શિયાળો વધુ હેલ્ધી બનાવતા મિક્સ જૂસ

સદાબહાર સ્વાસ્થ્ય

Tuesday 14th February 2017 05:32 EST
 
 

શિયાળામાં કુદરત આપણી સમક્ષ બેસ્ટ શાકભાજી અને ફળોનો ભંડાર આપણી સામે ખડકી દે છે. જાણે કે કુદરત કહેતી હોય કે તમે જેટલાં શાકભાજી અને ફળો ખાઈ શકતા હો, જેટલું પોષણ મેળવી શકતા હો બસ મેળવી લો... પરંતુ આપણું નાનું પેટ બિચારું ગણીને બે વાર જમતું હોય છે. એમાં વધીને બે વાટકી શાકભાજી પેટમાં જવાના. ફળ પણ દિવસમાં એક કે બે ખાઈ શકવાના. ખૂબ હેલ્થ કોન્શિયસ અને સલાડ ખાવાના શોખીન હો તો અલગ વાત છે કે બાઉલ ભરીને સલાડ ખાઈ લીધું. બાકી ખરા અર્થમાં શિયાળાનો ફાયદો આપણા રેગ્યુલર ખોરાકમાંથી ઉઠાવી શકાય નહીં. આ માટે એક સમય નક્કી કરીએ.

સવારે ઊઠીને બ્રેકફાસ્ટ કરી લીધા પછી ૧૦-૧૧ વાગ્યે થોડીક ભૂખ લાગે છે ખરી. આ સમય આપણે શાકભાજી અને ફળોને આપીએ. જે લોકો બાઉલ ભરીને વેજિટેબલ અને ફ્રૂટ્સનું સલાડ બનાવીને દરરોજ ખાઈ શકતા હોય તેમણે આ સમયે પોતાનું બાઉલ તૈયાર કરી લેવું અને ખાઈ લેવું. જોકે ઘણા એવા પણ છે જેમને દરરોજ સલાડ ચાવવાનો કંટાળો આવતો હોય છે. તેમના માટે એક બીજો પણ હેલ્ધી ઓપ્શન છે. એ છે ફ્રૂટ અને વેજિટેબલનો મિક્સ જૂસ.

કોઈ વાર સલાડ ચાવવાનો કંટાળો આવતો હોય કે સમારવાનો કે ખાવાનો સમય ન હોય ત્યારે જૂસ ઝટપટ બની જતો અને એનાથી પણ વધુ ઝટપટ પીવાઈ જતો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાંથી આપણને ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો મળે છે. આજે જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી કેટલાક ફ્રૂટવેજી મિક્સ જૂસની રેસિપી...

લાઇટ ગ્રીન ડિલાઇટ (દૂધી-પેરુ જૂસ)

રીતઃ લગભગ ૨૫૦ ગ્રામ જેટલી દૂધી અને એક જામફળ કે પેરુના ટુકડા કરો. એની સાથે ૧ ઇંચ આદું ટુકડો, ૧૦-૧૫ ફુદીનાનાં પાન ઉમેરો. બધું મિક્સરની જારમાં નાખીને ક્રશ કરો. પાણી ક્રશ કરવા પૂરતું સહેજ જ નાખો. મોટી ગળણીથી ગાળી લો. આ જૂસ જામફળને કારણે થિક બનશે. એને વધુ ગાળીને પાતળો કરવાની બિલકુલ જરૂર નથી. ટેસ્ટ અનુસાર થોડોક લીંબુનો રસ ભેળવીને તરત પી જાઓ. આ જૂસમાં સોલ્ટ કે બીજો કોઈ મસાલો નાખવાની જરૂર જ નથી હોતી. છતાં સ્વાદ અનુસાર ઉમેરી શકાય છે.

ફાયદાઃ આ જૂસ શરીરને ડિટોક્સિફાય કરે અને વોટર-રિટેન્શન થતું અટકાવે છે, જેથી શરીરમાં પાચન સારું રહે. કોન્સ્ટિપેશનથી છુટકારો મળે. આ સિવાય વાળ અને સ્કિન માટે પણ આ જૂસ અત્યંત ફાયદાકારક છે. દૂધી અને પેરુનો સ્વાદ પણ એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે. આછા ગ્રીન રંગનો આ જૂસ સ્વાદ અને ફાયદા બન્નેમાં ઘણો આગળ પડતો છે.

રેડ પંચ (બીટ-દાડમ જૂસ)

રીતઃ એક બીટને છોલીને એના ટુકડા કરી લો. દાડમના દાણા કાઢી લો. એની સાથે ૧૦-૧૨ તુલસીનાં પાન ઉમેરો. બધું જ મિક્સરમાં એકસાથે ક્રશ કરો. એ માટે એમાં થોડુંક પાણી ઉમેરવું. આ જૂસને પાતળા મસલીન કપડાથી દબાવીને ગાળી લો. એમાં લીંબુ ઉમેરીને પીઓ. સ્વાદ અનુસાર જો મીઠું, મરી, ચાટ મસાલો કંઈ નાખવું હોય તો નાખી શકો છો.

ફાયદાઃ આ એક રિકવરી જૂસ છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ જૂસ શરીરમાં જેટલી પણ જગ્યાએ સ્નાયુઓમાં કોઈ તકલીફ હોય, ટિશ્યુ રિપેર કરવાના કામમાં ઘણો મદદગાર સાબિત થાય છે. એટલા માટે જ શિયાળામાં એક્સરસાઇઝ કરનારા લોકો માટે આ જૂસ ખૂબ ઉપયોગી છે. એમાં કેલરી થોડીક વધુ છે એટલે મેદસ્વી લોકોએ આ જૂસ ટાળવો. બાકી મહેનત કરનારા લોકો આરામથી ૧૦૦ મિલીલીટર જેટલો જૂસ પી શકે છે.

ઓરેન્જ ક્રશ (સંતરા-ગાજર જૂસ)

રીતઃ બે સંતરાંની છાલ ઉતારીને એને લીંબુની જેમ વચ્ચેથી કાપી નાખી એનાં બી અલગ કરવાં. એક ગાજર સમારીને એના ટુકડા કરી એને મિક્સીની જારમાં થોડી લીલી ચા કે લેમન ગ્રાસ ઉમેરી આ બધું જ એકસાથે પીસી લેવું. મોટી ગળણી વડે ગાળી લો. સંતરાનો ખાટો અને ગાજરનો મીઠો ટેસ્ટ એકબીજાને એટલા કોમ્પ્લીમેન્ટ કરે છે કે બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે. સાથે લીલી ચા એને વધુ ફ્રેશનેસ આપે છે.

ફાયદાઃ તમારી આંખ, વાળ, ત્વચા, હાર્ટ અને પેટ માટે અત્યંત ફાયદાકારક એવો આ જૂસ મગજ માટે પણ લાભકારક છે. ગાજરમાં વધુ કેલરી હોય છે, પરંતુ સંતરામાં ઘણી ઓછી કેલરી હોવાને લીધે એ ગાજર સાથે બેસ્ટ કોમ્બિનેશન બને છે. આ ઉપરાંત આ જૂસ ઓરલ હેલ્થ માટે પણ ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગ્રીન ટ્રીટ (દ્રાક્ષ-કાકડી જૂસ)

રીતઃ ૨૦-૨૨ દ્રાક્ષને વ્યવસ્થિત ધોઈ લો. કાકડીને છોલીને ટુકડા કરી લો. ૫-૭ સેલેરીનાં પાન અને જો સેલેરી ન મળે તો ૧૦-૧૫ ફુદીનાનાં પાન એક ઇંચ આદુંના ટુકડા સાથે લઈ એને ક્રશ કરી નાખો. આ જૂસને ગાળ્યા વગર પણ પી શકાય છે. અહીં પણ ખાટી દ્રાક્ષ અને કાકડીનો મીઠો ટેસ્ટ એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે.

ફાયદાઃ આ જૂસ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. ગુડ કોલેસ્ટરોલને વધારે છે. બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. હાર્ટ-પેશન્ટ માટે એ મદદરૂપ થાય છે. મોટા ભાગે ડાયાબિટીસના દરદીઓ શુગર વધુ હોવાથી દ્રાક્ષ ખાવાનું ટાળતા હોય છે, પરંતુ આ જૂસમાં દ્રાક્ષ અને કાકડીનું કોમ્બિનેશન છે, જે ૧૦૦ મિલીલીટર જેવી માત્રામાં - જેમની શુગર લગભગ કન્ટ્રોલમાં જ હોય છે - તે લઈ શકે. આ સિવાય એની અસર ત્વચા પર ઘણી સારી થાય છે. આ જૂસ એન્ટિ-એજિંગ ક્વોલિટી ધરાવે છે.

ફોર જંક્શન (સ્ટ્રોબેરી, એપલ, કાકડી, પાલક જૂસ)

રીતઃ ચાર સ્ટ્રોબેરી અને અડધા એપલની છાલ ઉતારીને ટુકડા કરો. પાલકનાં ૩-૪ પાનને બરાબર ધોઈ લો. એક કાકડી છોલીને સુધારી લો. એક ઇંચ આદુંના ટુકડા સાથે મિક્સરમાં ક્રશ કરો. આ જૂસને પણ ગાળવાની કોઈ જરૂર નથી. સીધો ગ્લાસમાં કાઢી પી શકાય છે. સ્ટ્રોબેરી ખાટી જ હોય તો લીંબુની જરૂર નથી અથવા સ્વાદ અનુસાર થોડો લીંબુનો રસ ભેળવી શકાય છે.

ફાયદાઃ આ જૂસ તમારા કોષોને રિપેર કરવામાં મદદ કરે છે. ક્યાંય વાગ્યું હોય તો એને ઠીક કરવામાં ઉપયોગી છે. મગજને સતર્ક રાખે છે. લોહીમાં લાલ રક્તકણોની સંખ્યા વધારે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. હાડકાં અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter