વિચારો કરવાથી પણ થાક શા માટે લાગે?

Friday 07th October 2022 12:04 EDT
 
 

લંડનઃ પરીક્ષા નજીક આવી હોય અને વાંચવાથી ભારે થાક લાગતો હોવાનું તમે ક્યારેય અનુભવ્યું છે ખરું? આ થાક ભલે શારીરિક ન હોય પરંતુ, જગ્યા પરથી એકાદ ઈંચ પણ ખસ્યા ન હોઈએ અને આખા દિવસના અભ્યાસ પછી તદ્દન નંખાઈ જઈએ તેમ પણ બનતું હોય છે. ‘કરન્ટ બાયોલોજી’ જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસ મુજબ પ્રોફેશનલ ચેસ ખેલાડીઓ પણ ચાર-પાંચ કલાકની બાજી રમ્યા પછી અચાનક ભૂલો કરવા લાગે છે જે તેઓ સારી જાતના આરામ પછી કરતા હોતા નથી. માનસિક કે ચિંતનના નિયંત્રણો શા માટે થકવી નાખે છે તેનું રહસ્ય હજુ અસ્પષ્ટ છે.

આ રહસ્ય ખોલવા માટે સંશોધકોએ લોકોના બે જૂથો પર માત્ર છ કલાકના ગાળા માટે મગજના મેટાબોલાઈટ્સ (ચયાપચય પ્રક્રિયાનાં ઘટક તત્વો) પર દેખરેખ રાખવા મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટોગ્રાફી (MRS)નો ઉપયોગ કર્યો હતો. એક જૂથને જટિલ માનસિક મથામણનું કાર્ય અને બીજા જૂથને પ્રમાણમાં સહેલું કાર્ય સોંપાયું હતું.
માનસિક મથામણનું કાર્ય સોંપાયેલા જૂથના સભ્યોમાં થાક કે નબળાઈના, આંખની કીકીઓ પહોળી થવાના, જાત પરનું નિયંત્રણ ઘટવા સહિતના લક્ષણો જોવા મળ્યા હતા અને હું તો ઘણો થાકી ગયો પ્રકારની નિશાનીઓ જણાવા લાગી હતી. જોકે, બ્રેઈનનાં MRSમાં પ્રિફ્રન્ટલ કોર્ટેક્સમાં એમિનો એસિડ ગ્લુટામેટના પ્રમાણ ઊંચું ગયાનું અન્ય લક્ષણ પણ જણાયું હતું. બ્રેઈનમાં ગ્લુટામેટ એમિનો એસિડ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે અને વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં તે સંકળાયેલું રહે છે. આમ છતાં, ચેતાકોષો પર તે ઝેરી અસર ઉપજાવે છે. સંશોધકો માને છે કે આના કારણે જ વધુપડતું વિચારવાથી થાકની અસર જોવાં મળે છે.
સાદા શબ્દોમાં કહીએ તો આપણા મગજના સ્નાયુઓને થકાવી નાખવાનું કારણ એ છે કે તમામ માનસિક પ્રયાસો કે મથામણની આડઅસર તરીકે આપણા પ્રિફ્રન્ટલ કોર્ટેક્સિસમાં ઝેરી આડપેદાશોનો ભરાવો થઈ જાય છે. આપણે જેટલા ઊંડા વિચારો કરીએ તેને રીસાઈકલ કરવા માટે આપણા મગજને વધુ ગ્લુટામેટની જરૂર પડે છે અને દરેક જટિલ વિચાર વધુ થાકની સમસ્યા ઉભી કરે છે.
ન્યૂરોસાયન્ટિસ્ટ અને અભ્યાસના સહલેખક મેથિઆસ પેસ્સિગ્લીઓનના જણાવ્યા અનુસાર પ્રભાવશાળી થિયરી સૂચવે છે કે થાક એ ખરેખર તો આપણે જે કાર્ય કરતા હોઈએ તે પડતું મૂકવા અને અન્ય આનંદદાયી પ્રવૃત્તિ તરફ વળવાની સૂચના આપવા મગજ દ્વારા સર્જાયેલો ભ્રમ કે ઈલ્યુઝન છે. મગજની કાર્યશીલતાની અખંડિતતા જાળવી રાખવાના હેતુસર આપણને તે કાર્યથી દૂર થવા સૂચવતો સંકેત છે.
આપણે સમસ્યાનું કારણ કે મૂળ તો જાણી લીધું પરંતુ, થાકથી બચવા માટે કોઈ ઉપાય થાય ખરો? પેસ્સિગ્લીઓન કહે છે કે, ‘ના, તે શક્ય નથી.’ જોકે, સંશોધકો માનસિક રીતે નખાઈ જઈએ ત્યારે કામકાજમાં ફેરફાર કરવાની, આવા સમયે મહત્ત્વનો નિર્ણય નહિ લેવાની અને વાહન નહિ ચલાવવાની સલાહ આપે છે.
માનસિક થાકના પ્રોક્સી તરીકે ગ્લુટામેટના સ્તરથી જાણકારી મળે છે પરંતુ, પ્રિફ્રન્ટલ કોર્ટેક્સિસમાં ગ્લુટામેટનો ભરાવો શા માટે થાય છે અથવા થાકના કારણરૂપ ડિપ્રેશન કે કેન્સર જેવી ચોક્કસ આરોગ્યની સ્થિતિમાં શું થાય છે સહિતના પ્રશ્નો હજુ સંશોધન માગી લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter