શિયાળામાં થાક અને બેચેનીથી સિઝનલ ડિપ્રેશનની શક્યતાઃ હોર્મોન્સનું સંતુલન ખોરવાઇ શકે

Monday 26th December 2022 08:40 EST
 
 

વોશિંગ્ટનઃ શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન જો તમને સુસ્તી અને થાકનો અહેસાસ થાય છે તો ગભરાશો નહીં. આ સામાન્ય વાત છે. વાસ્તવમાં, શિયાળામાં મોટા ભાગે કામ કરવાનો ઉત્સાહ ઘટવા લાગે છે. રાત્રે ઊંઘ નથી આવતી તેમજ સવારમાં મોડે સુધી ઊંઘવાની ઇચ્છા થાય છે. વાસ્તવમાં, તે સિઝનલ ડિપ્રેશનનું કારણ હોય છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આશરે 10 ટકા લોકો તેનાથી પ્રભાવિત થતા હોય છે. અમેરિકાના બર્લિંગ્ટનમાં આવેલી યુનિવર્સિટી ઓફ વર્મોન્ટના મનોવિજ્ઞાની કેલી રોહને કહે છે કે શિયાળામાં દિવસ ટૂંકા અને ઠંડી હોવાથી સિઝનલ ડિપ્રેશનનાં લક્ષણો વધે છે. એક અન્ય રિસર્ચ અનુસાર શરીરમાં રાતના સમયે મેલાટોનિન હોર્મોન્સ બને છે, જેનાથી ઊંઘવામાં મદદ મળે છે. સવારના સમયે આ હોર્મોન્સનું સ્તર ઘટવા લાગે છે. શિયાળામાં અનેક લોકોમાં મેલાટોનિન મોડેથી બનવાનું શરૂ થાય છે અને સવારે મોડે સુધી બનતું રહે છે. જેનાથી સવારે ઊઠવામાં આળસ આવે છે અને થાક વર્તાય છે. તેનાથી અનિદ્રા, થાકનું ચક્ર શરૂ થાય છે, જે ડિપ્રેશનને વધારે છે. મોટા ભાગે શિયાળાની શરૂઆતમાં તે થાય છે જેને સિઝનલ ડિપ્રેશન કહે છે. આ લક્ષણો હવામાન બદલાતા પ્રભાવ દેખાડતા હોય છે. જોકે કેટલાક લોકોમાં ગરમીના દિવસોમાં પણ સિઝનલ ડિપ્રેશનના લક્ષણ દેખાય છે.
સિઝનલ ડિપ્રેશનના મોટા ભાગના પીડિતોમાં ઓક્ટોબર કે નવેમ્બરના પ્રારંભથી લક્ષણ દેખાય છે. તેનાથી બચવા માટે સવારે ઊઠતા જ સૂર્યપ્રકાશમાં ફરવું જરૂરી છે. સાઇકલિંગ અને રમતગમતથી ફાયદો થાય છે. જોકે કેટલાક લોકોને વ્યક્તિગત કારણોથી પણ આવું થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter