વેરિકોઝ વેઇન્સ એ માત્ર કોસ્મેટિક પ્રોબ્લેમ નથી

સદાબહાર સ્વાસ્થ્ય

Friday 30th June 2017 07:23 EDT
 
 

• શું તમે ટીચર છો અને દિવસમાં છ-સાત કલાક ઊભા રહીને ભણાવો છો?

• શું તમે પોલીસમાં છો અને આખો દિવસ ક્યાંક ઊભા રહેવાની ફરજ બજાવો છો?

• શું તમે મોલ કે શોપમાં સેલ્સપર્સન હોવાથી ડ્યુટી દરમિયાન સતત ઊભા રહો છો?

તમે આ કે આવા અન્ય કોઈ પણ પ્રોફેશન સક્રિય હો જેમાં તમારા પગને કસરત ન મળે પણ માત્ર ઊભા રહીને જ કામ કરવાનું હોય તો વેરિકોઝ વેઇન્સ થવાની શક્યતા વધી જાય છે. વેરિકોઝ વેઇન્સ મોટાભાગે પગ અને જાંઘની રક્તવાહિનીઓમાં વધુ જોવા મળે છે. મોટા ભાગે શરૂઆતના તબક્કામાં સમસ્યા પીડાદાયક નથી હોતી એને કારણે એની સાવ જ અવગણના થાય છે. આમાંથી જ્યારે કોમ્પ્લિકેટેડ પરિસ્થિતિઓ આકાર લે એ પછી પીડાનો પણ પાર રહેતો નથી અને એની સારવાર પણ મોંઘી થઈ જાય છે.

વેરિકોઝ વેઇન્સ શું છે?

પહેલી નજરે સામાન્ય દેખાતી વેરિકોઝ વેઇન્સની તકલીફ કેમ થાય છે એનું વિજ્ઞાન સમજાવતાં વેસ્ક્યુલર સર્જન કહે છે કે આપણા શરીરના ખૂણેખૂણામાં લોહી પહોંચાડવાનું કામ હૃદય કરે છે. હૃદયથી દૂર આવેલા અવયવોમાં પણ લોહી બરાબર પહોંચે એ માટે હૃદય ચોક્કસ ફોર્સથી પમ્પની જેમ કામ કરતું હોય છે. જોકે જેટલું લોહી અવયવો સુધી પહોંચે છે ત્યાંથી એટલું જ લોહી ફરીથી હૃદય તરફ પણ ધકેલાય એ પણ એટલું જ જરૂરી છે. હાથ-પગમાંથી હૃદય તરફ લોહી ધકેલવા માટે વધારે ફોર્સની જરૂર પડે છે.

સાદા શબ્દોમાં સમજીએ તો એક વાર ઘરની અગાસીમાં ભરેલી ટાંકીમાંથી નીચે પાણી પહોંચાડવાનું હોય તો એ માટે નોર્મલ ગ્રેવિટેશનલ ફોર્સ ચાલી જાય છે, પણ પાણીને નીચેથી ઉપર મોકલીને ટાંકી ભરવા માટે વધુ પાવરફુલ પમ્પની જરૂર પડતી હોય છે. આથી જ આપણા શરીરમાં હૃદયમાંથી પગ તરફ આવતું લોહી ફરીથી ઉપરના ભાગે - હૃદય તરફ ધકેલાય એ માટે ખાસ વાલ્વ હોય છે જે પગના સ્નાયુઓ દ્વારા કન્ટ્રોલ થાય છે.

જરૂરી લોહી છેવાડાની રક્તવાહિનીઓ સુધી પહોંચાડીને ત્યાંથી ફરી પાછું હૃદય તરફ ધકેલવા માટેના આ વાલ્વ જેવી સિસ્ટમમાં કોઈક પ્રકારની ગરબડ થાય તો લોહી ઉપરની તરફ ધકેલાવાને બદલે રક્તવાહિનીઓમાં જ એકઠું થવા લાગે છે. આથી પહેલાં રક્તવાહિનીઓ થોડીક ફૂલે છે અને એ પછીયે લાંબો સમય ત્યાં જ લોહી જમા થયેલું રહે તો આ રક્તવાહિનીઓ ફૂલીને લીલી-કાળી થઈ જાય છે અને ત્વચાની આરપાર પણ એ રક્તવાહિનીઓનાં ગૂંચળાં જોઈ શકાય છે. રક્તવાહિનીઓ પહોળી થઈને ફૂલી જવાની અને લીલાશ પડતી થઈ જવાની સમસ્યાને આપણે વેરિકોઝ વેઇન્સ તરીકે ઓળખીએ છીએ.

સમસ્યાના લક્ષણો શું?

આપણે માનીએ છીએ કે કોઈ પણ રોગ હોય એટલે એની સાથે પીડા તો સંકળાયેલી હોય જ, પણ વેરિકોઝ વેઇન્સમાં હંમેશાં પીડા થાય જ એ જરૂરી નથી. એ છતાં પગ ભારે લાગવા, પિંડીઓમાં ખણજ આવવી, લાંબો સમય ઊભા રહેતાં અસરગ્રસ્ત ભાગમાં જાણે ગઠ્ઠો બાઝી ગયો હોય એવું લાગવું, ઊભા રહેવાથી કે રાતના સમયે ક્રેમ્પ્સ આવવા જેવાં પ્રાથમિક લક્ષણો એમાં હોય.

આ રોગ માત્ર મહિલાઓને જ થાય છે એવું નથી, પરંતુ મહિલાઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં લોહીનો જથ્થો વધી જાય ત્યારે અને પગમાં સોજા આવવાનું પ્રમાણ વધતું હોવાથી વેરિકોઝ વેઇન્સ થવાનું જોખમ વધે છે. માસિક દરમિયાન વેરિકોઝ વેઇન્સનાં લક્ષણો કે પીડા વધુ દેખાતાં હોય છે. ક્યારેક સુપરફિશ્યલ રક્તવાહિનીઓમાં બ્લડ-ક્લોટ્સ પણ થઈ જાય છે જે સામાન્યતઃ નુકસાનકારક હોતા નથી, પરંતુ જો એનું ધ્યાન રાખવામાં ન આવે અથવા તો સમયસર સારવાર કરી લેવામાં ન આવે તો એનાથી ક્યારેક રક્તવાહિની ફાટી જાય છે, ઇન્ફલમેશન વધીને અલ્સર થઈ જાય છે.

સમસ્યાની સારવાર શું?

ઓછી પીડા અથવા તો નહીંવત્ પીડાથી શરૂ થતી વેરિકોઝ વેઇન્સની સમસ્યાને પ્રાથમિક કાળજીઓથી આગળ વધતી અટકાવી શકાય છે. લાઇફ-સ્ટાઇલમાં કેટલાક પરિવર્તન લાવીને અને લોહીનું સક્યુર્લેશન સુધારવા માટે કસરત કરીને પગના મસલ્સની સ્ટ્રેન્ગ્થ વધારવામાં આવે તો રોગ સંપૂર્ણપણે કન્ટ્રોલમાં રહી શકે છે. તબક્કાવાર સારવાર વિશે વાત કરતાં તબીબી નિષ્ણાતો કહે છે કે જો ખૂબ શરૂઆતનો તબક્કો હોય તો બને ત્યાં સુધી પ્રિવેન્ટિવ પગલાં લઈને દરદીનાં લક્ષણોને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્ટોકિંગ્સ પહેરવાથી રક્તભ્રમણમાં સારોએવો ફરક પડે છે. આમ છતાં પીડા વધતી હોય, સોજો અને ફૂલેલી નળીઓનું પ્રમાણ વધતું હોય તો સ્ક્લેરોથેરપી આપવામાં આવે છે, જેમાં નળીઓને ખોલવા માટે ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. રક્તવાહિનીઓમાં ક્લોટ થઈ ગયાં હોય અને પીડા વધારે હોય તો લેસર થેરપી આપવામાં આવે છે. આ સારવાર પદ્ધતિમાં અસરગ્રસ્ત રક્તવાહિનીઓને બાળીને નકામી કરી દેવામાં આવે છે.’

સમસ્યાથી કઇ રીતે બચી શકાય?

પગને લાંબો સમય લટકતા રાખીને બેસવાનું ટાળો. બેસતી વખતે એક પગ પર બીજા પગને ક્રોસ કરીને - આંટી મારીને બેસવું નહીં. રાતે સૂતી વખતે પગ નીચે તકિયો રાખવો અને ૧૫ ડિગ્રીના ખૂણે ઉપર રહે એમ સૂવું. દિવસ દરમિયાન પણ જો અડધો કલાક માટે પગને ૧૫ ડિગ્રીના ખૂણે ઊંચા રાખીને સૂવામાં આવે તો ઘણો ફરક પડે છે.

લાંબો સમય ઊભા રહેવું કે બેસી રહેવું નહીં. જો લાંબો સમય બેસી રહેવાનું થતું હોય તો પગને સપોર્ટ મળે અથવા તો પગ સમાંતરે રહે એ રીતે બેસવું અને દર કલાકે પાંચ-છ મિનિટ માટે ચાલવું. ચાલવાથી મસલ્સને કસરત મળે છે અને વાલ્વ ખૂલીને લોહી ઉપર તરફ જવાની ગતિ સુધરે છે.

વજન વધારે હોય તો ઉતારવું. ખાસ કરીને પેટ ફરતે ચરબીનો ભરાવો હોય તો એ ઘટાડવો જરૂરી છે. વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. એનાથી વજન કાબૂમાં રાખવામાં પણ મદદ થશે અને પગના સ્નાયુઓની સ્ટ્રેન્ગ્થ વધતી હોવાથી બ્લડ ઉપર પમ્પ કરવાની ક્ષમતામાં પણ ફરક પડશે.

સ્ટોકિંગ્સ પહેરવાં. સવારે ઊઠીને લાંબું ચાલો એ પહેલાં જ સ્ટોકિંગ્સ પહેરી લેવાં જેથી શિરાઓ ખૂલે અને પહોળી થાય એ પહેલાં જ એના પર કોમ્પ્રેશન આવી જાય.

આયુર્વેદિક સારવાર

મોડર્ન મેડિસિનમાં વેરિકોઝ વેઇન્સની જે સારવાર છે એ લક્ષણોને ઘટાડવાની છે, પણ આયુર્વેદમાં રક્તવાહિનીઓની ક્ષમતા સુધારે એવાં કેટલાંક દ્રવ્યો છે જે પીડા અને લક્ષણો બન્નેને દૂર કરે છે. આ રોગનાં વિશેષ ઔષધો વિશે આયુર્વેદ-નિષ્ણાતો કહે છે કે લોહીનું ભ્રમણ સુધારે અને લોહીને પાતળું રાખે એ માટે ગળો, શિરાઓને ખોલવા અને ક્લોટ્સ ઓગાળવા માટે પુષ્કરમૂળ, રક્તવાહિનીઓની ઇલાસ્ટિસિટી અને સ્ટ્રેન્ગ્થ સુધારવા માટે અજુર્નની છાલ અને અશ્વગંધા, વેદનાશમન અને વાયુ ઘટાડવા માટે પીપરીમૂળ અને લોહીના પ્યોરિફિકેશન માટે ચોપચીની જેવાં દ્રવ્યોનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલું ઔષધ દિવસમાં બે વાર લાંબો સમય લેવાથી બેથી ત્રણ મહિનામાં ચોક્કસ ફરક વર્તાય છે. અલબત્ત, ઔષધોની સાથે જીવનશૈલીનાં પરિવર્તનો કરવાં એટલું જ મહત્ત્વનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter