે લોકોએ હવે સ્વીકારી લેવું પડશે.
ડિસેમ્બર મહિનામાં બ્રિટિશ મેડિકલ એસોસિયેશન દ્વારા યુકેના ૭,૦૦૦ ડોક્ટર્સના સર્વેમાં જણાયું હતું કે કોવિડ મહામારીના ગાળામાં કામના અતિસય ભારણના પરિણામે ૨૮ ટકા ડોક્ટર્સ વહેલા નિવૃત્ત થવાની શક્યતા છે, ૨૧ ટકા NHS છોડી અન્ય કારકીર્દી અપનાવી શકે છે અને ૪૭ ટકા ડોક્ટર્સ ઓછા કલાક કામ કરવાનું પસંદ કરે તેમ છે. રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ ઈંગ્લેન્ડના પ્રેસિડેન્ટ પ્રોફેસર નીલ મોર્ટેન્સને પણ NHSના વર્કફોર્સની હાલત બાબતે હોપ્સનને ટેકો આપ્યો છે.