વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો, પણ શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? શ્રેણીના પહેલા ભાગમાં આપણે મગજ, ફેફસાં, ત્વચા, વાળ, સ્નાયુઓ, હાડકાં, બ્રેસ્ટ, ફર્ટિલીટી અંગે જાણ્યું આજે બીજા અને અંતિમ ભાગમાં આંખો, અવાજ, હાર્ટ વગેરે અંગો અંગે જાણકારી મેળવીએ.
બાળક જન્મે એ પછીથી લગભગ પંદરથી ૧૮ વર્ષનો ગાળો વિકાસનો ગણાય. એ પછીથી શરીરનો વિકાસ થવાનું બંધ થાય ને અવયવોની કાર્યક્ષમતા ક્રમઃ ઘટતી જાય. જોકે દરેક અવયવની કાર્યક્ષમતા ઘટવાનો સમયગાલો જુદો-જુદો હોય છે.
• આંખોઃ ૪૦ વર્ષ પછીથી
આપણે જેને બેતાળાં કહીએ છીએ એ નજીકની ચીજો જોવામાં પડતી મુશ્કેલીનું પ્રમાણ ૪૦ અને ૪૨ વર્ષની આસપાસ શરૂ થાય છે. સામાન્ય રીતે દૂરનાં ચશ્માં આવવાની વય નક્કી નથી હોતી, પરંતુ નજીકનાં ચશ્માં આવવાની શક્યતાઓ અને પ્રમાણ બંને ૪૦ વર્ષ પછીથી મેક્સિમમ હોય છે.
• અવાજઃ ૬૫ વર્ષે
આપણી સ્વરપેટી પણ ઉંમરની સાથે નબળી પડતી જતી જાય છે. સ્વરપેટીમાં રહેલાં સોફ્ટ ટિશ્યુઝ નબળા પડતાં અવાજની તીવ્રતા અને લાઉડનેસ પર અસર વર્તાય છે. ૬૫ વર્ષથી અવાજ ધીમો પડતો જાય છે અને ઘોઘરો થાય છે. જોકે સ્ત્રીઓનો પાતળો અવાજ ઉંમર વધતાં ઘોઘરો અને જાડો થતો જાય છે અને પુરુષોનો અવાજ પાતળો અને તીણો થતો જાય છે.
• હાર્ટઃ ૪૦ વર્ષે
ઉંમર વધવાની સાથે હૃદયની લોહી પમ્પ કરવાની ક્ષમતા ધીમી પડે છે. રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા ઘટતી જાય છે અને ધમનીઓ જાડી અને અંદરથી બ્લોક થતી જાય છે. વધુ પડતી સેચ્યુરેટેડ ફેટ ખાવાથી રક્તવાહિનીઓની અંદરની તરફ ફેટ ડિપોઝીટ થવાના કારણે લોહીનું ભ્રમણ ક્યારેક અવરોધાય છે. પુરુષોને ૪૫ વર્ષથી અને સ્ત્રીઓને ૫૫ વર્ષ પછીથી હાર્ટએટેક આવવાની શક્યતાઓ રહે છે.
• જઠરઃ ૫૫ વર્ષે
પાચનતંત્રમાં સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે. ફ્રેન્ડલી બેકટેરિયાનું પ્રમાણ ૫૫ વર્ષ પછીથી ઘટતું જાય છે. આને કારણે પાચનક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. અમુક વર્ષ પછીથી જો પાચનતંત્ર માટે ખાસ કાળજી લેવામાં ન આવે તો કબજિયાત અને ગેસ કાયમી થઈ જાય છે. સારા બેકટેરિયાનું પ્રમાણ જળવાઈ રહે એ માટે થઈને ખાવા-પીવાની આદતો પણ નિયંત્રણ રાખવામાં આવે એ જરૂરી છે.
• મૂત્રાશયઃ ૬૫ વર્ષે
કિડનીમાં મૂત્ર બને એ પછી એનો સંગ્રહ મૂત્રાશયમાં થાય છે. મૂત્રાશય ભરાય એ પછીથી મૂત્રનલિકા વાટે એ નીકળે છે. સામાન્ય રીતે મૂત્રાશયના સ્નાયુઓ પર કાબૂ રાખી શકાય છે, પરંતુ ૬૫ વર્ષ પછીથી મૂત્રાશય ભરાયેલું ન હોય એ છતાં મૂત્રનલિકા વાટે પેશાબ નીકળી જાય એવું બને છે. પેશાબની ઇચ્છા થાય એ પછી રોકી શકાતો નથી તેમજ ક્યારેક પાણીનો નળ લીક થતો હોય એમ પેશાબના ટીપાં પણ સતત પડ્યા કરે છે.
• લિવરઃ ૭૦ વર્ષે
લિવરના કોષો ડેમેજ થાય તો એની મેળે ફરીથી પેદા થવાની ક્ષમતા ધરાવે છે. તેથી નાના-મોટા ડેમેજમાંથી લિવર ઝડપથી રિકવર થઈ શકે છે. જો સર્જરી દરમિયાન અડધું લિવર કાપી નાખવામાં આવે તો ત્રણ મહિનામાં તો ફરી આખું લિવર તૈયાર થઈ જાય છે. જો ખાવા-પીવામાં કાળજી રાખવામાં આવે અને ચેપી ઇન્ફેક્શનથી બચવામાં આવે તો ૭૦ વર્ષની વ્યક્તિનું લિવર પણ ૨૦ વર્ષની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જોકે ૭૦ વર્ષ પછીથી લિવરની કામગીરીમાં અડચણો આવવાની શરૂઆત થાય છે. લિવર કામ કરતું બંધ થઈ જાય તો એ પ્રાણઘાતક નીવડે છે.
• કિડનીઃ ૫૦ વર્ષે
લોહીમાંથી વધારાનો કચરો ગાળીને મૂત્ર વાટે બહાર કાઢવાનું કાર્ય કિડની કરે છે. લોહીને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવતા નેફ્રોન્સ એટલે કે કિડનીના કોષો ધીમે ધીમે શિથિલ થતા જાય છે. ૭૫ વર્ષની વ્યક્તિ કિડનીની ક્ષમતા ૩૦ વર્ષની વ્યક્તની કિડની કરતાં અડધી હોય છે એટલે કે આખા શરીરમાંથી અડધા લોહીના જથ્થાને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકે છે.
• પ્રોસ્ટેટઃ ૫૦ વર્ષે
પુરુષોમાં ૫૦ વર્ષ પછીથી વારંવાર પેશાબ માટે જવાની તકલીફ જોવા મળે છે. આ તકલીફ પ્રોસ્ટેટની તકલીફને આભારી છે. પ્રોસ્ટેટ ગ્રંથિના કોષો સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનને એબ્ઝોર્બ કરવા લાગે ત્યારે પ્રોસ્ટેટની સાઈઝ વધવાના કારણે યુરિન પાસ કરવામાં તકલીફ પડે છે.
• દાંતઃ ૪૦ વર્ષે
ઉંમર વધતી જાય એમ મોંમા લાળ પેદા થવાનું પ્રમાણ ઘટી જાય છે. લાળની મદદથી બેક્ટેરિયા નીકળી જાય છે. લાળ ઘટવાના કારણે દાંત અને પેઢા પરના બેક્ટેરિયા સહેલાઈથી દૂર થતા નથી. ૪૦ વર્ષ પછીથી લાળ ઘટે છે, દાંતમાં સડો પેદા થવાની શક્યતાઓ વધે છે અને પેઢામાં ઇન્ફેક્શન પણ થાય છે.
• કાનઃ ૫૦ વર્ષે
અડધાથી વધુ લોકો ૫૦ વર્ષ પછીથી સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થયેલો અનુભવે છે. કાનમાં રહેલાં ‘હેર સેલ’ જે અવાજના વાઇબ્રેશન પકડે છે એની સંવેદનશક્તિ ઘટે છે. આ કોષો અવાજની સંવેદના મગજ સુધી પહોંચાડી શકતા નથી. આને કારણે ઉંમર થતાની સાથે શ્રવણશક્તિ ઘટે છે.
• સ્વાદ - સુગંધઃ ૬૦ વર્ષે
આપણી જીભ પર ૧૦ હજારથી વધુ સ્વાદેન્દ્રિયો રહેલી હોય છે. ઉંમર થતાની સાથે આ સ્વાદેન્દ્રિયોમાં ઘટાડો થાય છે. ૬૦ વર્ષ પછીથી સ્વાદ અને ગંધ પારખતી ઇન્દ્રિયો ખૂબ મોટા પ્રમાણમાં ઘટી જાય છે. વિવિધ પ્રકારના સ્વાદ અને સુગંધ પારખવાની ક્ષમતા ઘટે છે.