લંડનઃ રોબોટિક ટેન્ટેકલ્સ એટલે કે સ્પર્શતંતુઓ શરીરમાં ઊંડે જઈ કેન્સરના કોષોનો નાશ કરે એ દિવસો દૂર નથી. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ લીડ્ઝના સાયન્સ એન્ડ ટેકનોલોજીસ ઓફ રોબોટિક્સ ઈન મેડિસિન (Storm)ના સંશોધકોએ ખોપરીની પ્રતિકૃતિમાં નાક વાટે બે રોબોટિક સ્પર્શતંતુનો પ્રવેશ કરાવીને સફળ બ્રેઈન સર્જરી કરી છે. આ સફળતાના પગલે કેન્સરની સારવારમાં ધરમૂળ પરિવર્તન આવશે કારણ કે અત્યાર સુધી પહોંચી ન શકાય તેવા ટ્યૂમર્સ સુધી પહોંચીને તેનો નાશ કરવાનું ડોક્ટર્સ માટે સરળ બનશે. આ સ્પર્શતંતુઓ એટલાં બારીક અને નરમ હોય છે કે શરીરની બહાર રખાયેલા મેગ્નેટ્સની સહાયથી તેમને શરીરના ઈચ્છિત ભાગમાં પહોંચાડી શકાય છે અને આમ મોટી સર્જરીની સરખામણીએ નુકસાન પણ ઓછું થશે.
સિલિકોનમાંથી બનેલા આ રોબોટ શરીરના ટિસ્યુઝ કરતાં વધુ નરમ હોય છે એટલે ફેફસાંની અંદર અતિશય નાની શ્વાસનલિકાનાં સ્પર્શમાં આવવા છતાં ઘણું ઓછું નુકસાન થાય છે. શરીરની બહાર રહેલા શક્તિશાળી મેગ્નેટ્સ વડે આ સાધનને એકદમ સાંકડી જગ્યાએ પણ વાળી શકાય છે જેથી શ્વાસનલિકાઓની આંતરિક દીવાલો સાથે વધુ સ્પર્શ થતો નથી. આ રોબોટ ટ્યૂમર સુધી પહોંચી બાયોપ્સી સેમ્પલ પણ લઈ શકે છે કે તેનો નાશ કરવા લેસર કિરણો પણ છોડી શકે છે. સ્પર્શતંતુ આકારના આ રોબોટનો વ્યાસ માત્ર 2.4 mm છે, જે સ્ટાન્ડર્ડ બ્રોન્કોસ્કોપની 6 mmની નળીઓ કરતાં લગભગ ત્રીજા ભાગનો છે. હાલ ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક રોબોટિક ટ્યૂબ્સ પણ 3.5થી 4.2 mmવચ્ચે હોય છે.
બ્રોન્કોસ્કોપના છેવાડે રહેલા મેગ્નેટિક રોબોટને મોં વાટે પ્રવેશ કરાવી ગરદનમાં થઈને ફેફસાંની પ્રમાણમાં પહોળી શ્વાસનલિકામાં લઈ જવાય છે. નેચર એન્જિનિઅરીંગ કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ માનવ મૃતદેહના ફેફસાં પર આ સાધનનું પરીક્ષણ કરી રહેલા સંશોધકોને જણાયું હતું કે સ્ટાન્ડર્ડ સાધનની સરખામણીએ રોબોટિક ડિવાઈસ 37 ટકા વધુ ઊંડે પહોંચી શકે છે અને ટિસ્યુઝને ઓછું નુકસાન કરે છે.
ફેફસાંના કેન્સરની સારવાર મુખ્યત્વે સર્જરી દ્વારા કરાય છે, પરંતુ ટ્યૂમર દૂર કરતી વખતે તંદુરસ્ત કોષોને નુકસાન થાય છે કે તે નાશ પણ પામે છે, પણ આમાં આવું જોખમ નહીંવત્ કે ઘણું ઓછું છે. વિજ્ઞાનીઓ લાંબા સમયથી કેન્સરને નિશાન બનાવી શકાય, પણ ટ્યૂમરની આસપાસના તંદુરસ્ત કોષોને નુકસાન ન પહોંચે તેમજ પેશન્ટની છાતીને ચીરવી કે ખોલવી ન પડે કે પંક્ચર ન કરવું પડે તેવી પદ્ધતિ શોધતા હતા. રોબોટિક ટેન્ટેકલ ડિવાઈસની વિશેષતા એ છે કે પેશન્ટની શરીરરચનાને ધ્યાનમાં લઈ પ્રોસીજર અગાઉ જ ટેન્ટેકલ્સની લંબાઈ 10, 15કે 20 સેન્ટિમીટર સુધીની રાખવા તેમજ પેશન્ટના ફેફસામાં યોગ્ય રીતે પહોંચી શકે તે માટે મેગ્નેટાઈઝ કરવાનું નિર્ધારિત કરી શકાય છે.
‘એડવાન્સ્ડ ઈન્ટેલિજન્ટ સિસ્ટમ્સ’ જર્નલમાં પ્રકાશિત અન્ય અભ્યાસમાં આ જ સંશોધકોએ પિટ્યુટરી ગ્લેન્ડની પાછળ આવેલા ટ્યૂમરની સર્જરી કરવા ખોપરીની પ્રતિકૃતિમાં નાક મારફત બે રોબોટિક ટેન્ટેકલ્સ દાખલ કરાવ્યા હતા. એક ટેન્ટેકલમાં કેમેરા અને બીજા ટેન્ટેકલમાં ટ્યૂમરનો નાશ કરવા લેસર રખાયું હતું. મેગ્નેટિક ટેન્ટેકલ્સના સ્વતંત્ર કંટ્રોલ અને આગળપાછળ કરવા, વાળવા માટે બાહ્ય મેગ્નેટ્સનો ઉપયોગ કરાયો હતો. હવે માનવીઓ પર રોબોટિક ટેન્ટેકલ્સની જીવંત ટ્રાયલ કરવા તડામાર તૈયારી ચાલે છે.