લંડન: પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારા ટ્યૂનિંગ અને પ્રેમ એકબીજાને અનેક અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે, જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને ‘વિડોહૂડ ઈફેક્ટ’ કહેવાય છે. આમાં, એકલા રહી ગયેલા પાર્ટનરને જીવવામાં મુશ્કેલી આવે છે.
કઈ વ્યક્તિ પર આ અસરનું જોખમ કેટલું છે તે અંગે સંશોધકોનું કહેવું છે કે આ બાબત ધર્મ, જાતિ સહિત ઘણાં પરિબળો પર નિર્ભર કરે છે. તેમાં જીવનસાથીના મૃત્યુનું કારણ પણ મહત્ત્વનું પરિબળ છે. જીવનસાથીના વિયોગની અસર એ વ્યક્તિ પર સૌથી વધુ જોવા મળે છે જેઓ તેમના સાથી સાથે ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલાં હોય છે. ડેનમાર્ક, બ્રિટન અને સિંગાપોરના સંશોધકોએ છ વર્ષ સુધી 65 વર્ષથી વધુ ઉંમરના 10 લાખ ડેનિશ નાગરિકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ પછી સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે જે પુરુષે પોતાનો જીવનસાથી ગુમાવ્યો હતો તેની વયનાં યુગલોની સરખામણીમાં એક વર્ષમાં મૃત્યુનું જોખમ 70 ટકા વધી ગયું હતું. જ્યારે મહિલાઓના કિસ્સામાં આ જોખમ 27 ટકા જોવા મળ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે મોટી વયની સરખામણીમાં યુવા વયસ્કોમાં વિડોહૂડ ઇફેક્ટનું જોખમ સૌથી વધુ જોવા મળે છે.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાત ડોન કૈર કહે છે કે યુગલો કેટલીક વાર તેમની જીવનશૈલીની ચિંતાઓ અને પ્રાથમિકતાઓ એકમેક સાથે શેર કરે છે. આ કારણથી તે સ્વસ્થ રહે છે. આ સંજોગોમાં એક સાથીની વિદાયથી તેના જીવનમાં ખાલીપો સર્જાય છે, જે તેના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.
એકલતા તમામ વયજૂથના પુરુષોમાં વહેલા મૃત્યુનું જોખમ વધારે છે. આમાં પણ તે નાની ઉંમરમાં વધુ જીવલેણ બની રહે છે. આ બાબતને આપણે ચેતવણી તરીકે લેવી જોઈએ. વૃદ્ધાવસ્થાની શરીર પર થતી અસરો વિશે ઘણો અભ્યાસ થયો છે, આની જેમ આપણે વિડોહૂડ ઇફેક્ટ પર કામ કરવાની જરૂર છે.