લંડનઃ બહુમતી લોકો આરોગ્યને જાળવવા મલ્ટિવિટામીન્સ અને સપ્લીમેન્ટ્સ લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે વિટામીન્સ અને હેલ્થ સપ્લીમેન્ટ્સ પ્રીસ્ક્રીપ્શન્સ વિના જ ઓવર ધ કાઉન્ટર મળી જાય છે. શરીરમાં અશક્તિ કે નબળાઈ જેવું લાગવાની સાથે જ લોકો વિટામીન્સની ગોળીઓ ગળવા લાગે છે. જે લોકોમાં વિટામીન્સની ભારે ઉણપ હોય અથવા પ્રમાણ ઓછું હોય તેમના માટે તો આવાં સપ્લીમેન્ટ્સ કે મલ્ટિવિટામીન્સ જરૂરી ગણાય પરંતુ,આડેધડ ગોળીઓ કે પ્રવાહી શરીરમાં નાખનારા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. રોજિંદા મલ્ટિવિટામીન્સ લેવાના બદલે સંતુલિત આહાર અને પ્રમાણસરની નિયમિત કસરત શરીરને વધુ ફાયદાકારક નીવડે છે.
શરીરના વિકાસ અને કાર્ય માટે વિટામીન્સ અને મિનરલ્સ આવશ્યક છે. વિટામીન્સA, C, D, E અને K ઉપરાંત, થીઆમિન, રિબોફ્લોવિન, નીઆસિન,પેન્ટોથેનિક એસિક, પાયરીડોક્સાલ, કોબાલામિન, બાયોટિન અને ફોલિક એસિડ જેવા વિટામિનBના પ્રકાર આવશ્યક છે. આ ઉપરાંત, કેલ્સિયમ, ફોસ્ફરસ, પોટાસિયમ, સોડિયમ, ક્લોરાઈડ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિન્ક, આયોડિન, સલ્ફર, કોબાલ્ટ, કોપર, ફ્લોરાઈડ, મેંગેનીઝ અને સેલેનિયમ જેવી મિનરલ્સ પણ શરીર માટે જરૂરી હોય છે. કોઈ પણ એક પ્રકારના આહારમાં આ તમામ વિટામીન્સ અને મિનરલ્સ મળી જાય તે શક્ય નથી. આથી લોકો, વિટામીન સપ્લીમેન્ટ્સનો આશરો લેતા હોય છે.
મોટા ભાગના નિષ્ણાતો સહમત થાય છે કે સંતુલિત આહાર લેનારા તંદુરસ્ત વયસ્કોને મલ્ટિવિટામીન્સની જરૂર રહેતી નથી. બીજી તરફ, અસંતુલિત આહાર લેનારા મોટા ભાગના લોકો માટે રોજ મલ્ટિવિટામીન્સનો ડોઝ ઈન્સ્યુરન્સ પોલિસી ગણવામાં આવે છે. જો તમારા આહારમાં શરીરને વિટામીન્સ અને મિનરલ્સની જરૂરિયાત સંતોષાતી હોય અને આવી જરૂરિયાત ઉપરાંત સપ્લીમેન્ટ્સ લેવાય ત્યારે શરીરને આની કોઈ જરૂર રહેતી નથી. આના કારણે ઘણી વખત સમસ્યા સર્જાઈ શકે છે. આ ઉપરાંત, ચોક્કસ પ્રકારના વિટામીન્સનું વધુ પ્રમાણ શરીરને નુકસાનકારી પણ બની રહે છે. વિટામીન Aની વાત કરીએ તો વધુપડતું બીટા-કેરોટિન સગર્ભા સ્ત્રીઓમાં જન્મની ખામીઓ લાવી શકે છે.
અમેરિકાની યેલ સ્કૂલ ઓફ મેડિસીનના ડો. એફ. પેરી વિલ્સનના જણાવ્યા અનુસાર યુએસએમાં ઓવર ધ કાઉન્ટર વિટામીન્સ અને હેલ્થ સપ્લીમેન્ટ્સ ઉત્પાદનોનું બજાર વાર્ષિક 30 બિલિયન ડોલરથી પણ વધુ છે જે કોલેસ્ટોરલને કાબુમાં લેવા વપરાતી સ્ટેટિન્સના માર્કેટ કરતાં પણ વધુ છે. જેનું બજાર આટલું વિશાળ હોય તે જ એક પુરાવા સમાન ગણાય છે કે વિટામીન/સપ્લીમેન્ટ્સ આરોગ્યને સુધારવામાં કામ લાગે છે.
યુએસએમાં 1945માં સ્થાપિત અને કેલિફોર્નિયા સહિત આઠ રાજ્યોમાં કાર્યરત સૌથી મોટા કેર કોન્સોર્ટિયમ કૈસર પરમાનેન્ટે (Kaiser Permanente -KP)ના સંશોધકો વયસ્કો દ્વારા ઉપયોગમાં લેવાતા વિટામીન/સપ્લીમેન્ટ્સની તમામ જરૂરી ટ્રાયલ પછી એવાં તારણ પર આવ્યા છે કે આ સપ્લીમેન્ટ્સ વાસ્તવમાં કશું જ કરતા નથી. ડો. વિલ્સનના જણાવ્યા અનુસાર નેફ્રોલોજીની ભાષામાં કહીએ તો વિટામીન્સ તમારા માટે ખર્ચાળ પેશાબ સિવાય કશું નથી. વિટામીન્સની ઉણપના લીધે રોગોનું જોખમ વધતું હોવા થી યુએસ પ્રીવેન્ટિવ સર્વિસીસ ટાસ્કફોર્સ (USPSTF) દ્વારા કેન્સર અને કાર્ડિયોવાસ્કુલર મૃત્યુના સંદર્ભે ડેટા અપડેટ કરવા વિટામીન/સપ્લીમેન્ટેશન મુદ્દે સંશોધનની કામગીરી KPને સુપરત કરાઈ હતી.
સામાન્ય વયસ્કો પર ઓછામાં ઓછાં એક અથવા મલ્ટિવિટામીન્સની 87 ટ્રાયલ કરવામાં આવી હતી. અનેક પ્રકારના વિટામિન્સ અને તેના પરિણામો વચ્ચે અનેક સંભવિત કડીઓ જોવાઈ છે પરંતુ,મલ્ટિવિટામીન્સના ઉપયોગ અને કેન્સર વચ્ચેની એક માત્ર કડીમાં લાભની શક્યતા જોવાં મળી છે. આ પણ મુશ્કેલ છે કારણકે, 9 ટ્રાયલમાં જ ચોક્કસ પ્રકારના મલ્ટિવિટામીન્સના કોકટેલ થકી જ આ ફાયદો જોવા મળ્યો હતો. આ પરિણામ પણ એટલું ઈમ્પ્રેસિવ નથી કારણકે
ચોક્કસ મલ્ટિવિટામીન્સથી કેન્સરની ઘટનામાં આશરે 0.2 ટકાનો ઘટાડો થઈ શકે. આનો અર્થ એ થાય કે કેન્સરનો એક કેસ ટાળવા માટે તમારે 500 લોકોની સારવાર મલ્ટિવિટામીન્સથી કરવી પડે. આથી તમારા માટે કયા મલ્ટિવિટામીન્સ લાભકારી નીવડશે તે નક્કી કરી શકાય નહિ.
2020માં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા પછી લોકોએ આરોગ્ય તરફ વધુ ધ્યાન આપવા માંડ્યું હતું. જેની સીધી અસર 2021માં વિટામીન્સ, મિનરલ્સ અને સપ્લીમેન્ટ્સ (VMS) ઉત્પાદનોના બજારમાં જોવાં મળી છે.
યુકે વિટામીન્સ એન્ડ સપ્લીમેન્ટ્સ માર્કેટ રિપોર્ટ અનુસાર 2022માં 38 ટકા બ્રિટિશરોએ દરરોજ વિટામીન્સ, મિનરલ્સ અથવા સપ્લીમેન્ટ્સનો ડોઝ લીધો છે. હવે કથળેલી નાણાકીય હાલતના કારણે VMSથી સમૃદ્ધ ડાયેટ લેવાનું મુશ્કેલ બની રહ્યું હોવાનું 48 ટકા બ્રિટિશરો કહે છે. 2022માં યુકે વિટામીન્સ અને સપ્લીમેન્ટ્સનું અંદાજિત બજાર 520 મિલિયન પાઉન્ડનું હશે. 2017-22ના પાંચ વર્ષના ગાળામાં રીટેઈલ વેચાણમાં 17 ટકા વધારો જોવા મળ્યો છે. જોકે, ગ્રાહકોની વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો 2023માં વેચાણને અસર થઈ શકે છે.