લંડનઃ શરાબ અને ડ્રગ્સના વ્યસની હોય એવા પુરુષોમાં જીવનસાથી ઉપર ઘરેલું હિંસા આચરવાનું વલણ છ ગણું વધારે જોવા મળતું હોય છે. એક અભ્યાસમાં જણાયું છે કે આમ પણ સામાન્ય અભ્યાસમાં અનુભવ એવો હોય છે કે શરાબ પીધા બાદ આપણે જાત પરથી નિયંત્રણ ગુમાવી દેતા હોઇએ છીએ. એ સંજોગોમાં ઘરેલું હિંસા પાછળ એ પરિબળો પણ કામ કરી જતા હોય એ સમજી શકાય એમ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ લાખ્ખો સ્વીડિશ પુરુષોમાં ઘરેલું દુર્વ્યહારના કારણે ધરપકડના દરની સરખામણી કરી હતી. જેમાં આ પદાર્થોનો દુરુપયોગ કરનારા લોકોનું વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. નિષ્ણાતો કહે છે કે શરાબ પીવા અને ડ્રગ્સનું સેવન કરવાને કારણે વ્યક્તિ પોતાની જાત પરનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને તેઓ દલીલબાજીના અંતે હિંસા તરફ વળી જાય છે. મારવું, ડરાવવું કે જાતીય શોષણ સહિતની અપમાનજનક વર્તણૂંક સાથે માનસિક બીમારી પણ સંકળાયેલી છે. આવું એટલા માટે થાય છે કે પુરુષ વ્યૂહ ઘડવાના ભાગરૂપે શરાબ કે ડ્રગ્સનો ઉપયોગ કરતો હોવાનું સંશોધકો કહે છે. આ અભ્યાસના લેખક અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના મનોચિકિત્સિક વિભાગના પ્રોફેસર સીના ફઝલ કહે છે કે આ અભ્યાસના તારણો સૂચવે છે કે શરાબ અને ડ્રગ્સનું સેવન કરવાની કુટેવની સારવાર કરીને ઘરેલું હિંસા ઘટાડી શકાય છે.