વિટામિન-ડીઃ હાડકાં ઉપરાંત ઇમ્યુનિટી - માનસિક તંદુરસ્તી માટે પણ જરૂરી

Wednesday 01st May 2024 06:45 EDT
 
 

શું તમને ભરપૂર ઊંઘ પછી પણ આખો દિવસ થાક અનુભવાય છે? અથવા તો હાડકાં કે પીઠનો દુઃખાવો રહે છે? આ અને આવા સંકેત વિટામીન-ડીની ઊણપ સામે આંગળી ચીંધે છે. બહુમતી વર્ગ એટલું જ જાણે છે કે વિટામિન-ડી હાડકાં માટે જરૂરી છે, પરંતુ હકીકત એ છે કે વિટામિન-ડી હાડકાં સિવાય પણ ઉપયોગી છે. વિટામિન-ડીની ઉણપથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી થાય છે, જેનાથી વ્યક્તિ ઝડપભેર બીમાર પડે છે. કેટલાક કિસ્સામાં ડિપ્રેશન પણ જોવા મળે છે. આથી જ શરીરમાં વિટામિન-ડીનું પ્રમાણ જળવાય રહે તે જરૂરી છે. આપણે વિટામિન-ડીના મહત્ત્વને તબક્કાવાર સમજીએ...

• વિટામિન-ડી શું છે?
વિટામિન-ડી ચરબીમાં સરળતાથી ભળી જતા સ્ટીરોઈડનો એક સમુહ છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છેઃ વિટામિન-ડી2 અને અન્ય વિટામિન-ડી3. વિટામિન-ડી કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફેટ વગેરેને આંતરડા દ્વારા અવશોષિત કરવામાં મદદ કરે છે.

• ઊણપના કારણ કયા?
વિટામિન-ડીનો સૌથી મોટો સ્રોત સૂર્યનો પ્રકાશ છે. રૂમની અંદર જ વધુ સમય રહેવું, તડકામાં જવાનું ટાળવું. ડેરી ઉત્પાદનોનું ઓછું સેવન, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિન્ક્સના વધુ સેવનથી વિટામિન-ડીની ઊણપ થઈ શકે છે.

• ઊણપના લક્ષણ ક્યા?
જો ઊંઘ પૂરી થયા પછી પણ થાક લાગતો હોય તો તેનું કારણ વિટામિન-ડીની ઊણપ હોઈ શકે છે. આ સિવાય વાળ ખરવા, ઘા ઝડપથી સાજો ન થવો, મૂડ સ્વિંગ પણ તેનાં લક્ષણો છે.

• ઊણપથી નુકસાન શું?
વિટામિન-ડીની ઊણપથી હાડકાં માટે જરૂરી કેલ્શિયમનું શરીર અવશોષણ કરી શકતું નથી. આ સિવાય ચેપ સામે લડતા ટી-સેલ્સને સક્રિય કરવામાં પણ તે મદદ કરે છે. ઊંઘ માટે જરૂરી હોર્મોન મેલાટોનિન અને ખુશીના હોર્મોન સેરાટોનિનને સંતુલિત રાખવામાં મદદ કરે છે.

• ઊણપની ભરપાઇ કઇ રીતે?
શરીરમાં વિટામિન-ડીનું પ્રમાણ જાળવવાનો સૌથી સારો સ્ત્રોત છે કૂણો તડકો. દરરોજ સવારે 20 મિનિટ કૂણો તડકો માણો. આ સિવાય ડાયેટની વાત કરીએ તો, મશરૂમ, ફોર્ટીફાઇડ ફૂડ, સોયા મિલ્ક, બદામનું દૂધ, ટોફૂ અને દહીંને વિટામિન-ડીના સારા સ્ત્રોત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter