મોડી રાત્રે ખા-ખા કરવાની આદત માટે અંગ્રેજીમાં શબ્દ છેઃ મિડનાઇટ મન્ચિંગ. રાત્રે બરાબર જમ્યા પછી પણ સતત કેલરીયુક્ત પદાર્થો ખાવાની ઇચ્છા થાય એ ભૂખ નહીં, પણ આદતનું પરિણામ છે. વધુ પડતું સ્ટ્રેસ, કામના વધુ પડતા કલાકો, થાક વગેરે એની પાછળ જવાબદાર હોઈ શકે છે. આ આદત સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
ઘણા લોકો એવા હોય છે જેઓ રાત્રિજાગરણ કરતા હોય છે. મોડે સુધી ટીવી કે ફિલ્મ જોતાં જાગતા હોય, મિત્રો સાથે મળીને ધમાલ કરતા હોય, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોન પર કલાકો સુધી ગપાટા મારતા હોય કે પછી મોડે સુધી જાગીને પેન્ડિંગ કામ પતાવતા હોય. આ કિસ્સામાં કારણો ભલે અલગ અલગ હોય, પણ તેમાં એક વસ્તુ કોમન છેઃ મોડે સુધી જાગવું અને તેની સાથે સંકળાયેલી બીજી બાબત છે મોડે સુધી જાગવા સાથે રાત્રે ખા-ખા કરવું. રાત્રે ખા-ખા કરવાની આદત માટે અંગ્રેજીમાં એક સરસ શબ્દ છે મિડનાઇટ મન્ચિંગ.
શું રાત્રે તમારું ફ્રિજ તમને બોલાવતું હોય છે કે રસોડામાં રાત્રે ડબ્બા ફંફોસવાની આદત છે તમને? જો હા, તો તમારા આરોગ્ય પર ખતરો છે. રાત્રે ભૂખ લાગે ત્યારે કોઈ દિવસ તમે જોયું છે કે કોઈ ફ્રૂટ ખાતું હોય કે સૂપ પીતું હોય? રાત્રે જ્યારે ભૂખ લાગે ત્યારે મોટા ભાગના લોકો જેના પર અટેક કરતા હોય છે એ વસ્તુઓ છેઃ આઇસક્રીમ, કેક, ચોકલેટ્સ, જાતજાતના ફ્રાયમ્સ, તળેલાં ફરસાણો, વેફર્સ, પોપકોર્ન, રેડી ટુ ઇટ નૂડલ્સ કે પાસ્તા, ઠંડાં પીણાં.
રાત્રે ખા-ખા કરવાની આ આદત વ્યક્તિને કઈ રીતે અને શું નુકસાન પહોંચાડે છે, શા માટે બરાબર જમ્યા છતાં રાત્રે ભૂખ લાગી જાય છે અને કઈ રીતે આ આદતમાંથી છૂટવું? વાંચો આગળ.
એક સંશોધન અનુસાર જે લોકોને મોડી રાત્રે ખાવાની આદત નથી તેવા લોકો રાત્રે ખા-ખા કરનારા લોકો કરતાં વધુ હેલ્ધી છે. આ રિસર્ચમાં નોંધાયું છે કે રાત્રે ખવાતો હેલ્ધી કે અનહેલ્ધી બન્ને પ્રકારનો ખોરાક હેલ્થને નુકસાન કરે જ છે. આપણા આયુર્વેદ શાસ્ત્ર અનુસાર રાત્રે ખાવાની આદતથી પાચનક્રિયાને સૌથી મોટું નુકસાન થાય છે. જેમ કે, પાચનપ્રક્રિયા મંદ પડે છે, એસિડિટી, ગેસ અને અપચાની તકલીફ શરૂ થઈ જાય છે. આ જ વાતમાં ઉમેરો કરતાં આ સંશોધનના તારણો કહે છે કે રાત્રે કંઈ પણ ખાવાની આદતથી વ્યક્તિમાં ચરબી વધે છે જેને કારણે મેટાબોલિક ડિસઓર્ડર જેમ કે ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-પ્રોબ્લેમ્સનું રિસ્ક અનેકગણું વધી જાય છે. વળી, આવી વ્યક્તિઓનું મગજ પણ નબળું હોય છે. ખાસ કરીને દિવસે-દિવસે યાદશક્તિ ક્ષીણ થતી જાય છે અને લર્નિંગ એબિલિટી ધીમે-ધીમે ઘટતી જાય છે. એટલું જ નહીં, આવી વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી હોય છે.
મિડનાઇટ મન્ચિંગ શા માટે ખરાબ?
આપણા શરીરની એક રિધમ હોય છે જે રાત-દિવસ મુજબ સેટ હોય છે. ક્યારેક કોઈ પંખીને રાત્રે જાગતાં કે ચણ ચણતાં જોયું છે? કુદરતના નિયમ મુજબ દિવસ જાગવા અને કામ કરવા માટે હોય છે જ્યારે રાત સૂવા અને આરામ કરવા માટે. એટલા માટે જ ખોરાક પણ દિવસના સમયે લો એ વધુ યોગ્ય છે, કારણ કે દિવસના સમયે શરીર કાર્યરત હોય છે એટલે એનું પાચન યોગ્ય રીતે થાય છે. જ્યારે રાત્રે શરીરને આરામ આપવો જરૂરી હોય છે. માણસ નામનું પ્રાણી કુદરતના આ નિયમોનું પાલન કરતું નથી અને એથી જ તેની હેલ્થ પર ખતરો તોળાય છે. તે વિશે સમજાવતાં ઈટ સ્માર્ટ ન્યુટ્રિશન, ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘રાત્રે જે ખોરાક આપણે ખાઈએ છીએ એનું પાચન વ્યવસ્થિત થતું નથી અને બીજી વાત એ છે કે રાત્રે ખાઈને વ્યક્તિ મોટા ભાગે સૂઈ જ જાય છે એટલે તેની બધી કેલરી કામ લાગવાને બદલે જમા થાય છે અને ચરબીનું રૂપ ધારણ કરે છે. આમ રાત્રે ખાવાથી શરીરની રિધમ તૂટે છે, પેટ ભારે હોય તો ઊંઘ પણ આવતી નથી અને ઊંઘમાં ખલેલ પહોંચવાથી હેલ્થને લગતા બીજા પણ પ્રોબ્લેમ્સ સામે આવે છે. આદર્શ રીતે ડિનર પછીના ૩ કલાક પછી સૂવું જોઈએ અને આ ત્રણ કલાકમાં કંઈ જ ખાવું જોઈએ નહિ.’
શું ખાઓ છો?
ઘણા લોકો માને છે કે સાંજે બરાબર જમાયું ન હોય ત્યારે રાત્રે ભૂખ લાગે છે. એ વાત સાચી કે જે લોકો ત્રણ ટંક બરાબર ખાતા નથી તેમને ગમે ત્યારે ભૂખ લાગી શકે છે અથવા તો કહીએ કે ખોટાં ફૂડ તરફ આકર્ષણ જન્મી શકે છે. પરંતુ હંમેશાં એવું નથી એની સ્પષ્ટતા કરતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘રાત્રે ખા-ખા કરવાની વૃત્તિ એક આદત છે જે આખા દિવસનો કંટાળો, સ્ટ્રેસ અને ત્રાસમાંથી જન્મે છે. આખા દિવસનું સ્ટ્રેસ હટાવવા માટે રાત્રે લોકો અનહેલ્ધી વસ્તુઓ તરફ આકર્ષાય છે અને એ ખાવાથી તેમને ટેમ્પરરી રાહત જણાય છે. મજા આવે છે. રાત્રે જે લોકો ખાવાના શોખીન હોય તેઓ મોટા ભાગે ઓવરઈટિંગ કરે છે. વળી રાત્રે મોડું ખાવાની સાથે-સાથે તમે રાત્રે શું ખાઓ છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. મોટા ભાગે રાત્રે ખાવાના શોખીન લોકો જંક, પ્રોસેસ્ડ, તળેલો, ગળ્યો કે વધુ કેલરીયુક્ત ખોરાક જ ખાય છે, જે હેલ્થ માટે નુકસાનકારક છે.’
મિડનાઇટ મન્ચિંગ કેવા રીતે છોડશો?
જે લોકોને રાત્રે મન્ચિંગની આદત છે તેમણે પોતાની હેલ્થ સાચવવા માટે આ આદત છોડવી જરૂરી છે. પરંતુ આ આદત સરળતાથી છૂટતી નથી. મીનલ ભાનુશાલી પાસેથી જાણીએ એ છોડવાના કેટલાક સરળ ઉપાયો.
• નિર્ણય લો કે ડિનર પછી મારે કંઈ જ ખાવું નથી અને માનસિક રીતે સજ્જ બનો.
• રાત્રે જેવું કંઈક ખાવાની તલપ થાય ત્યારે તમારા મનને બીજી દિશા તરફ વાળો જેમ કે જીવનસાથી સાથે લટાર મારવા નીકળો, કોઈ સારી બુક વાંચો અથવા મસ્ત ગરમ પાણીથી નાહી લો જેથી તમે રિલેક્સ થઈ શકો.
• જે લોકો સવારે ભરપેટ બ્રેકફાસ્ટ કરે છે તેમને રાત્રે ખોટાં કારણોસર ભૂખ લાગતી નથી. આમ ખૂબ જ હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટ જરૂરી છે.
• શરૂઆતમાં રાત્રે ભૂખ્યા રહેવું ખૂબ જ અઘરું લાગતું હોય તો લો-કેલરી વસ્તુઓ જેમ કે હર્બલ ટી, હોટ સૂપ કે અડધું ફ્રૂટ ખાઈ શકો છો.
• રાત્રે ડિનરમાં ફાઇબરયુક્ત વસ્તુઓ પસંદ કરો જેમ કે શાકભાજી કે આખાં ધાન્ય જેને કારણે એ પચવામાં સમય લે છે અને લાંબો સમય સુધી તમને ભૂખ લાગતી નથી.
• કંઈ પણ ખાઓ એ સ્વાદ લઈને, બરાબર ચાવતાં-ચાવતાં જમો. આદર્શ રીતે વીસ મિનિટ સુધી જમો તો તમારા મગજને એ સિગ્નલ મળે છે કે મેં વ્યવસ્થિત ખાધું છે.
• ક્યારેય ટીવી જોતાં-જોતાં ડિનર ન કરો. જમવાની એક જગ્યા નિશ્ચિત રાખો જેમ કે ડાઇનિંગ ટેબલ પર જ જમો. ટીવી-જોતાં-જોતાં જ્યારે જમો ત્યારે જમવાનો સંતોષ થતો નથી અને એ અસંતોષ તમને રાત્રે કંઈક ખાવા માટે પ્રેરે છે.