નવી દિલ્હીઃ રાજધાનીમાં આવેલા વિખ્યાત તબીબી સંસ્થાન ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઈમ્સ’)ના તબીબોએ ત્રણ મહિનાના બાળકની બંને કિડનીમાં સર્જાયેલો અવરોધ દૂર કરવા સફળ સર્જરી કરી છે. આ પહેલા વિશ્વમાં ક્યાંય આવી બીમારી ધરાવતા આટલી નાની વયના દર્દી પર આવી સર્જરી નહીં કરાઈ હોવાનો દિલ્હી ‘એઈમ્સ’ના તબીબોએ દાવો કર્યો છે. આ માટે તબીબોએ બાઈલેટરલ લેપ્રોસ્કોપિક પાયલો-પ્લાસ્ટી પ્રક્રિયાનો સહારો લીધો હતો, જે ખૂબ જ ઓછી સર્જરીની જરૂર પડે એવી સર્જિકલ ટેક્નિક છે. સાદી ભાષામાં કહીએ તો કિડનીમાંથી મૂત્રાશય સુધીના માર્ગમાં ક્યારેક જન્મજાત અવરોધ હોય છે. આવો અવરોધ દૂર કરવા આ સર્જરી કરાય છે.
આ જટિલ સર્જરી માટેની તૈયારી ગયા ડિસેમ્બરથી શરૂ કરાઇ હતી અને ત્રણ જ દિવસમાં દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સના એડિશન પ્રોફેસર ડો. વિશેષ જૈન કહે છે કે, અમે સર્જરીના ત્રણ મહિના પછી વિવિધ ટેસ્ટ કરીને સર્જરી કેટલી સફળ રહી તેનું તારણ કાઢ્યું છે. આ સર્જરી સફળ રહી છે.