શરબતી પીણાં કરતાં પેસ્ટ્રી જેવી મીઠાઈ વધુ સારી
ખાંડ ધરાવતાં ડ્રિન્ક્સની સરખામણીએ પેસ્ટ્રીઝ જેવી મીઠાઈ (ટ્રીટ્સ) આરોગ્યને ઓછું નુકસાન કરે છે અને મધ્યમ પ્રમાણમાં લેવાય તો સારું પણ ગણાય છે. સ્વીડનમાં સંશોધકોએ જર્નલ ‘ફ્રન્ટિયર્સ ઈન પબ્લિક હેલ્થ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવ્યું છે કે ટ્રીટ્સનાં વધુ વપરાશ અને કાર્ડિયોવાસ્કુલર રોગોના જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી. તેઓ તો એટલે સુધી કહે છે કે પ્રસંગોપાત ટ્રીટ્સના ઉપયોગ કરવાથી આરોગ્ય માટે સારું પરિણામ મળે છે. જોકે, સંશોધકોને ખાંડવાળા પીણાં અને ઈશ્કેમિક સ્ટ્રોક્સ, આર્ટિઅલ ફિબ્રિલેશન (આર્ટરીનું અનિયમિત સંકોચન કે ધબકારા) અને હાર્ટ ફેઈલ્યોરના વધતા જોખમ વચ્ચે સ્પષ્ટ કડી જોવાં મળી હતી. સંશોધનના તારણો જણાવે છે કે ખાંડ ઉમેરાઈ હોય તેવા તમામ સ્રોતો આરોગ્ય માટે એકસરખા નુકસાનકારક હોતા નથી. સંશોધકોએ ખાડવાળી ત્રણ પ્રકારની આઈટમ્સનું પરીક્ષણ કર્યું હતું જેમાં, ખાંડ સાથેના ગળ્યાં ડ્રિન્ક્સ, પેસ્ટ્રીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ સાથેની ટ્રીટ્સ તેમજ મધ, જામ અને માર્માલેડ સહિતના ટોપિંગ્સ સાથેની ટ્રીટ્સનો સમાવેશ થયો હતો. સંશોધકોએ 22 વર્ષના અભ્યાસના ગાળામાં કાર્ડિયોવાસ્કુલર રોગનું નિદાન કરાયેલા 25,735 લોકો સહિત 45થી 83 વયજૂથના 69,705 લોકોની ખોરાકની આદતો તપાસી હતી. જે લોકોએ પ્રતિ સપ્તાહ ખાંડવાળા એક અથવા તેનાથી ઓછાં પીણાં પીધા હતા તેમની સરખામણીએ પ્રતિ સપ્તાહ આઠથી વધુ પીણાં પીનારાને ઈશ્કેમિક સ્ટ્રોકનું 19 ટકા, હાર્ટ ફેઈલ્યોરનું 18 ટકા અને આર્ટિઅલ ફિબ્રિલેશનનું 11 ટકા ઊંચું જોખમ જણાયું હતું. અભ્યાસનું આશ્ચર્યજનક તારણ એ હતું કે ખાંડવાળા પદાર્થોનો વપરાશ વધતો ગયો તેમ હૃદયરોગનું જોખમ નીચું ગયું હતું.
•••
યાદશક્તિ વધારવા 30 મિનિટ પાર્કમાં ચાલવાનું રાખો
યાદશક્તિ જળવાઈ રહે તે જીવનની સારી ગુણવત્તા, સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. હૃદય માટે જે બાબત સારી હોય તે આપણા મગજ માટે પણ સારી જ હોય છે અને 30 મિનિટ ચાલવાની કસરત 24 કલાક માટે તમારી સ્મરણશક્તિને વધારી શકે છે. સારી ગુણવત્તાની ઊંઘ પણ યાદશક્તિના પરફોર્મન્સને અસર કરે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોના અભ્યાસ મુજબ 50થી 83 વયજૂથના લોકો 30 મિનિટ સુધી ધીમે અથવા ઝડપી ચાલવા અથવા ડાન્સિંગ જેવી મધ્યમથી તીવ્ર શારીરિક પ્રવૃત્તિઓ કરતા હતા તેમણે 24 કલાક પછી મેમરી ટ્સ્ટમાં સારું પરફોર્મન્સ દર્શાવ્યું હતું. ‘ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બિહેવિયર ન્યૂટ્રિશન એન્ડ ફીઝિકલ એક્ટિવિટી’માં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકોએ 76 સ્ત્રી-પુરુષોને આઠ દિવસ સુધી એક્ટિવિટી ટ્રેકર્સ પહેરાવ્યા હતા અને દરરોજ તેમની યાદશક્તિની પરીક્ષા લેવાતી હતી. કસરતમાં દર 30 મિનિટનો વધારો બીજા દિવસે સ્મરણશક્તિ પરીક્ષામાં 2.2 ટકાનો તેમજ ટુંકા ગાળાની કે કામચલાઉ યાદશક્તિમાં 5 ટકાનો સુધારો જણાવતો હતો. જોકે, સંશોધકોએ સ્પષ્ટ કર્યું હતું કે ટુંકા ગાળાનો આ ફાયદો લાંબા ગાળાની યાદશક્તિની તંદુરસ્તીમાં ફાળો આપે છે કે કેમ તે નિશ્ચિત થતું નથી.