ન્યૂ યોર્ક: જરા કલ્પના તો કરો કે તમે કોઇને મોકલવા માટેનો સંદેશ વિચારો, અને પછી કમ્પ્યુટર - મોબાઇલ કે ટેબમાં ટાઇપ કર્યા વગર જ તે સેન્ડ થઇ જાય... વાત માન્યામાં આવે તેવી નથીને?! પણ વિજ્ઞાને આ કમાલ કરી દેખાડી છે. ઓસ્ટ્રેલિયાના ૬૨ વર્ષના ફિલિપ ઓ’કીફ માત્ર વિચારીને સોશિયલ મીડિયા પર મેસેજ મોકલનાર વિશ્વના સૌપ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેમણે દિમાગમાં કરેલા વિચારને ટ્વિટરના માધ્યમથી સામેની વ્યક્તિને મોકલ્યો છે. તેમણે મેસેજમાં લખ્યુંઃ ‘હવે કીસ્ટ્રોક (કીબોર્ડ પર ટાઇપિંગ કરીને કંઇ કહેવું જરૂરી નથી, આ મેસેજ મેં માત્ર વિચારીને બનાવ્યો છે.’
ફિલિપના મગજમાં લગાવાયેલા પેપર ક્લિપ જેટલા નાનકડા ઇમ્પ્લાન્ટની મદદથી આ કમાલ શક્ય બની છે. તેમનું ઉપરનું અડધું શરીર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે. તેઓ સાત વર્ષથી એમિયોટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ (એએલએસ)થી પીડિત છે. જેથી તેઓ અડધા શરીરનું હલનચલન કરવા સક્ષમ નથી. આ મોટર-ન્યૂરોન ડિસીઝનો જ એક પ્રકાર છે. કેલિફોર્નિયાની ન્યૂરોવાસ્ક્યુલર અને બાયોઇલેક્ટ્રોનિક્સ મેડિસિન કંપની સિન્ક્રોને બનાવેલા બ્રેઇન કમ્યુટર ઇન્ટરફેસ ‘સ્ટ્રેન્ટોડ’થી ફિલિપ જેવા લાખો લોકોનું જીવન બદલાઇ જશે. આ ટેક્નોલોજી માત્ર વિચારીને કમ્પ્યુટર પર કામ કરવાની સુવિધા આપે છે. ફિલિપે જણાવ્યું કે આ ટેક્નોલોજી વિશે સાંભળ્યું ત્યારે મને આશા બંધાઇ હતી કે તે અમુક અંશે મદદરૂપ થશે પણ તેણે મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે. આ સિસ્ટમ શીખવા બસ પ્રેક્ટિસ જરૂરી છે.
ફિલિપે મેસેજ મોકલવા સિન્ક્રોનના સીઇઓ થોમસ ઓક્સલીના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કર્યો હતો. થોમસે કહ્યું કે ફિલિપનો આ મેસેજ ઇમ્પ્લાન્ટેબલ બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. તેનાથી ફિલિપ જેવા ઘણા લોકોને ગંભીર રીતે લકવાગ્રસ્ત હોવા છતાં આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. સ્ટ્રેન્ટોડનો ઉપયોગ કરતા દર્દીઓની ક્લિક કરવાની ચોકસાઇ ૯૩ ટકા છે. તેઓ દર મિનિટે ૧૪થી ૨૦ અક્ષર ટાઇપ કરી શકે છે. આ ઇમ્પ્લાન્ટ ગળાની નસ દ્વારા થાય છે, જેથી મગજમાં સર્જરીની જરૂરી નથી પડતી.
મગજમાંથી મળતા સિગ્નલ કમ્પ્યુટર સુધી પહોંચે છે
સ્ટ્રેન્ટોડને ગરદન બ્લડ વેસલ દ્વારા ઇમ્પ્લાન્ટ કરાય છે. તેમાં વેસલ્સ એક્ટિવિટીઝ રેકોર્ડ કરતા સેન્સર હોય છે. મગજ પાસેથી મળતા સિગ્નલ ટેલીમેટ્રી દ્વારા હ્રદય પર લાગેલા ટ્રાન્સમીટર સુધી પહોચે છે. પ્રોસેસિંગ બાદ સિગ્નલ કમ્પ્યુટર કમાન્ડરમાં ફેરવાઇ જાય છે. આઇ ટ્રેકર કર્સરને નેવિગેટ કરવામાં મદદ કરે છે.