લંડનઃ બ્રિટનમાં વૃદ્ધ થતાં લાખો લોકોની હાલત વિશે નોંધપાત્ર અભ્યાસમાં જણાવાયું છે કે મોટા ભાગનાની પાછલી જિંદગી ગરીબી, ખરાબ આરોગ્ય અને ભારે મુશ્કેલ રહેવાનું જોખમ છે. વૃદ્ધોની વધતી વસ્તી અને કેર સર્વિસીસ પરનું દબાણ દરીબ લોકોને દયનીય અવસ્થામાં મૂકશે તેમ ધ સેન્ટર ફોર એજીંગ બેટરના રિપોર્ટ ‘ધ સ્ટેટ ઓફ એજીંગ ૨૦૧૯’માં જણાવાયું છે.
બ્રિટનમાં આગામી બે દાયકામાં ૬૫ અને તેથી વધુ વયના લોકોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થનાર છે અને ૨૦૩૬ સુધીમાં વૃદ્ધોની વસ્તી ૧૭ મિલિયનથી વધુ રહેશે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે અગાઉની સરખામણીએ આયુષ્ય લાંબુ થવાં છતાં હેલ્થ એન્ડ કેર સર્વિસીસ, લોકલ ઓથોરિટીઝ, વોલન્ટરી સેક્ટર અને સરકારી ભંડોળ પર વધતાં દબાણના કારણે લાખો લોકો પાછલી જિંદગીમાં સારું જીવન ગુમાવશે.
લોકો વૃદ્ધ થવાની પ્રક્રિયાનો કેવો અનુભવ કરે છે તેનો આધાર તેઓ ક્યાં રહે છે, તેમની પાસે કેટલા નાણા છે અથવા કઈ વંશીયતા કે જાતિના છે જેવાં પરિબળોમાં વિશાળ તફાવત હોવાનું આ રિપોર્ટનો ડેટા દર્શાવે છે. ૬૫થી વધુ વયના સમૃદ્ધ લોકો તેમના જીવનની બાકી રહેલી જિંદગીનો અડધો હિસ્સો કોઈ અક્ષમતા વિના જીવવાની અપેક્ષા રાખી શકે છે ત્યારે દેશના ઓછાં સમૃદ્ધ વિસ્તારોમાં જીવતા લોકો વહેલા મોતને પામે છે અને લાંબો સમય બીમાર રહે છે. લોકોને અકાળે નોકરી છોડવાનું મુખ્ય કારણ નબળું આરોગ્ય છે, જેનાથી જીવનની ગુણવત્તા અને હેલ્થકેર જેવી સુવિધા મેળવવા પર પણ અસર પડે છે.
ધ સેન્ટર ફોર એજીંગ બેટરના ચીફ એક્ઝિક્યુટિવ ડો. એના ડિક્સનના કહેવા મુજબ, ‘વૃદ્ધત્વ તો અનિવાર્ય છે પરંતુ, કેવી રીતે વૃદ્ધ થઈએ તે સમજવું જરૂરી છે. જો આપણે નબળાં આરોગ્યના માળખાકીય, આર્થિક અને સામાજિક પાસાઓનું નિરાકરણ લાવી શકીએ તો લાંબી બીમારી, માનસિક આરોગ્યની સમસ્યાઓ, અક્ષમતા અને નબળાઈના વર્તમાન પ્રમાણોને ઘટાડી શકીશું.’