શું ડોક્ટરને જોઈને તમારું બીપી વધી જાય છે?

Tuesday 10th August 2021 13:00 EDT
 
 

હાઈપર ટેન્શનના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આથી જ જ્યારે પણ ડોક્ટરને કન્સલ્ટ કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા બ્લડ પ્રેશર (બીપી) માપવામાં આવે છે અને આપણા મેડિકલ રિપોર્ટમાં નોંધવામાં આવે છે. હવે તો હેલ્થ પ્રત્યે જાગૃત લોકો પાંત્રીસ-ચાલીસ વર્ષની વય પછીથી બીપીનો પ્રોબ્લેમ હોય કે ન હોય, દર થોડાક દિવસના અંતરે બીપી મપાવી લેછે. જોકે ક્યારેક અચાનક જ બીપી હાઈ હોવાનું નોંધાય એટલે ટેન્શન વધી જાય છે. એક વાર હાઈ બીપી હોવાનો ડર પેસી જાય એટલે જ્યારે પણ ડોક્ટર પાસે બીપી મપાવવા જાવ ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય ્ને ટેમ્પરરી ધોરણે બીપી ઊંચું નોંધાય છે.

તાજેતરમાં સ્પેનના રિસર્ચરોએ બ્લડપ્રેશરના દર્દીઓનો અભ્યાસ કરીને તારવ્યું છે કે હવે તો લોકો બીપીની તકલીફથી એટલા ગભરાયેલા હોય છે કે લગભગ ૩૩ ટકા લોકોમાં હાઈ બીપીની સમસ્યાનું નિદાન થાય એ ખોટું હોય છે. હાઈ બીપીને કારણે ગંભીર રોગો સંકળાયેલા હોવાથી જ્યારે બીપીની તકલીફ થાય એટલે તરત જ એને કંટ્રોલમાં રાખવાની ગોળી રોજ લેવા લાગે છે.

વ્હાઈટ કોટ બ્લડ પ્રેશર
વ્હાઇટ કોટ બ્લડ પ્રેશર એટલે એવા દર્દીઓ કે જેઓ ડોક્ટરના ક્લિનિકમાં પ્રવેશે એટલે તેમનું બીપી હાઈ થઈ જાય છે, પરંતુ રોજિંદી લાઈફમાં બીપી નોર્મલ હોય. રિસર્ચરોએ લગભ ૬૯,૦૪૫ હાઈપર ટેન્શનના દર્દીઓનું ૨૪ કલાક સતત મોનિટરિંગ કર્યું હતું. દર ૨૦ મિનિટે બીપી નોંધાતું હોય એવું સાધન પહેરાવીને બધા જ દર્દીઓનું ૨૪ કલાક સુધી પ્રેશર લેવલ નોંધ્યા પછી રિસર્ચરોએ તારવ્યું હતું કે લગભગ ૩૭ ટકા દર્દીઓ એટલે કે ૮૨૯૫ દર્દીઓને વ્હાઇટ કોટ હાઈપર ટેન્શન હતું.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ પ્રકારનું વાઈટ કોટ બીપી હોવાનું પ્રમાણ વધારે હોય છે. દરેક હાઈપર ટેન્શનના દર્દીને દવાઓ ખવડાવવી જરૂરી નથી હોતી એવું નિષ્ણાતોનું તારણ છે.

બીપી વધઘટનાં પરિમાણો
આપણે જ્યારે બીપી માપીએ ત્યારે જે આંક આવે છે એ જ આંક આખો દિવસ રહે એવું નથી હોતું. દર થોડીક મિનિટે બીપીમાં વધઘટ થતી રહે છે અને આંકડો બદલાતો રહે છે. મેન્ટલ સ્ટ્રેસ, ટેન્શન, પોસ્ચર, ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી તેમજ નિકોટિન દ્રવ્યના ઉપયોગને આધારે બીપીમાં આ વધઘટ થતી રહે છે.

હાઈપરટેન્શનનું રિસ્ક કોને?
વધતી જતી ઉંમરની સાથે હાઈ બ્લડપ્રેશરની બીમારી વધે છે. ખાસ કરીને પુરુષોમાં ૪૫ વર્ષ અને સ્ત્રીઓમાં ૫૫ વર્ષની વય પછી બીપી વધવાની તકલીફ વધે છે. બીજું, આનુવંશિક કારણોસર પણ આ તકલીફ વારસામાં ઉતરે છે. એપલ શેપ ઓબેસિટીના કેસમાં હાઈ બ્લડપ્રેશરનું પ્રમાણ વધારે જોવા મળે છે. એપલ શેપ ઓબેસિટી એટલે મેદસ્વિતાની એવી સમસ્યા કે જેમાં શરીરમાં વધારાની ચરબી પેટના ભાગમાં ભેગી થાય છે.
વધુ પડતા નમક કે સોડિયમ ક્ષારનો ખોરાકમાં ઉપયોગ, આલ્કોહોલ કે સ્મોકિંગ, ટેન્શન, સ્ટ્રેસ, માનસિક તાણ, બર્થ કંટ્રોલ પિલ્સ, સ્ટેરોઈડ્સ કે શરદી - એલર્જીની દવાઓ, ડાયટ પિલ્સને કારણે પણ બીપી વધી જઈ શકે છે.

તો પછી પ્રિવેન્શન માટે શું?
હાઈટના પ્રમાણમાં વેઈટ કંટ્રોલમાં રાખવું, પેટ પર વધારાની ચરબીનો થર ન જામવા દેવો, બેઠાડુ જીવન ત્યજીને દરરોજ ચાલવા અને દોડવા જેવી કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઈઝ કરવી.
ભોજનમાં પ્રતિદિન છ ગ્રામથી વધુ નમકનો ઉપયોગ ટાળો જ. પોટેશિયમ અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં લેવું. ઓછી કેલેરીવાળો, ઓછી ચરબીવાળો ખોરાક આરોગો, ભોજનમાં શાકભાજી અને ફળો વધુ લો. કેફીન તત્વ ઓછું કરો. આ માટે ચા-કોફીનું સેવન ઘટાડો.
માનસિક તાણ ઓછી કરવી અને કામની વચ્ચે હળવાશની પળો માણતા રહો. સ્મોકિંગ અને આલ્કોહોલ તો સદંતર બંધ કરો. માત્ર બ્લડ પ્રેશર માટે જ નહીં, નિરામય સ્વાસ્થય માટે પણ આવી કુટેવને તિલાંજલિ લાભકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter