મુંબઇ: કોરોના વાઇરસ કટોકટી વચ્ચે દુનિયાભરમાં ૪૦થી વધુ રસીઓની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે અને વૈજ્ઞાનિક પરીક્ષણોના મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થઇ રહી છે. ‘ધ ન્યુયોર્ક ટાઇમ્સ’ને મળેલી માહિતી મુજબ ૮૮ રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. તેમાંથી ૬૭ રસી ૨૦૨૧ના અંત સુધી ક્લિનિકલ ટ્રાયલના આખરી તબક્કે પહોંચવાની શક્યતા છે.
બીજી તરફ વિજ્ઞાનીઓને રસીની અસર અંગે પણ ચિંતા છે. બ્રાઝિલના સાઓ પાઉલોના રસી સંશોધક લુસિયાના લેઇટ કહે છે કે અમને હજુ પણ ખબર નથી કે સુરક્ષા માટે કેવા પ્રકારની ઇમ્યૂનિટી મહત્ત્વપૂર્ણ હશે? જ્યોર્જિયા યુનિવર્સિટીના ઇમ્યુનોલોજીના ડાયરેક્ટર ટેડ રોસ કહે છે, ચિંતા એ વાતની છે કે પહેલી રસી પછીથી પણ તેટલી જ અસરકારક રહેશે કે નહીં? જુદી-જુદી રણનીતિઓ પર કામ કરવાની જરૂર છે.
ઘણી કંપનીઓ આશ્ચર્યજનક રીતે અલગ પ્રકારની રસી વિકસાવવા માટે પ્રયાસ કરી રહી છે. અમેરિકામાં એક એવી રસી પર કામ ચાલી રહ્યું છે કે જે શરીરને સંક્રમણ રોકવા માટે તૈયાર કરશે. આ વેક્સીનમાં સ્પાઇક નામનું પ્રોટીન ડેવલપ થશે, જે કોરોના વાઇરસને કવર કરીને રોકી લેશે. તે એન્ટિબોડી પણ બનાવશે. દરમિયાન, એપિવિક્સ કોરોના વાઇરસની ઘણા ભાગમાંથી બનેલી રસીઓનું પરીક્ષણ કરી રહી છે, જેથી તેને કેવી રીતે રોકી શકાય તે જાણવા મળે. એપિવિક્સના સીઇઓ એની ગ્રોટ કહે છે કે આ સુરક્ષાનું બીજું આવરણ છે, જે એન્ટિબોડીથી વધુ સારી રીતે કામ કરી શકે છે.
ડો. વેસલરના સહયોગી નીલ કિંગની સ્ટાર્ટ-અપ આઇકોસેવેક્સ આ વર્ષે નેનો-પાર્ટિકલ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ કરશે. તદુપરાંત, અમેરિકાની વોલ્ટર રીડ આર્મી ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો પણ નેનો-પાર્ટિકલ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે વોલિન્ટિયર્સની ભરતી કરી રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં તેની ટ્રાયલ થશે.
ન્યૂ યોર્કની કોડાજેનિક્સ નાક વાટે સ્પ્રેવાળી રસી બનાવી રહી છે. તેના સંશોધકો કોરોના વાઇરસના સિન્થેટિક વર્ઝન પર પ્રયોગ કરી રહ્યા છે. તેની પહેલી ટ્રાયલ સપ્ટેમ્બરમાં થશે. તેમના કહેવા મુજબ તે ઇન્ફ્લુએન્ઝાના ફ્લુવિસ્ટની જેમ અસરકારક હોઇ શકે છે, કેમ કે વાઇરસ શ્વાસ દ્વારા જ શરીરમાં જાય છે.
ચીનનો ખતરનાક અખતરો
ઉલ્લેખનીય છે કે ચીનમાં થોડાક સમય પૂર્વે જ કોરોનાવેક રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવાઇ છે. તો રશિયાએ પણ પરીક્ષણના નિર્ધારિત તબક્કાનો અમલ કર્યા વગર જ એક વેક્સીન બજારમાં મૂકી છે. આ બન્ને કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે તેનો ઉપયોગ એક કાર્યક્રમના ભાગરૂપે કરાઇ રહ્યો છે. જેમને સંક્રમણનું વધુ જોખમ છે તેવા મેડિકલ, નર્સિંગ સ્ટાફ સહિતના હાઇ રિસ્ક ગ્રૂપના લોકોને આ રસી અપાઇ રહ્યાના અહેવાલ છે.