ઘણા લોકોને નહાવાનું પસંદ હોતું નથી તો ઘણા લોકો સવાર-સાંજ બન્ને સમય નહાવાનું પસંદ કરે છે. હવે શાવર લેવાનું સવારે કે સાંજે સારું ગણાય તેના વિશે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો, જેનો હવે નિવેડો આવી ગયાનું જણાય છે. સવારે અને સાંજે શાવર લેવાના પોતાના ફાયદા છે અને વ્યક્તિગત પસંદગીની બાબત છે પરંતુ, આરોગ્ય અને સ્વચ્છતાની વાત આવે ત્યારે ડોક્ટર્સ અને સ્કીન સ્પેશિયાલિસ્ટ્સ સાંજે લેવાતા શાવરની તરફેણ કરી રહ્યા છે અને હા, શાવરનો સમય 10 મિનિટથી વધુ લાંબો નહિ રાખવાનું પણ ડોક્ટર્સ જણાવે છે.
ઊંઘમાંથી ઉઠ્યા પછી ઠંડા પાણીએ તાજગીના અનુભવ સાથે દિવસનો આરંભ કરવો હોય અથવા થાકેલા દિવસના અંતે હુંફાળા પાણીના શાવર સાથે હળવાશ અનુભવવી હોય તે વ્યક્તિગત પસંદગી અને લાઈફસ્ટાઈલની બાબત છે પરંતુ, વિચાર એ કરવાનો છે કે તેનાથી તમારી ત્વચા પર કેવી અસર થાય છે? ડોક્ટર્સ અને સ્કીન સ્પેશિયાલિસ્ટ્સ સાંજે શાવર લેવાની તરફેણ કરે છે અને તેના કારણો પણ આપે છે.
ઓનલાઇન ફાર્મસી ‘પ્રીસ્ક્રિપ્શન ડોક્ટર’ના મેડિકલ એડવાઈઝર અને જીપી આર્ગોન ગ્યુસેપ્પેનું કહેવું છે કે સ્વચ્છતા અને રાતની સારી ઊંઘ મેળવવા સાંજે શાવર લેવું વધુ યોગ્ય છે. સાંજનું શાવર શરીરને હળવાશ આપે છે, શારીરિક કામકાજ કે જીમના વર્કઆઉટના તણાવને હળવા બનાવે છે અને આખા દિવસ દરમિયાન શરીર પર લાગેલાં ધૂળ સહિતના રજકણો ધોઈ નાખે છે જેનાથી તણાવમુક્ત શરીર સારી ઊંઘ મેળવી શકે છે.
બીજી તરફ, એવી પણ દલીલો થાય છે કે આખી રાતનો પરસેવો અને ઓઈલને ધોઈ નાખવા સવારનું શાવર વધુ યોગ્ય છે. સવારે શાવર લેવાથી ત્વચાને નવું જોમ મળે છે અને રક્તકણોને ઉત્તેજના પ્રાપ્ત થાય છે. જોકે, સ્નાન કર્યા વિના પણ કોઈ પણ ફેસવોશ લગાવ વડે મોઢું બરાબર ધોઈ નાખવાથી પણ આ લાભ મળી શકે છે એમ નિષ્ણાતો કહે છે.
સમગ્ર દિવસ દરમિયાન તમારા શરીર અને વાળ હવામાં ફેલાયેલાં એલર્જન્સ અને ઈરિટન્ટ્સ, ઓઈલ, ધૂળના રજકણો તેમજ ઉનાળાના દિવસોમાં ફેલાયેલી પરાગરજ, કેમિકલ્સ અને પરસેવાના સંપર્કમાં આવે છે. જો તમે શાવર લીધા વિના સીધા જ પથારી ભેગાં થાવ તો આ બધી વસ્તુઓ તમારી પથારી અને ચાદરમાં પણ ચોંટી જશે અને અસ્વચ્છતા સાથે એલર્જી, સૂકી ત્વચા અને ખંજવાળનું જોખમ સર્જશે. સાંજના હુંફાળા પાણીના શાવર સાથે ત્વચા અને વાળ પર લાગેલી આ બધી ગંદકી બરાબર ધોવાઈ જશે. આનો અર્થ એ છે કે તમે સ્વચ્છતા, તરોતાજગી અને ચોખ્ખી ત્વચા સાથે પથારીમાં જશો અને મથામણ કર્યા વિના જ સારી, ગાઢ ઊંઘમાં સરી જઈ શકશો.