શું ગળ્યું ખાવાથી તરસ વધુ લાગે?

હેલ્થ બુલેટિન

Friday 22nd September 2023 10:47 EDT
 
 

શું ગળ્યું ખાવાથી તરસ વધુ લાગે?
તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે તમે કશું ગળ્યું ખાધું હોય તેના પછી તમને કશું પીવાની ઈચ્છા થાય છે. આ એક સામાન્ય રીએક્શન છે પરંતુ, આમ શા માટે થતું હશે? બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના એન્ડોક્રિનોલોજિ, ડાયાબિટીસ અને ન્યૂટ્રિશન વિભાગના પ્રોફેસર કેરોલિન એપોવિઆન MD આને સમજાવતાં કહે છે કે તમે જ્યારે ગળપણ કે ગળ્યો ખોરાક લો ત્યારે શુગર તમારા જઠરમા અને તે પછી રક્તપ્રવાહમાં જાય છે. શુગરનાં કણો બ્લડમાં જવા સાથે કોષોમાંથી પાણી બહાર આવે છે અને રક્તપ્રવાહમાં ભળે છે જેથી લોહીમાં સમતુલા જળવાઈ રહે. બીજી તરફ, તમારા કોષમાંથી પાણી ખાલી થવા સાથે જ કોષો મગજને સંકેતો પાઠવે છે કે તેમને પાણીની જરૂર છે. આના પરિણામે તમને કશું પીવાં એટલે કે પ્રવાહી લેવાની ઈચ્છા થાય છે. આ પ્રક્રિયા ભારે ઝડપી હોય છે. પાચનતંત્રમાં ગ્લુકોઝનું શોષણ અને લોહીમાં તેનું ભળવું ઝડપી હોવાથી પાંચ કે દસ મિનિટમાં જ તમને તરસ લાગી જાય છે. આવા સમયે તમારે પાણી પી લઈને જ તરસ છીપાવવી જોઈએ કારણ કે ગળ્યાં ખોરાક ઉપર જ્યૂસ, લેમોનેડ સહિત ખાંડવાળા પ્રવાહી કે પીણાં પીવાથી શરીરમાં નકામી કેલેરીનો વધુ જથ્થો નાખવો હિતાવહ નથી.

•••
સ્થૂળ લોકોને ખોરાક ખાવાં પર કાબુ રહેતો નથી
આપણા મગજમાં હાઈપોથેલામસ નામનો વિસ્તાર છે જેનું કદ એક વટાણાના દાણા જેટલું જ હોય છે પરંતુ, ભોજનની ભૂખ પર નિયંત્રણ તેમજ પેટ ભરાઈ ગયું છે તેથી ખોરાક લેવાનુ બંધ કરવાના સંકેતો માટે તે ચાવીરૂપ છે. જોકે, જેઓ સ્થૂળ અને મેદસ્વી છે તેમના મગજમાં હાઈપોથેલામસ વિસ્તાર સોજાના કારણે મોટો થઈ જાય છે જેના પરિણામે, ભૂખની તીવ્રતા દર્શાવતા સંકેતો અંકુશ બહાર જતા રહે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં 1,351 મેદસ્વીઓના મગજના MRI સ્કેન લઈ વિશ્લેષણ કરાયું હતું. ‘ન્યૂરોઈમેજઃ ક્લિનિકલ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ વધુપડતી ચરબી સાથેનો આહાર ખાવાથી મગજનાં ભૂખનિયંત્રણ કેન્દ્રને સોજા આવવા લાગે છે અને સમયાંતરે પેટ ભરાઈ ગયું હોવાના સંકેતો પાઠવવાની ક્ષમતાને પણ અસર થાય છે.
આના પરિણામે બ્લડ શુગરને પ્રોસેસ કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય છે જે શરીરનું વજન વધવા તરફ દોરી જાય છે. ત્રણમાંથી બે બ્રિટિશરનું વજન વધારે હોય છે અને તેમાંથી અડધા સ્થૂળ હોય છે. વધુપડતું વજન ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોકનું જોખમ નોંતરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter