જિનિવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી ઉચ્ચારી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વિશ્વમાં કોરોના મહામારીના થર્ડ વેવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. દુર્ભાગ્યે આપણે થર્ડ વેવના પ્રારંભિક તબક્કામાં પ્રવેશી ચૂક્યા છીએ. તેમણે જિનિવામાં જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિઅન્ટ કોરોના સંક્રમણના કેસ અને મોતની સંખ્યામાં વધારો કરી રહ્યો છે.
યુરોપ અને ઉત્તર અમેરિકામાં રસીકરણ વધારીને કોરોનાના કેસ અને મોત ઘટાડવામાં સફળતા મળી હતી, પરંતુ હવે આખી સ્થિતિ વિપરિત થઇ ચૂકી છે. કોરોનાનો વાઇરસ સતત મ્યુટેટ થઇ રહ્યો હોવાથી વધુ વેરિઅન્ટ સામે આવી રહ્યાં છે. અત્યારે ડેલ્ટા વેરિઅન્ટ વિશ્વના ૧૧૧ દેશોમાં પ્રસરી ચૂક્યો છે. વિશ્વમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે જોતાં સામાન્ય જીવનની આશા રોળાઇ રહી છે અને સંખ્યાબંધ દેશોમાં નવેસરથી નિયંત્રણો લદાય તેવી શક્યતા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર સતત ૯ સપ્તાહ સુધી કોરોનાના કેસ અને મોતમાં ઘટાડા પછી ગયા સપ્તાહમાં ૫૫,૦૦૦ કરતાં વધુ મોત નોંધાયાં છે જે ૩ ટકાનો વધારો દર્શાવે છે.