લંડનઃ સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓમાં પડી જવાની સ્થિતિ વધુ જોવા મળે છે. આ સમયે પરિવારજનો અને સારસંભાળ લેનારાઓ એમ માનતા હોય છે કે માનસિક નબળાઈના કારણે તેઓ સ્થિરતા જાળવી શકતા નથી. આવી માન્યતા ભૂલભરેલી છે. ઘણી વાર યુવાન લોકો પણ આ રીતે પડી જતા હોય છે. એમ પણ બને છે કે વૃદ્ધ લોકો ઘરમાં પડી જાય તેને ધ્યાનમાં રાખી પરિવારના સભ્યો તેમને કેર હોમમાં મૂકવાનો નિર્ણય લઈ લે છે.
જોકે, નવા અભ્યાસના તારણો અનુસાર પડી જવાની અડધા જેટલી ઘટનાઓ નબળી દૃષ્ટિ અથવા માનસિક ક્ષમતા ઘટવાના કારણે નહિ, પરંતુ ઈન્ફેક્શન્સના કારણે થતી હોય છે. મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ ખાતેના સંશોધકોએ નોંધ્યું છે કે મૂત્રમાર્ગમાં ઈન્ફેક્શન જેવી સાધારણ બીમારી પણ બ્લડ પ્રેશર ઘટાડી દે છે અને ચક્કર લાવે છે. પડી જવાની લગભગ ૪૫ ટકા ઘટના આ કારણોસર થતી હોય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યો, સારસંભાળ લેનારા અને હેલ્થકેર પ્રોવાઈડર્સે ખાસ કરીને વૃદ્ધોના પડી જવાના કારણો વિશે ઉતાવળિયો નિર્ણય લેવો ન જોઈએ. શક્ય છે કે તેમના વૃદ્ધ સંબંધીની તબિયત સારી ન પણ હોય.