લંડનઃ સંતાન મેળવવા ગર્ભધારણ કરવા ઈચ્છતી મહિલાઓના પાર્ટનરોના ડીએનએમાં ખામીયુક્ત જણાતા વિજ્ઞાનીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે પુરુષોના શુક્રાણુમાં ખામી હોવાને લીધે મહિલાઓમાં વારંવાર ગર્ભપાત જોવા મળે છે. ઈમ્પિરિયલ કોલેજના સંશોધકોએ સતત ત્રણ અથવા વધુ વખત ગર્ભપાત વેઠનારી મહિલાઓના ૫૦ જેટલા પુરુષ પાર્ટનરોના શુક્રાણુની ગુણવત્તાની ચકાસણી કરી હતી.
સ્વસ્થ પ્રસુતિ થયેલી મહિલાઓના ૬૦ જેટલા પુરુષ પાર્ટનરોના શુક્રાણુ સાથે તેની સરખામણી કરતાં જે મહિલાઓના ગર્ભપાત થયાં હતા તેમના ડીએનએને બમણું નુક્સાન થયું હોવાનું જણાયું હતું.
રિસર્ચના મુખ્ય લેખક ડો. ચન્ના જયસેનાએ જણાવ્યું હતું કે અગાઉ વારંવાર ગર્ભપાત થાય ત્યારે તેના કારણો જાણવા માટે હંમેશા ડોક્ટરોએ મહિલાઓ પર જ ધ્યાન આપ્યું હતું. પરંતુ, પુરુષની તંદુરસ્તી અને તેના શુક્રાણુના સ્વાસ્થ્યનું ક્યારેય વિશ્લેષણ કર્યું ન હતું.