ન્યૂ યોર્ક: અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોના નવા સંશોધનમાં જણાવાયું છે કે, વાતચીત કરવાથી મ્હોંમાંથી ફેલાતા કોરોના વાઇરસના સૂક્ષ્મ કણો હવામાં ૮ મિનિટથી માંડીને ૧૪ મિનિટ સુધી ફેલાયેલા રહે છે. આ સમય સૌથી જોખમી છે. જો કોરોના વાઇરસનો ચેપ ધરાવતો વ્યક્તિ માસ્ક વિના વાતચીત કરે તો આસપાસના લોકોમાં ચેપ ફેલાવાનો ભય રહેલો છે.
વૈજ્ઞાનિકો જણાવે છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાના ઉપયોગ સમયે સૌથી વધુ સાવધાનીની જરૂર છે કારણ કે તે સમયે ચેપ ફેલાવાનું સૌથી વધુ જોખમ હોય છે. આ ઉપરાંત હવા-ઉજાસ વિનાના ઓરડામાં પણ ચેપ ફેલાવાની સંભાવના વધી જાય છે. અત્યાર સુધી એવું મનાતું હતુ કે, ખાંસી કે છીંક ખાવાથી જ કોરોનાનો ચેપ ફેલાઈ શકે છે. જોકે હવે નવા સંશોધનના પરિણામો દર્શાવે છે કે, ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે વાતચીતથી પણ વાઇરસ ફેલાઈ શકે છે.
વૈજ્ઞાનિકો કહે છે કે વ્યક્તિ વાતચીત કરે છે ત્યારે મ્હોંમાંથી હજ્જારો સૂક્ષ્મ કણો હવામાં ફેલાય છે. હવે જો વાતચીત કરનારી વ્યક્તિને કોરોનાનું સંક્રમણ હોય તો તેની વાતચીત થકી કોરોના ફેલાઈ શકે છે. મોટો અવાજ ધરાવતી વ્યક્તિ દ્વારા હવામાં વધુ પ્રમાણમાં સૂક્ષ્મ કણો ફેલાતા હોવાથી તેઓ દ્વારા આ ચેપનો મોટા પાયે પ્રસાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
હવામાં સૂક્ષ્મ કણો કેટલો સમય ટકશે તેનો આધાર બોલનાર વ્યક્તિની વયની સાથે સાથે તેનું મ્હોં કેટલું સૂકું છે, તેના પર પણ રહેલો છે. પ્રિન્સટન યુનિવર્સિટી, યુસીએલએ અને નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ દ્વારા ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ સાયન્સ’માં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, પોસ્ટ એરોસોલિઝાટીઓન એટલે કે સૂક્ષ્ણ કણોના હવામાં પ્રસાર બાદ ત્રણ કલાક સુધી પણ ટકતા હોવાની શક્યતા છે.
બૈજિંગની એકેડમી ઓફ મિલિટરી મેડિકલ સાયન્સના સંશોધકોની ટીમનું કહેવું છે કે હવામાં પ્રસરેલા સૂક્ષ્મ કણો થકી કોરોના ૧૩ ફૂટ સુધી પ્રસરી શકે છે. મોટા ભાગના દેશોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે છ ફૂટના અંતરની ભલામણ કરી છે. સાયપ્રસની યુનિવર્સિટીનું સંશોધન જણાવે છે કે હળવો પવન વહેતો હોય તો સામેની વ્યક્તિથી છ ફૂટ દૂર રહેવા છતાં કોરોનાનો ચેપ લાગી શકે છે.
સંશોધકોનું તારણ છે કે, ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હવા હોય અને આવા સમયે કોરોનાનો દર્દી જો છીંક કે ખાંસી ખાય તો તેમાં નીકળતા નાના-નાના કણો પાંચ જ સેકન્ડમાં ૧૫ ફૂટ સુધી ફેલાઈ શકે છે અને તેના કારણે તેની આસપાસ જો કોઈ વ્યક્તિ હોય તો તેને કોરોનાનો ચેપ લાગી શકે છે.
વારંવાર સ્વરૂપ બદલી મુશ્કેલી સર્જતો વાઇરસ
કોવિડ-૧૯ એટલે કે કોરોના વાઇરસ મૂળતઃ તો સાર્ક-કોવ-૨નું ફેરફાર પામેલું સ્વરૂપ છે. આ ફેરફારને વિજ્ઞાનની ભાષામાં મ્યુટેશન કહે છે. મ્યુટેશન એટલે વાઇરસ પોતાનું સ્વરૂપ થોડું બદલી નાંખે જેથી તેને ઓળખવો મુશ્કેલ થાય. બદલાયેલા સ્વરૂપ સાથે વાઇરસ કોઈ સજીવના શરીરમાં છૂપાયેલો રહે અને તક મળે ત્યારે સક્રિય થઈને ચેપ ફેલાવે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોના કહેવા પ્રમાણે સાર્સનો વાઇરસ અત્યાર સુધીમાં ૨૦૦ વાર સ્વરૂપ બદલી ચૂક્યો છે એટલે કે તેનું મ્યુટેશન થયું છે. વાઇરસ મ્યુટેશન પામે એનો અર્થ એ થાય કે તેના માટે તૈયાર થયેલી રસી કોઇ કામની રહેતી નથી કેમ કે રસી વાઇરસના જે સ્વરૂપ માટે અસરકારક હોય એ નવા સ્વરૂપમાં અસર કરી શકતી નથી. કોઈ વાઇરસ ઓછો મ્યુટેશન પામતો હોય તો તેની રસી તૈયાર કરવી સરળ રહે છે. દરેક વાઇરસ મ્યુટેશન પામતો હોય છે, એટલે નવાઈની વાત નથી, પરંતુ કોઈ વાઇરસ વધારે ચંચળ હોય તો વારંવાર સ્વરૂપ બદલ્યા કરે. કોઈ વાઇરસ શાંત હોય તો તેમાં બહુ મ્યુટેશન થતું નથી.