લંડનઃ પાર્કિન્સન્સ એટલે કંપવાના દર્દીઓ વારંવાર સંતુલન ગુમાવીને પડતાં આખડતાં રહે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. પાર્કિન્સન્સને કારણે ચોક્કસ પ્રકારના નર્વ કોષો ડેમેજ થાય છે અને મોટા ભાગે ૭૦ વર્ષની વય પછીથી એમનું નિદાન થાય છે. એ વખતે રોગ ઘણો આગળ વધી ગયો હોય છે. આ રોગની શરૂઆત થાય ત્યારથી જ વ્યક્તિને સંતુલન જાળવવામાં તકલીફ પડવા માંડે છે. સંતુલનમાં ગરબડ એ પાર્કિન્સન્સનું પ્રથમ લક્ષણ હોય છે જે રોગ વધવાના બે દસકા પહેલાંથી દેખાવા માંડે છે.
સ્વીડનના રિસર્ચરોનું કહેવું છે કે હાથ અને પગના સ્નાયુઓની ક્ષમતામાં ઘટાડો થવાની શરૂઆત ઘણી વહેલી થઈ જાય છે અને તેના કારણે વ્યક્તિ વારંવાર પડવા-આખડવા માંડે છે. આવા દર્દીઓમાં થાપાનું ફ્રેક્ચર કોમન છે. અથડાવા કે પડવાના સંજોગો વખતે સામાન્ય રીતે સંતુલન જાળવવા માટે શરીર થોડું રોટેટ થઈ જાય છે. જ્યારે એવું કરવામાં તકલીફ પડે છે ત્યારે વ્યક્તિ સીધી નીચે પછડાય છે અને થાપાનું ફ્રેક્ચર થાય છે. રિસર્ચરોએ ક્લિનિકલ ડેટા તપાસીને તારવ્યું છે કે પાર્કિન્સન્સ ડિસીઝનું નિદાન થાય એ પહેલાંના બે દાયકા પહેલાં જ દર્દીને પડવાની ફ્રેક્ચર થવાની શક્યતા વધારે હોય છે.