વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના જતન માટે ગંભીર બનવું જરૂરી થઇ પડયું છે. આ ભાગદોડભરી જિંદગીમાં જો આપણે અગાઉની માફક આપણાં શરીર પ્રત્યે બેદરકાર રહીશું તો ઘણી મોટી બીમારી તન-મનમાં પ્રવેશી જશે, એ વાત લગભગ બધાંને હવે સમજાઇ ગઇ છે. આથી જ બીજું બધું સાઇડ પર મૂકીને શરીરને તંદુરસ્ત રાખવું જરૂરી છે.
શરીરને તંદુરસ્ત રાખવા માટે પૌષ્ટિક ખોરાકની સાથે સાથે આપણી અમુક આદતો પણ આપણને ખૂબ મદદરૂપ થઇ શકે છે. જેમ કે, પૌષ્ટિક ખોરાક લેવાની સાથે રોજ થોડું દોડવાની કે ચાલવાની આદત પણ રાખો. ચાલવાની કે દોડવાની આદત હશે તો કસરત કરવાની જરૂર પણ નહીં પડે. હવે પ્રશ્ન એ થાય કે દોડવાથી શું ફાયદો થાય, તેનો જવાબ એ છે કે દોડવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે, ફેફસાં મજબૂત બને છે, શરીરની કાર્યક્ષમતા વધે છે, વજન ઘટે છે. દિમાગ વધુ સક્રિય બને છે. તન-મનને મજબૂત બનાવવા આટલા ફાયદા આમ તો પૂરતા છે. આમ છતાં દોડવાથી બીજા કયા ફાયદા થાય છે તે વિશે જાણી લઈએ.
રોજ આશરે ૨૦થી ૩૦ મિનિટ દોડવું ખૂબ જરૂરી છે. તમે વહેલી સવારે અથવા તો રાત્રે દોડી શકો છો. આમ તો રાત્રે આખા દિવસના થાકને કારણે દોડવા જવા જેટલી ક્ષમતા શરૂઆતમાં શરીરમાં નથી હોતી, તેથી શરૂઆત સવારના સમયથી કરવી હિતાવહ છે. રેગ્યુલર એક મહિનો દોડયા બાદ તમે રાત્રીના સમયે પણ દોડવા જઇ શકશો. આ સિવાય પણ આખા દિવસમાં થોડી થોડી વાર ચાલવાની આદત કેળવો. આ સલાહ કમ્પ્યૂટર પર બેસીને કામ કરતા લોકો માટે તો ખાસ લાગુ પડે છે. નિયમિત દોડવાથી શું થશે? વાંચો આગળ...
• પ્રોડક્ટિવિટીમાં વધારો
સવારના સમયે દોડવાથી આખો દિવસ શરીરની પ્રોડક્ટિવિટી વધતી રહે છે. રનિંગ તમારા મગજ અને શરીર બંનેને ઉત્તેજના આપે છે, જેથી સવારના સમયે કરેલું રનિંગ આખો દિવસ શરીર અને મગજને કાર્યરત રાખે છે, પરિણામે મન સ્વસ્થ રહે છે, જેને કારણે શરીરની પ્રોડક્ટિવિટી આપોઆપ વધે છે.
• હૃદયની સ્વસ્થતા
હૃદયરોગનું જોખમ ઓછું કરવા માંગતા હો તો દરરોજ વીસથી ત્રીસ મિનિટ દોડવું જરૂરી છે. દોડવાથી હૃદયરોગનું જોખમ લગભગ અડધું ઓછું થઇ જશે. દોડવાથી બ્લડ સર્ક્યુલેશન સારું બને છે અને બ્લડ સર્ક્યુલેશન ઠીક થવાથી હૃદય પણ વધારે કાર્યશીલ અને મજબૂત બને છે. પરિણામે હૃદયરોગના ડરથી દૂર રહી શકાય છે.
• મેટાબોલિઝમમાં સુધારો
મેટાબોલિઝમને શરીર દ્વારા ઊર્જાના સ્ત્રોતના રૂપમાં સેવન કરવામાં આવે છે. સાથે સાથે તેને વસાના રૂપમાં શરીરમાં સંગ્રહિત પણ કરવામાં આવે છે. જો તમે ફિટ રહેવા માંગતા હો તો નિયમિત દોડવું જરૂરી છે. તેનાથી મેટાબોલિઝમ તેજ બને છે, જે શરીરને ચુસ્ત-દુરસ્ત રાખે છે.
• પગની એડી મજબૂત બનશે
એક સમય હતો જ્યારે લોકો એવું વિચારવા લાગેલા કે દોડવાથી એડીને નુકસાન પહોંચે છે, પણ ખરું પૂછો તો એવું નથી. તમારા પગમાં કોઇ તકલીફ ન હોય અને તમે માપસરનું દોડો, યોગ્ય શૂઝ પહેરીને દોડો તો પગની એડી વધારે મજબૂત બને છે.
• મૂડમાં સુધારો
દોડવાથી માત્ર શારીરિક જ નહીં પણ તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે. મન ફ્રેશ થઇ જાય છે. સવારના સમયે દોડવાથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે, મૂડ સારો થઇ જાય છે અને ખાસ તો શરીરને નવી ઊર્જા મળવાથી મન પ્રફુલ્લિત બને છે.
• સારી ઊંઘ આવે
ઘણા લોકોને ઊંઘની તકલીફ હોય છે, ખાસ કરીને જે લોકો શારીરિક શ્રમ નથી કરતા તેમને આ સમસ્યા વધારે સતાવતી હોય છે. એક શોધમાં એવું પુરવાર થયેલું છે કે જે લોકો રોજ થોડું દોડવા જતાં હોય છે તેમને સામાન્ય લોકો કરતાં વધારે સારી ઊંઘ આવતી હોય છે.