વોશિંગ્ટન: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ગવર્નર જનરલ ટેડ્રોસ એડનમ ગેર્બેયસસે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ ખતરનાક મહામારી માટે તૈયાર રહેવું જોઈએ. કોરોના વાઇરસ સંક્રમણને મુદ્દે વિશ્વભરમાં સ્થિરતા બનેલી છે તેવામાં ‘હૂ’ના વડાએ આપેલી ચેતવણીએ ચિંતા વધારી દીધી છે. ટેડ્રોસે કહ્યું હતું કે, વૈશ્વિક આરોગ્ય કટોકટીના રૂપમાં કોવિડ-19નો અંત તે વૈશ્વિક આરોગ્ય ખતરાના રૂપમાં કોવિડ-19નો અંત નથી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાએ 76મી વિશ્વ આરોગ્ય સભામાં પોતાનો અહેવાલ રજૂ કરતા આ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભાવિ વાઇરસ સંખ્યાબંધ લોકોને સંક્રમિત કરશે. તે માટે તેમણે સંકટનો તમામ પ્રકારની સ્થિતિનો પ્રભાવશાળી રીતે સામનો કરી શકે તેવા વૈશ્વિક તંત્રની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાવિ મહામારી બારણે ટકોરા મારી રહી છે તેના સંજોગોમાં આપણે તેની સામે સામૂહિક રૂપે લડવાની તૈયારી કરી લેવી જોઈએ. ત્રણ વર્ષમાં કોરોના મહામારીએ વિશ્વને બદલી નાખ્યું છે.