મેદસ્વી લોકોના મોઢે તમને અવારનવાર આવો બળાપો સાંભળવા મળશે કે દૂબળા લોકો થાળી ભરીને ખાય તો ય વાંધો નહીં, પરંતુ અમે તો શ્વાસ લઈએ તો પણ વજન વધી જાય છે. શું તમને એવો અનુભવ થયો છે કે કે કેટલાક લોકો આઠ-દસ અડદિયા ઝાપટી જતાં હોય છતાં તેમનું વજન એવું ને એવું રહેતું હોય છે અને તમે ઘીવાળા અડદિયા તો શું ખીચડીમાં એક ચમચી ઘી નાખો તો પણ બીજે દિવસે વજનકાંટો ઉપર તરફ ખસી જઈને તમને ચીડવતો હોય છે. તમે તમારા વધેલા પેટને કારણે પીત્ઝાનો વિચાર પણ ન કરી શકો, જ્યારે ઘણા લોકો એકસાથે ચીઝથી લથબથતો આખો પીત્ઝા ખાઈ જાય તો પણ તેમના પેટનો ઘેરાવો વધે નહીં. આવું શા માટે થતું હશે?
એક રીતે જોવા જઈએ તો ખરેખર એ લોકો નસીબવંતા છે, કેમ કે તેમને વજન વધી જવાના ડરથી ભોજનમાં નિયંત્રણ રાખવું પડતું નથી. આ નસીબનું નામ છે મેટાબોલિઝમ. જે લોકોનું મેટાબોલિઝમ મજબૂત હોય તેઓ પથ્થરા પણ પચાવી શકે છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. જે લોકોનું મેટાબોલિઝમ મજબૂત હોય છે તેનું વજન વધારે નથી હોતું એટલું જ નહીં, એ વ્યક્તિ ખૂબ જ હેલ્ધી હોય છે. પણ આ મેટાબોલિઝમ છે શું? શું વ્યક્તિ પોતાનું મેટાબોલિઝમ મજબૂત બનાવી શકે ખરી? આ સવાલોના જવાબ આગળ રજૂ કર્યા છે.
મેટાબોલિઝમને ગુજરાતીમાં ચયાપચયની પ્રક્રિયા કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીર પાચન કરે છે અને એ પાચન થયા પછી ખોરાકનું શક્તિમાં રૂપાંતરણ થાય છે. બાકીના નકામા પદાર્થો મળ-મૂત્ર દ્વારા શરીર બહાર ફેંકી દે છે. ખોરાકમાંથી જે શક્તિ જન્મી છે એ શક્તિનો ઉપયોગ શરીર જુદાં-જુદાં કાર્ય કરવા માટે કરે છે. બાકી જે શક્તિનો ઉપયોગ ન થાય એ શક્તિ મેદસ્વરૂપે શરીરમાં સચવાઈ રહે છે. આ સમગ્ર પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયા કહી શકાય.
જે દરે શરીર કૅલરી બાળી શકે એ દરને મેટાબોલિક રેટ એટલે કે મેટાબોલિક દર કહે છે. એને બેઝલ મેટાબોલિક રેટ કહે છે. જ્યારે શરીર કાર્યશીલ ન હોય એટલે કે આરામની સ્થિતિમાં હોય ત્યારે પણ શરીરના બીજા ભાગો જેમ કે હાર્ટ, કિડની, મગજ વગેરે ચાલતાં હોય છે તો આ ભાગોને ચાલતા રાખવા માટે કેલરી ખર્ચાતી રહે છે.
મેટાબોલિઝમ દરેક વ્યક્તિનું જુદું-જુદું હોય છે. એક માતાનાં બે સંતાનોનું મેટાબોલિઝમ સરખું જ હોય એ જરૂરી નથી. મેટાબોલિઝમ જન્મજાત મળતું હોય છે એટલે કે એ જિનેટિક છે. વળી સ્ત્રીઓનું મેટાબોલિઝમ પુરુષોના મેટાબોલિઝમ કરતાં ઓછું સક્રિય હોય છે, કારણ કે સ્ત્રીઓનું શરીર મેદ સંગ્રહ કરવાની ટેન્ડન્સી ધરાવે છે. આ ઉપરાંત મેટાબોલિઝમનો આધાર ઉંમર પર પણ રહેલો છે. જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ-તેમ મેટાબોલિઝમ ધીમું પડતું જાય. આથી જ નાની ઉંમરે વજન જેટલું જલદી ઊતરે છે તેટલી ઝડપે ઉંમર વધી ગયા પછી ઊતરતું નથી. ખાસ કરીને સ્ત્રીઓનું મેનોપોઝ પૂરું થઇ ગયા પછી વજન ઉતારવું મુશ્કેલ બને છે એનું આ જ કારણ છે.
જે લોકોને વારસાગત થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તે લોકોનું મેટાબોલિઝમ ધીમું હોય છે. આમ એ જિનેટિક અથવા વારસાગત પ્રોબ્લેમ કહી શકાય. આ ઉપરાંત જે લોકોમાં મસલ માસ વધારે હોય તેવા લોકોનું મેટાબોલિઝમ ઊંચું હોય છે. પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ મસલ માસ વધુ હોય છે માટે જ સ્ત્રીઓ કરતાં પુરુષોનું મેટાબોલિઝમ ઊંચું હોય છે. જિનેટિક્સ, જાતિ અને ઉંમર આ બધાં પરિબળો મેટાબોલિઝમ પર અસર કરે છે. પરંતુ આ એવાં પરિબળો છે જેનો અંકુશ વ્યક્તિના હાથમાં હોતો નથી.
શું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરી શકાય? હા, મેટાબોલિઝમ રેટ સુધારી શકાય છે. જો લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો મેટાબોલિઝમને સ્ટ્રોન્ગ બનાવી શકાય છે. આ બાબતે કયા ફેરફાર કરવાથી મદદ મળી શકે છે તે જાણીએ.
દિવસ દરમિયાન દર ૨-૩ કલાકે થોડું-થોડું ખાવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, કારણ કે એનાથી શરીરને એ સંકેત મળે છે કે એને થોડા-થોડા સમયે કંઈ ને કંઈ મળતું રહેશે જેથી તેણે એનર્જીનો સંગ્રહ કરવાની જરૂર નથી. આમ શરીરને મળતી શક્તિનું મેદના રૂપમાં સંગ્રહ થવાનું ઘટશે અને મેટાબોલિઝમ ઊંચું જશે.
મેટાબોલિઝમ એટલે તમે કેટલી કેલરી ઉત્પન્ન કરો છો અને કેટલી ખર્ચ કરો છો એનું ગણિત. આજની આપણી જીવનશૈલી એવી છે કે આપણે જે ખાઈએ છીએ એટલું ખર્ચ કરતા નથી. આથી દરેક વ્યક્તિએ અઠવાડિયામાં પાંચ કલાક એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એનાથી શરીરને કેલરી ખર્ચ કરવાની આદત પડશે અને મેટાબોલિઝમમાં સુધારો થશે.
લાંબા ગાળે વેઇટ-ટ્રેઇનિંગ લઈ શકાય તો લેવી, કારણ કે વેઇટ-ટ્રેઇનિંગથી શરીરમાં મસલ માસનો વધારો થાય છે, જે મેટાબોલિઝમ માટે ફાયદાકારક છે.
અને હા, વધુ સમય ભૂખ્યા ન રહેવું, રાત્રે મોડે સુધી ન જાગવું, મેન્ટલ સ્ટ્રેસથી દૂર રહેવું અને આલ્કોહોલ તથા સિગારેટનું સેવન ન કરવું. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી મેટાબોલિઝમ રેટ જરૂર સુધરશે.