રાંચી, નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર યોજનાનો પ્રારંભ કર્યો છે. યોજના અંતર્ગત ભારતના ૨૦ રાજ્યોના ૫૦ કરોડ લોકોને ૧૩૫૪ બીમારીની વિનામૂલ્યે સારવાર સુવિધા મળશે. ઝારખંડની રાજધાની રાંચીમાં રવિવારે યોજાયેલા સમારોહમાં ‘આયુષ્યમાન ભારત – પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજના’નો શુભારંભ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે કેટલાક લોકો આ યોજનાને મોદી કેરનું નામ આપે છે તો કેટલાંક તેને ગરીબો માટેની યોજના ગણાવે છે, પરંતુ મારા માટે આ યોજના દેશના દરિદ્રનારાયણની સેવા માટે ભરાયેલું પગલું છે.
આયુષ્યમાન ભારત યોજનાને આરોગ્ય સેવાક્ષેત્રે ભરાયેલું ગેમચેન્જર પગલું ગણાવતાં મોદીએ જણાવ્યું હતું કે, યોજના ચોક્કસપણે ગરીબો માટેની જ યોજના છે. ૧૦ કરોડ પરિવારના ૫૦ કરોડ કરતાં પણ વધુ લાભાર્થીઓને આવરી લેનારી યોજના સરકારી મદદથી ચાલતી વિશ્વની સૌથી મોટી યોજના બની રહેશે.
ઉલ્લેખનીય છે કે યોજના લાગુ થયાના ૨૪ જ કલાકમાં ૧૦૦૦ લોકો આ આરોગ્ય યોજનાનો લાભ લઇ ચૂક્યા છે.
વડા પ્રધાને કહ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીની કુલ સંખ્યા અમેરિકા, મેક્સિકો અને કેનેડાની કુલ વસતી કરતાં વધુ રહેશે. સમગ્ર વિશ્વનાં સંગઠનો અભ્યાસ કરવા માગે છે કે, સરકાર આટલી મોટી યોજનાને આર્થિક સહાય કેવી રીતે આપી રહી છે.
વડા પ્રધાને ઉમેર્યું હતું કે સરકાર ઋષિ-મુનિઓનાં સદીઓ જૂનાં સપનાંને સાકાર કરવા માગે છે. સમાજની છેવાડાની વ્યક્તિને પણ સારવાર મળવી જોઈએ.
વિપક્ષના નામે કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે, વિરોધ પક્ષોએ હંમેશાં ગરીબોને મતબેન્ક તરીકે જ જોયાં છે. ચૂંટણીઓ જીતવા માટે તેમના તરફ મફત સુવિધાઓની લાલચ ફેંકતા રહ્યા છે. વોટ બેંકના રાજકારણના લીધે છેલ્લા ૬૦ વર્ષથી ગરીબોના સ્વાસ્થ્યની અવગણના થઈ છે, પરંતુ આયુષ્યમાન ભારતમાં સંપ્રદાય, જાતિ, ઉંચ-નીચના આધારે કોઇ ભેદભાવ નહીં હોય. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચ જતાં બધાને તેનો સમાન લાભ મળશે. તેમણે કહ્યું કે હોસ્પિટલ જવાની સ્થિતિ આવતા ગરીબ પણ ધનવાનોની જેમ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે. ન્યૂ ઈન્ડિયા સ્વસ્થ રહે, ન્યૂ ઈન્ડિયા સશક્ત બને, તમે બધા તંદુરસ્ત અને આયુષ્યમાન રહો એ જ મારી શુભેચ્છા છે.
કુલ ૧,૩૫૪ સારવારનાં પેકેજ
આરોગ્ય મંત્રાલયે આ મહત્ત્વાકાંક્ષી આરોગ્ય યોજનાના પેકેજમાં કોરોનરી બાયપાસ, ની રિપ્લેસમેન્ટ અને સ્ટેન્ટિંગ જેવી ૧,૩૫૪ સારવારને આવરી લીધી છે. યોજનામાં સરકારની આરોગ્ય યોજના કરતાં પણ ૧૫-૨૦ ટકા સસ્તા દરે સારવાર અપાશે. લાભાર્થીઓને હોસ્પિટલમાં જ કેશલેસ અને પેપરલેસ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. લાભાર્થીઓ ૧૩,૦૦૦ જેટલી સરકારી તથા યાદીમાં સામેલ ખાનગી હોસ્પિટલોમાં ૧,૩૫૪ બીમારીની સારવાર મેળવી શકશે.
આગામી દિવસોમાં યોજનાનો વિસ્તાર
ઉલ્લેખનીય છે કે આ આરોગ્ય યોજનાને આગામી સમયમાં વિસ્તારવામાં આવશે અને સમાજના અન્ય વર્ગોને પણ આવરી લેવાશે. આ માટે દેશમાં ૧૪ નવી ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સિસ (‘એઇમ્સ’)નું નિર્માણ કરાશે અને તબીબોની જરૂરત પૂરી કરવા માટે ૮૨ નવી સરકારી મેડિકલ કોલેજની સ્થાપના કરાશે. આ ઉપરાંત લોકોના આરોગ્યનું જતન-સંવર્ધન કરવા માટે દેશભરમાં ૧.૫ લાખ વેલનેસ સેન્ટરનું નિર્માણ કરવાની પણ યોજના છે.
બહુમતી વર્ગ આરોગ્ય વીમાથી વંચિત
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૭૧મા નેશનલ સેમ્પલ સર્વે મુજબ ૮૫.૯ ટકા ગ્રામીણ અને ૮૨ ટકા શહેરી પરિવારો પાસે આરોગ્ય વીમો જ નથી. ૨૪ ટકા ગ્રામીણ અને ૧૮ ટકા શહેરી પરિવારોને સારવાર માટે દેવું કરવું પડે છે. યોજનાના કર્તાહર્તા અને નીતિ આયોગના સભ્ય વી. કે. પોલ કહે છે કે, ‘આ આરોગ્ય યોજનાને કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકાર પર રૂપિયા ૩,૫૦૦ કરોડનો બોજો પડશે, જેમાં ૬૦ ટકા ભારત સરકાર યોગદાન આપશે જ્યારે ૪૦ ટકા યોગદાન રાજ્ય સરકારનું હશે.’
૧૦ કરોડ પરિવારને આરોગ્ય વીમો
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દેશના ૧૦ કરોડ પરિવારોને એટલે કે અંદાજિત ૫૦ કરોડ નાગરિકોને વાર્ષિક રૂપિયા પાંચ લાખના આરોગ્યવીમાનું રક્ષણ અપાશે. સોશિયો-ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટા અનુસાર, આ યોજનામાં ૮.૦૩ કરોડ ગ્રામીણ અને ૨.૩૩ કરોડ શહેરી પરિવારોને આવરી લેવામાં આવશે.
જોકે પાંચ રાજ્યમાં અમલ નહીં!
કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત યોજનામાં ૧૦ કરોડ પરિવારને આવરી લેવાની જાહેરાત કરી છે. જોકે આ સ્થિતિ વચ્ચે પાંચ રાજ્યો એવા છે કે જેણે આ યોજનાના અમલનો ઇન્કાર કર્યો છે. આ રાજ્યોમાં દિલ્હી, ઓડિસા, તેલંગણ, પંજાબ અને કેરળનો સમાવેશ થાય છે.
આ રાજ્યોએ જણાવ્યું છે કે ભારત સરકારની યોજનાઓ કરતાં અમારી પોતાની આરોગ્ય યોજના વધુ સારી છે અને પહેલાથી જ અમે આ ક્ષેત્રે વધુ સારાં પગલાં લીધા હોવાથી સારવાર સંબંધે કોઈ ફરિયાદ નથી રહેતી. દરેક ગરીબ વ્યક્તિને મફતમાં યોગ્ય સારવાર મળી રહે તે માટે અમને આયુષ્માન ભારત યોજનાની જરૂર નથી.
આયુષ્યમાન ભારત – આંકડાઓમાં
• ૧૦ કરોડ પરિવારના ૫૦ કરોડ સભ્યોને લાભ • ૮.૦૩ કરોડ ગ્રામીણ પરિવારોને લાભ • ૨.૩૩ કરોડ શહેરી પરિવારો આવરી લેવાશે • ૫ લાખ રૂપિયાનું વાર્ષિક આરોગ્ય વીમાકવચ • ૧૩ હજાર સરકારી - ખાનગી હોસ્પિટલોમાં સારવાર • ૧,૩૫૪ જેટલી બીમારીની સારવાર • ૬૦ ટકા ખર્ચ ભારત સરકાર ઉપાડશે
• ૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકારો આપશે • ૧૪ નવી ‘એમ્સ’નું નિર્માણ કરાશે • ૮૨ નવી સરકારી મેડિકલ કોલેજ બનશે • ૧.૫ લાખ વેલનેસ સેન્ટરનું લક્ષ્ય