લંડનઃ વાયુ પ્રદૂષણની વૈશ્વિક કટોકટી દુનિયામાં અને ખાસ કરીને સાઉથ એશિયામાં બાળકો પર સૌથી વધુ અસર કરી રહી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર (SOGA) ૨૦૧૯ના મહત્ત્વપૂર્ણ અભ્યાસ અનુસાર વર્તમાન સમયમાં જે બાળક જન્મે છે તેઓ ઝેરીલી હવા શ્વાસમાં લેવાના કારણે તેમના આયુષ્યમાં સરેરાશ ૨૦ મહિનાનો ઘટાડો થઈ જશે. જોકે, સાઉથ એશિયામાં આ પ્રમાણ ૩૦ મહિનાનું હશે. વર્ષ ૨૦૧૭માં હવા પ્રદૂષણથી ૧૦માંથી લગભગ એક વ્યક્તિનું મોત થયું હતું, જે મેલેરિયા અને માર્ગ અકસ્માતોથી થતાં મોતથી વધુ તેમજ ધૂમ્રપાનથી થતા મોતની બરાબર છે.
બાહ્ય વાતાવરણમાં ટ્રાફિક અને ઉદ્યોગો તેમજ મોટા ભાગે રસોઈનાં અગ્નિમાં ધૂમાડાના કારણે ઘરની અંદર સર્જાતું વાયુ પ્રદૂષણ સાઉથ એશિયામાં બાળકોનું આયુષ્ય ૩૦ મહિના તેમજ સબ-સહરાન આફ્રિકામાં ૨૪ મહિના તેમજ પૂર્વ એશિયામાં ૨૩ મહિના જેટલું ઘટાડશે. જોકે, સમગ્ર વિકસિત વિશ્વમાં બાળકોના આયુષ્ય પરનો આ બોજો પાંચ મહિના કરતાં ઓછો રહેશે. એર પોલ્યુશન વિશ્વભરમાં મોટું જોખમ બન્યું છે પરંતુ, ચીન અને ભારત માટે આ ખતરો સૌથી ગંભીર છે. ૨૦૧૭ના વર્ષમાં વિશ્વમાં ઝેરીલી હવાના લીધે લગભગ ૫૦ લાખ લોકો મોતને ભેટ્યા હતા. આ પૈકીના ૨૫ લાખ મોત ભારત અને ચીનમાં જ થયા હતા.
આ અભ્યાસ તૈયાર કરનારી સંસ્થા હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટિટ્યૂટના નાઈસ પ્રેસિડેન્ટ રોબર્ટ ઓ’કીફીના જણાવ્યા અનુસાર બાળકોમાં સંકોચાયેલાં ફેફસાં જેવી હાલત ઉપરાંત, વૃદ્ધો પણ વાયુપ્રદૂષણની ખરાબ અસરોનાં શિકાર બનશે. ૫૦થી વધુ વયજૂથના લોકોમાં ૧૦માંથી લગભગ નવ લોકોનાં મોત વાયુપ્રદૂષણના કારણે હશે. સમગ્ર વિશ્વમાં એર પોલ્યુશન લાંબા અવરોધક પલ્મોનરી ડીસીઝથી ૪૧ ટકા મોતનું કારણ રહેશે, જ્યારે ટાઈપ-ટુ ડાયાબીટિસથી ૨૦ ટકા, ફેફસાના કેન્સરથી ૧૯ ટકા, ઈસ્કેમિક હાર્ટ ડીસીઝથી ૧૬ ટકા તેમજ ૧૧ ટકા મોત સ્ટ્રોકના કારણે હશે તેમ વૈશ્વિક વાયુ પ્રદૂષણની આરોગ્ય પરની અસરો વિશે સૌથી વ્યવસ્થિત વાર્ષિક અભ્યાસમાં જણાવાયું છે.