નવી દિલ્હી: કોરોનાથી બેહાલ દુનિયાને ડેન્ગ્યૂ પણ પરેશાન કરી રહ્યો છે. મચ્છરોના કરડવાથી થતી આ બીમારી ભારતમાં ચાલુ વર્ષે ૩૨ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકી છે. ચાલુ વર્ષે અત્યાર સુધી ૧.૨૦ લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૨૩ હજારથી વધુ કેસ મળ્યા છે. દુનિયાની વાત કરીએ તો પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ ડેન્ગ્યૂનો કેર તૂટી પડ્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૧૯ હજારથી વધુ તો સિંધ પ્રાંતમાં ૪૨૦૦થી વધુ લોકો ડેન્ગ્યૂ પીડિત છે. જ્યારે બાંગ્લાદેશમાં પણ ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મતે દુનિયાની અડધી વસતી એટલે કે આશરે ૪૦૦ કરોડ લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં ડેન્ગ્યૂ થવાનો સૌથી વધુ ખતરો છે.