ન્યૂ યોર્કઃ વિશ્વમાં કોરોના વેક્સિનની વિસંગત અને અસમાન વહેંચણી સામે યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વડા એન્ટોનિયો ગુટરેસે નારાજગી દર્શાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે વિશ્વનાં ગરીબ અને અન્ય ૧૩૦ દેશ સુધી કોરોના વેક્સિનનો એક પણ ડોઝ પહોંચ્યો નથી. અત્યાર સુધીમાં ૭૫ ટકા વેક્સિન પર ફક્ત ૧૦ દેશોએ કબજો જમાવ્યો છે. વિશ્વમાં તમામ દેશનાં તમામ લોકોને વહેલામાં વહેલી તકે વેક્સિન મળવી જોઈએ તેવી હાકલ તેમણે કરી હતી.
યુએન સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસીની બેઠકને સંભોધતા ગુટરેસે કહ્યું હતું કે, હાલના કટોકટીભર્યા સમયમાં વિશ્વ સમુદાયને સમાન રીતે વેક્સિન મળવી જોઈએ તે સમયનો તકાદો છે. સૌને વેક્સિન મળે તે માટે તાકીદે ગ્લોબલ વેક્સિનેશન પ્લાન ઘડવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો. આ માટે વૈજ્ઞાનિકો, વેક્સિનનાં ઉત્પાદકો તેમજ વેક્સિન સંશોધન માટે ફંડ આપનારાઓને સાથે મળીને પગલાં લેવા સૂચન કર્યું હતું. તમામ ફાર્મા કંપનીઓને એક મંચ પર લાવીને ઈમરજન્સી ટાસ્ક ફોર્સ રચવા તેમણે G-૨૦ને પણ અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે વિશ્વનાં અનેક દેશોમાં હજી વેક્સિનેશન શરૂ થયું નથી ત્યાં વાઇરસનો પ્રકોપ વધ્યો છે. આવા સંજોગોમાં કોરોનાથી જલદી છુટકારો મેળવવો મુશ્કેલ છે. કેટલાક નિષ્ણાતોએ આક્ષેપ કર્યો હતો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ગરીબ દેશોને વેક્સિન પહોંચાડવામાં નિષ્ફ્ળ ગયું છે.
બીજા તબક્કો વધુ ખતરનાક: ૪૬ દેશોના અભ્યાસનું તારણ
સદી પૂર્વે ૧૯૧૮થી ૧૯૨૦માં સ્પેનિશ ફ્લૂનાં બીજા સંક્રમણે કોહરામ મચાવ્યો હતો. આ મહામારીમાં ૫૦ કરોડ લોકો સંક્રમિત થયા હતા અને ૫ કરોડનાં મોત થયાં હતાં. આ વખતે કોરોના મહામારીનું બીજા તબક્કાનું સંક્રમણ વધુ ખતરનાક પુરવાર થશે અને કરોડોનો ભોગ લેશે તેમ ૪૬ દેશમાં હાથ ધરાયેલા અભ્યાસનાં તારણ પરથી જાણવા મળ્યું હતું.
આ ૪૬ દેશમાં માર્ચથી મે ૨૦૨૦ સુધીનાં પહેલા તબક્કામાં ૨.૨૦ લાખનાં મોત થયાં હતાં જ્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ૪ લાખ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. આમ ૬.૨૦ લાખ લોકોનાં મોત કોરોનાના બીજા તબક્કા પછી થયા છે.