વિમાનમાં આલ્કોહોલ પીવાથી શરીરને શું અસર થાય?
વિમાનમાં શરાબ પીવાનું સામાન્ય ગણાય છે ત્યારે નવો અભ્યાસ કહે છે કે ફ્લાઈટમાં આલ્કોહોલ પીધા પછી સૂઈ જવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને હૃદયના ધબકારાં વધી જાય છે. જે પ્રવાસીને તબીબી સમસ્યાઓ હોય તેમના માટે ફ્લાઈંગ, ડ્રિન્કિંગ અને સ્લિપીંગની આવી પરિસ્થિતિ જોખમી બની શકે છે. આ વિશે વધુ સંશોધન આવશ્યક છે છતાં, નિષ્ણાતો એ મુદ્દે સહમત છે કે વિમાનપ્રવાસમાં શરાબપાન કરતાં પહેલાં લોકોએ વિચારવું જોઈએ. જર્નલ ‘થોરેક્સ -Thorax’માં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાયું હતું કે પ્રેશરાઈઝ્ડ કેબિનમાં આલ્કોહોલના સેવન પછી નિદ્રાધીન થવાથી ઊંઘની ક્વોલિટી ખરાબ હોવાં ઉપરાંત, કાર્ડિઓવાસ્કુલર સિસ્ટમ પર તણાવ સર્જાય છે અને લોહીમાં ઓક્સિજનમાં ઘટાડો થાય છે. જર્મન એરોસ્પેસ સેન્ટરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસીનમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્લીપ એન્ડ હ્યુમન ફેક્ટર્સ રિસર્ચના ડેપ્યુટી એવા-મારીઆ એલ્મેનહોર્સ્ટના કહેવા મુજબ જે લોકો હૃદય કે ફેફસાંના રોગથી પીડાતાં હોય તેમના માટે બ્લડ ઓક્સિજન લેવલ ઘટે તે જોખમી બાબત છે કારણકે તેમના શરીર લોહી અને ઓક્સિજનનું વહન કરવામાં વધુ મહેનત કરી જ રહ્યાં હોય છે. પ્રેશરાઈઝ્ડ કેબિનમાં શરાબપાન કરનારા લોકોમાં બ્લડ ઓક્સિજનનું લેવલ 84 ટકા હતું. સામાન્ય સંજોગોમાં બ્લડ ઓક્સિજન લેવલ 95 ટકા કે તેથી વધુ હોય છે. અભ્યાસમાં મુખ્ય મુદ્દો શરાબપાન પછી નિદ્રાધીન થવાનો છે જે મુશ્કેલી સર્જી શકે છે. સામાન્યપણે નિદ્રાની મહાલતમાં લોકોમાં હૃદયના ધબકારા ઘટતા હોય છે પરંતુ, આલ્કોહોલના સેવન પછીની નિદ્રામાં ધબકારા વધી જાય છે.
•••
લાંબો સમય સૂર્યપ્રકાશમાં રહેવાથી ઘડપણની નિશાનીઓ વહેલી દેખાય
સૂર્યપ્રકાશ શરીર માટે આવશ્યક અને લાભકારી છે તે હકીકત છે પરંતુ, તેનાથી ઘણું નુકસાન પણ થાય છે. કુમળા સૂર્યપ્રકાશનો લાભ લેવાથી શરીરને વિટામીન D મળતું હોય છે પરંતુ, લાંબા સમય તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્વચાનો રંગ હળવો કે શ્વેત હોય તેવી વ્યક્તિને ચહેરા સહિત અન્યત્ર કરચલીઓ સાથે ઘડપણની નિશાનીઓ વહેલી દેખાવાની શરૂઆત થાય છે. સૂર્યપ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે જેની રેડિએશન જેવી અસરથી ત્વચાના કેન્સર સહિત ગંભીર ફેરફારો પણ જોવાં મળે છે. સૂર્યપ્રકાશના કારણે ત્વચાની લવચીકતા ખલાસ થઈ જાય છે, સન સ્પોટ્સ–લાલ ચકામા દેખાય છે, આંખની આસપાસ કરચલીઓ જોવા મળે છે જેને ફોટોએજિંગ તરીકે પણ ઓળખાવાય છે. વ્યક્તિ, તેની ત્વચાનો ટોન-રંગ, સૂર્યપ્રકાશમાં રહેવાના સમયના આધારે, ચામડી પર ડાઘા કે ટપકાં, સન સ્પોટ્સ, રંગ કે રંગહીન ધબ્બા, ચામડી લબડી પડવી, રેખાઓ પડવી, ઊંડી કરચલીઓ, નસો ફાટી જવી સહિતના ઘડપણના લક્ષણો જોવાં મળે છે. વય વધવાના પરિણામે વ્યક્તિ વૃદ્ધ થાય છે અને સમગ્ર શરીરમાં તેના લક્ષણો અને અસરો જોવાં મળે છે પરંતુ, સૂર્યપ્રકાશના કારણે અકાળે વૃદ્ધત્વની નિશાનીઓ દેખાય તે અલગ બાબત છે.
•••
કોકા કે ડાર્ક ચોકલેટ ખાવ, બીપી-કોલેસ્ટરોલ ઘટાડો
એક સંશોધનના તારણો અનુસાર કોકાનું સત્વ/અર્ક કે ઘણી ડાર્ક ચોકલેટ ખાવાથી જોખમી કાર્ડિયોવાસ્કુલર પરિબળો ઘટાડી શકાય છે. કોકા ખાવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર, કુલ અને ખરાબ (LDL) કોલેસ્ટરોલ અને ફાસ્ટિંગ બ્લડ સુગરમાં સમગ્રતયા ઘટાડો જોવા મળ્યો છે. જોકે, મહત્ત્વપૂર્ણ ડાયાબિટીસ બાયોમાર્કર HbA1c, શરીરના વજન, બોડી માસ ઈન્ડેક્સ (BMI), કમરનો ઘેરાવો, ટ્રાઈગ્લિસરાઈડ્સ, સારા (HDL) કોલેસ્ટરોલ જેવા કાર્ડિયોવાસ્કુલર પરિબળોને અસર કરતા હોવાનું જણાયું નથી. કોકા જેવા વિવિધ આહાર આપણા હૃદયની તંદુરસ્તી વધારી શકે છે તેમ કહેતા નિષ્ણાતોના મતે આરોગ્યપ્રદ આહાર જ કાર્ડિયોવાસ્કુલર રોગના જોખમી પરિબળો સામે વધુ અસરકારક રહે છે.