વિશ્વ પર મંડરાઇ રહ્યાાે છે વાઇરસનો ખતરોઃ ૩૬ કલાકમાં ૮ કરોડના મોત થઇ શકે છે

Tuesday 01st October 2019 15:07 EDT
 
 

નવી દિલ્હીઃ સમસ્ત વિશ્વ પર હાલમાં એક નવો જ ખતરો મંડરાઇ રહ્યો છે. આખી દુનિયા પર હવામાં ફેલાતાં ખતરનાક વાઇરસનું જોખમ ઉભું થયું છે. આ વાઇરસ ૩૬ કલાકની અંદર દુનિયાભરમાં ૮ કરોડથી પણ વધારે લોકો માનવજિંદગી ભરખી જવા માટે સક્ષમ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાના બધા દેશોને આ અંગે ચેતવણી પણ આપી છે. વિશેષજ્ઞોના મત પ્રમાણે આ વાઇરસ દુનિયામાં અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાઇરસ સાબિત થશે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં ૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂ મહામારી સર્જાઈ હતી, જેમાં આશરે પાંચ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે આ નવો વાઇરસ તેનાથી પણ અનેકગણો ખતરનાક હશે. ઉપરાંત દુનિયામાં પ્રવાસ પણ વધ્યો હોવાથી તેનો ફેલાવો પણ અનેકગણી ઝડપે થશે.
આ વાઇરસ શ્વાસ સાથે શરીરમાં જશે અને જોતજોતામાં જ મહામારીનું સ્વરૂપ ધારણ કરશે. દુનિયાના આ નવા જોખમ માટે બિલ્કુલ તૈયાર નથી. આ વાઇરસ અંગેની જાણકારી જીપીએમબી (ગ્લોબલ પ્રિપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડ) નામની સંસ્થાએ તેમના રિપોર્ટમાં કર્યો છે. આ સંસ્થાનું નેતૃત્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ વડા અને નોર્વેના પૂર્વ વડા પ્રધાન ડો. ગ્રો હાર્લેમ બ્રુન્ડલેન્ડ કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા ‘વર્લ્ડ એટ રિસ્ક’ નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે આ વાઇરસ ઈબોલાની જેમ જ ભયાનક હશે. જેમાં દસ કરોડથી વધુ લોકોના જીવ જવાની શક્યતા છે. સાથે જ કેટલાય દેશોની અર્થવ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પણ ખોરવાશે.
સંસ્થા દ્વારા આ રિપોર્ટ તમામ દેશોને મોકલવામાં આવ્યો છે, જેથી આવશ્યક પગલાંઓ લઈ શકાય. ઉપરાંત સંસ્થાએ જણાવ્યું છે કે તેમનાં દ્વારા અગાઉ જાહેર કરાયેલા રિપોર્ટને કોઈએ ગંભીરતાથી લીધો નથી. આ વખતે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ ચેતવણીનું સમર્થન કરાયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દુનિયાના બધા જ દેશોની સરકારને આહવાન કર્યું છે કે આ મહામારીથી બચવા માટે યોગ્ય તૈયારી કરે કેમ કે આ વાઇરસ ઇતિહાસના સૌથી ખતરનાક સ્પેનિશ વાયરસ કરતાં પણ વધારે ભયાનક હશે. અત્યારે વિશ્વમાં કોઇ પણ દેશ પાસે એવી પૂરતી સગવડ નથી કે આ મહામારીને પહોંચી વળે. સંસ્થાએ આ વાઇરસનો સંભવિત શિકાર થનારા દેશો વિશે એક નકશો પણ તૈયાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter