આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા આ દિવસોમાં વધી જાય છે. હકીકતમાં ઠંડા પવન અને ઝડપથી ઘટતું તાપમાન શરીરને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે.
આમાંથી કેટલાક કારણ તો એવા છે, જેના અંગે અંદાજ પણ લગાવી શકાય એમ નથી. જેમ કે, લોકો આ દિવસોમાં મોટાભાગનો સમય ઘરમાં રહે છે. જેના કારણે શારીરિક ગતિવિધિઓ મર્યાદિત થઈ જાય છે. આ ઉપરાંત તરસ ઘટે છે, એટલે લોકો પાણી પીવાનું ઓછું કરી નાખે છે, પરંતુ યુરિન સહિત વિવિધ માધ્યમો દ્વારા શરીર તરલ પદાર્થ બહાર કાઢતું રહે છે. જેના પરિણામે ડિહાઈડ્રેશન થઈ શકે છે. શરીરમાં પાણીની ઉણપ દુઃખાવો, ભૂખમાં ઘટાડો, બીપી સહિત અનેક સમસ્યાનું કારણ બની શકે છે. શિયાળો જુદા-જુદા રોગો અને શારીરિક સમસ્યાઓ પર આ રીતે અસર કરે છે. તમે પણ આ બાબતોની કાળજી લઇને બીમારીથી બચી શકો છો.
હૃદયરોગઃ બીપી અને કોલેસ્ટ્રોલ વધે છે
ઓછા તાપમાનથી શરીરની રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે લોહીને પસાર થવા માટે વધુ તાકાત લગાવવી પડે છે. પરિણામ બ્લડપ્રેશર વધે છે. શિયાળામાં વધુ તળેલા અને ગળ્યા ભોજનનું પ્રમાણ વધતાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. જેનાથી હાર્ટએટેક અને કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધે છે.
• શું કરવું જોઇએ?ઃ નિયમિક વોક, પ્રાણાયામ અને ધ્યાન કરો. રોજ 20થી 30 મિનિટ બ્રિસ્ક વોક કરો, જે રક્તસંચાર વધારે છે. રક્તવાહિનીઓ ઢીલી પડે છે, જેનાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે. પ્રાણાયામ અને ધ્યાનથી ફાયદો થાય છે.
અસ્થમાઃ વાયુમાર્ગ પ્રભાવિત થાય છે
તીવ્ર ઠંડીને કારણે છાતીમાં વાયુમાર્ગ કડક થઈ જાય છે, જેને લીધે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. અસ્થમાથી પીડિત વ્યક્તિ વધુ હવા માટે મોઢેથી શ્વાસ લેવાનું શરૂ કરે છે. પરિણામે શુષ્ક હવા ફેફસામાં પ્રવેશે છે. જેનાથી વાયુમાર્ગમાં સોજો વધે છે.
• શું કરવું જોઇએ?ઃ ડાયફ્રામ બ્રિધિંગ ફાયદાકારક છે. આ માટે ઘુંટણને વાળીને પીઠના બળે સુઈ જાઓ. હવે નાક વડે ધીમે-ધીમે શ્વાસ લો, હવાને પેટના નીચેના ભાગ તરફ ઊંડે સુધી જવા દો. પેટ ફૂલાવું જોઈએ. હવે હોઠ બંધ કરી શ્વાસ છોડો. પેટને અંદર લઇ જાવ. આ રિપીટ કરો.
ડાયાબિટીસ: સ્ટ્રેસ હોર્મોન શુગર વધારે
તીવ્ર ઠંડી શરીરમાં સ્ટ્રેસ પેદા કરે છે, જેનો સામનો કરવા શરીર કાર્ટિસોલ હોર્મોન રિલીઝ કરે છે, જે ઈન્સ્યુલિન ઉત્પાદન ઘટાડે છે. ઈન્સ્યુલિન કોશિકાઓને ગ્લૂકોઝ (બ્લડ શૂગર) અવશોષિત કરવામાં મદદ કરતું હોય છે. ઈન્સ્યુલિનના અભાવને કારણે શરીરમાં શુગરનું પ્રમાણ વધવા લાગે છે. આ ઉપરાંત સ્ટ્રેસ લિવરને વધુ ગ્લૂકોઝ પેદા કરવા પ્રેરે છે.
• શું કરવું જોઇએ?ઃ ધનુરાસનથી ઈન્સ્યુલિન સુધરે છે. આ માટે ચટાઈ પાથરીને સુઈ જાઓ. ઘુંટણને વાળી એડીને કુલા પર ટેકવો. હવે હાથ વડે પગના પંજાને પકડવાનો પ્રયાસ કરો. જેટલું બની શકે શ્વાસ લેતા જઈને છાતી અને જાંઘ ઊંચી કરો. ક્ષમતા મુજબ આ મુદ્રામાં રોકાઓ.
આર્થરાઈટિસ: બ્લડફ્લો ધીમો થાય છે
ઠંડીમાં સાંધાનો દુઃખાવો વધી શકે છે. તીવ્ર ઠંડીથી બ્લડફ્લો ધીમું થઈ શકે છે. દુઃખાવા પ્રત્યે શરીરની સંવેદનશીલતા વધી જાય છે. જેમ-જેમ તાપમાન નીચું જાય છે. વાતાવરણમાં હવાનું દબાણ પણ બદલાતું જાય છે. આથી કેટલાક લોકોને સાંધાનો દુ:ખાવો વધી જાય છે.
• શું કરવું જોઇએ?ઃ પૂરતું પાણી અને પ્રવાહી પદાર્થ લો. ડિહાઈડ્રેશન દુઃખાવા પ્રત્યે વધુ સંવેદનશીલ બને છે. પૂરતું પાણી પીશો તો ટોક્સિન્સને શરીરમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે સાંધામાં ઘર્ષણ પણ ઘટાડે છે.
ડેન્ડ્રફ: સ્ટ્રેસ હોર્મોન વધારે છે
મોટાભાગના લોકો માથાની ત્વચા ખરવાને ખોડો સમજે છે, પરંતુ ડેન્ડ્રફ સેબોરહાઈક ડર્મેટાઈટિસ (જેના લીધે ખોપડી પર પોપડીના ધબ્બા અને ત્વચા લાલ થાય છે) કે સ્કેલ્પ સોરાયસિસને કારણે થાય છે. શિયાળામાં હવા શુષ્ક અને ભેજરહિત હોય છે. તેના લીધે માથાની ત્વચા સુકાઈ જાય છે, પરિણામે ખોડો બને છે.
• શું કરવું જોઇએ?ઃ માથાને સૂકાઈ જતું બચાવો. સ્નાન માટે હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરો. વધુ સમય સુધી સ્નાન ન કરો. માથાને વધુ સુકાતું બચાવો. સપ્તાહમાં એક કે બે વાર નારિયેળનું તેલ માથામાં લગાવો.