સામાન્ય બોલચાલમાં ઠંડીના દિવસો ભલે તંદુરસ્તીની ઋતુ કહેવાતા હોય, પરંતુ હૃદય સંબંધિત બીમારી માટે અત્યંત ખતરનાક છે. ખરાબ કોલેસ્ટ્રોલનો સીધો સંબંધ હાઈ બ્લડપ્રેશર, સ્થૂળતા, કિડની રોગ અને ડાયાબિટીસ સાથે પણ છે. આ તમામ બીમારી હૃદય માટે નુકસાનકારક છે. હકીકતમાં શિયાળામાં શારીરિક સક્રિયતા ઘટી જાય છે, ને ભોજનમાં તળેલા પદાર્થોનું પ્રમાણ વધી જાય છે. આથી કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. ઈન્ડિયા ફિટ દ્વારા ગયા વર્ષે રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, 50.421 ટકા ભારતીય કોલેસ્ટ્રોલ અંગે ‘હાઈરિસ્ક’ કે ‘બોર્ડરલાઈન' ૫૨ છે. કોરિયન ડેટા એનાલિસિસમાં જોવા મળ્યું કે, હાઈ કોલેસ્ટ્રોલ અથવા સુગરવાળા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 42 ટકા સુધી વધુ હોય છે.
કોલેસ્ટ્રોલને કુદરતી રીતે ઘટાડવાના 6 ઉપાય
1) રોજ 150 ગ્રામ આખું અનાજ
જો દરરોજ 150 ગ્રામ જેટલું આખું અનાજ ભોજનમાં આવેલ કરો તો હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ 22 ટકા સુધી ઘટે છે. હકીકતમાં તેમાં રહેલું ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢે છે. સારું કોલેસ્ટ્રોલ વધારે છે. ઓટ્સ, બાજરો, રાજગરો, સાબુદાણા, રાગી વગેરે મુખ્ય આખા અનાજ છે.
2) રોજ એક સફરજન કે પપૈયું
સફરજનમાં હાઈ ફાઈબર અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે લોહીને સ્વચ્છ કરીને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. પપૈયું પણ કોલેસ્ટ્રોલથી થતા જોખમો ઘટાડે છે. પપૈયું કોલેસ્ટ્રોલને ઓક્સિડાઈઝ થતાં અટકાવે છે. કોલેસ્ટ્રોલ જ્યારે ઓક્સિડાઈઝ થાય છે ત્યારે ધમનીમાં બ્લોકેજનું જોખમ વધે છે. આ બ્લોકેજ હૃદયરોગનું કારણ બને છે અને હાર્ટ એટેકની સંભાવના વધે છે.
3) યોગ સૌથી વધુ ફાયદાકારક
વર્ષ 2020માં જનરલ સિસ્મેટિક રિવ્યૂના રિસર્ચમાં જોવા મળ્યું કે, યોગ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં સૌથી વધુ અસરકારક છે. માટે કપાલભાતિ, ચક્રાસન, શલભાસન, સર્વાંગાસન વગેરે યોગ કરી શકાય છે. સાઈકલિંગ, બ્રિસ્ક વોક પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
4) સપ્તાહમાં 50 મિનિટ ઝડપી કસરત
અંમેરિકાના સીડીસી અનુસાર સપ્તાહમાં 50 મિનિટ ઝડપી કસરત કરવાની હૃદયરોગથી મૃત્યુનું જોખમ 50ટકા જેટલું ઘટી જાય છે. કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. બીપી ઘટાડે છે. બ્લડ સુગર સુધારી ઇન્સ્યુલિનનું સ્તર સુધારે છે.
5) વજન નિયંત્રણમાં રાખો
વેબ એમડી અનુસાર જો તમે ઓવરવેઇટ છો. તો લગભગ 4.5 કિલો વજન ઘટાડવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ 8ટકા સુધી ઘટાડી શકાય છે. જોકે, વજન ઘટાડવા માટે ઉતાવળ ન કરવી જોઇએ. સપ્તાહમાં 500 ગ્રામ સુધી વજન ઘટાડવું આદર્શ સ્થિતિ છે.
6) ભોજનમાં રેડ મીટ, પ્રોસેસ્ડ ફૂડ ઘટાડો
રેડ મીટ, માખણ અને પ્રોસેસ્ડ ફૂડ્સનો કોલેસ્ટ્રોલ સાથે સીધો સંબંધ છે. તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. આ બેડ કોલેસ્ટ્રોલ જ ધમનીઓમાં એકત્રિત થઈને બ્લોકેજ અને હાર્ટ એટેકના જોખમને વધારે છે.