આજકાલ મોટા ભાગના રોગો એવા હોય છે જેનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી તો ઘણામાં લક્ષણો છૂપાં હોય છે જે સામે આવતાં નથી. આ પરિસ્થિતિમાં સમજી શકાય કે રોગનું નિદાન અઘરું છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લક્ષણ એટલું સામાન્ય હોય છે કે વ્યક્તિ એને અવગણે છે અને એને લીધે માંદગી વધતી જાય છે. સામાન્ય રીતે લોકોને હાથ-પગ દુખવા, માથું દુખવું, તાવ આવવો, શરદી-ઉધરસ થવા જેવી તકલીફો થતી જ રહેતી હોય છે, જેના વિશે લોકો મોટા ભાગે ચિંતા કરતા નથી. આવું જ એક સામાન્ય લક્ષણ છે થાક. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હોય છે જેને થાક લાગતો ન હોય. ઘણી વાર રૂટીન બદલાઈ જાય, રોજિંદા કામ કરતાં ઘણું વધારે કામ થઈ જાય, ટ્રાવેલિંગ વધી જાય ત્યારે માણસ થાકી જાય એ વાત જુદી છે; પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે રાત આખી સૂઈને સવારે ઊઠે ત્યારે પણ તેમને થાક વર્તાતો હોય છે તો કેટલાક લોકો એવા છે જે એક કલાક બહાર તડકામાં રખડીને આવે તો આખો દિવસ થાકેલા જ રહે છે. બાળકોની વાત કરીએ તો કેટલાંક બાળકો એવાં છે જે સામાન્ય રીતે મેદાનમાંથી રમીને આવે કે તરત ઘરમાં આવીને સૂઈ જાય છે તો કેટલાંક બાળકો એવાં છે જે સ્કૂલ જઈને આવે પછી આખો દિવસ એટલાં થાકેલાં રહે છે કે સાંજે રમવા મેદાનમાં જતાં જ નથી. ૪૫ વર્ષની ઉંમર પછી ઘણી સ્ત્રીઓ રસોડામાં કામ કરીને ખૂબ થાકી જાય છે અને પછી સામાન્ય રીતે કહે છે કે ઉંમર થઈ, હવે કામ નથી થતું. આ પ્રકારનો થાક નોર્મલ નથી, એ સૂચવે છે કે તમને કોઈ પ્રોબ્લેમ છે.
થાક લાગે ત્યારે આપણે બધા એક જ ઉપાય વિચારીએ છીએ - આરામ. પરંતુ થાક ક્યારેક જ લાગતો હોય ત્યારે આરામ એનો ઉપાય હોઈ શકે છે. જ્યારે થાક સતત, દરરોજ અથવા કહીએ કે નિયમિતરૂપે આવતી સમસ્યા હોય તો આરામ એનો ઉપાય હોતો નથી. થાકને આપણે જેટલો સામાન્ય ગણીએ છીએ અને સામાન્ય ગણીને એ બાબતને અવગણીએ છીએ એ ક્યારેક ભારે પડી શકે છે, કારણ કે થાક એક નહીં; અનેક બીમારીઓનું પ્રાથમિક લક્ષણ છે.
શરીરમાં કોઈ પણ નાનામાં નાની કે મોટામાં મોટી બીમારી આવે શરીરનું એ બીમારીને લગતું પહેલું લક્ષણ થાક જ હોય છે. થાક વિશે સમજાવતાં ફિઝિશ્યન્સ કહે છે કે થાકનું કોઈ પ્રમાણ કહી ન શકાય. કેટલો થાક લાગે તો નોર્મલ અને કેટલો લાગે તો નોર્મલ નહીં એવું કોઈ પ્રમાણ નથી હોતું. દરેક વ્યક્તિ અને તેની શારીરિક ક્ષમતા જુદી-જુદી હોય છે. ઘણા લોકો પહાડ ચડીને પણ થાકતા નથી તો ઘણાં પગથિયાં ચડીને પણ થાકી જાય છે. દરેક વ્યક્તિએ થાક માટે પોતાનો માપદંડ નક્કી કરવો જોઈએ. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતાને જાણતી હોય છે. એ ક્ષમતાને ધ્યાનમાં લઈને તે નક્કી કરી શકે છે કે તેને ડોક્ટરની મદદની જરૂર છે કે નહીં.
સામાન્ય રીતે એક માપદંડ એવો છે કે સવારે ઊઠો ત્યારે તમને તાજગી અને એનર્જી લાગવી જોઈએ અને રાત પડતાં સુધીમાં શરીર થાકે તો એ નોર્મલ ગણી શકાય. જો તમને ક્યારેક થાક લાગતો હોય તો એ નોર્મલ છે, પરંતુ સતત તમને થાક લાગ્યા કરવો નોર્મલ નથી અને એ સૂચવે છે કે તમને મેડિકલ હેલ્પ જોઈએ છે. દરેક વ્યક્તિએ પોતાના થાકને ઓળખવો જોઈએ. બને કે એ કોઈ બીમારીનો સૂચક હોય.
• પાણીનો અભાવઃ કોઈ વ્યક્તિને સતત થાક લાગ્યા કરતો હોય તો એની પાછળનાં ઘણાં કારણોમાંનાં અમુક કારણોમાં બદલતું હવામાન, સૂર્યપ્રકાશનો અભાવ, ગરમી, ઠંડી કે ભેજનો અતિરેક હોઈ શકે છે. આ ઉપરાંત અમુક ઉંમર પછી શરીરની કાર્યક્ષમતા ઘટી જાય છે એટલે પહેલાં જેટલું કામ થતું નથી અને થાક લાગે છે. જોકે આ કારણો એવાં છે જેમાં મેડિકલ હેલ્પની જરૂર હોતી નથી, પણ થોડી કાળજીની જરૂર હોય છે. જ્યારે વ્યક્તિના શરીરમાં પાણી ઘટી જાય છે ત્યારે તેને ખૂબ થાક લાગે છે. ખાસ કરીને બાળકોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. રમત-રમતમાં પાણી પીવાનું ભૂલી જતાં બાળકોમાં પાણીની કમી સર્જાય છે જેની અસર તેમની કાર્યક્ષમતા પર પડે છે અને તે થાકી જાય છે. આ પરિસ્થિતિમાં માતા-પિતાએ સજાગ રહેવું અને બાળકના શરીરમાં પાણીની કમી ન થાય એની કાળજી રાખવી.
• ઊંઘને લગતા રોગોઃ થાક અને ઊંઘને સીધો સંબંધ છે. એક પણ રાત વ્યવસ્થિત ઊંઘ ન આવે તો વ્યક્તિને બીજા દિવસે થાક લાગ્યા કરે છે. જેમને સતત થાક રહેતો હોય તેમણે તેમની ઊંઘ તપાસવી ખૂબ જ જરૂરી છે. આજકાલ ઊંઘનો પ્રોબ્લેમ ખૂબ જોવા મળે છે. નિષ્ણાતના મતે મહાનગરોમાં વસતાં લોકો જરૂર કરતાં લગભગ ૨-૩ કલાક ઓછું સૂએ છે. જે વ્યક્તિને સતત થાક લાગતો હોય તેમને અપૂરતી ઊંઘનો પ્રોબ્લેમ હોય અથવા ઊંઘને લગતી કોઈ પણ બીમારી હોવાની પૂરી શક્યતા રહેલી હોય છે. જો થાક સામાન્ય હોય તો આરામ અને સારી ઊંઘ દ્વારા ઉતારી શકાય છે, પરંતુ જો ઊંઘ જ બરાબર ન થાય તો થાક કેવી રીતે ઊતરે? ઊંઘ યોગ્ય ન હોય ત્યારે શારીરિક અને માનસિક બન્ને થાક લાગે છે.
• સાઇકોલોજિકલ પ્રોબ્લેમઃ જે વ્યક્તિને કોઈ પણ માનસિક રોગ હોય તો એનું પ્રાથમિક લક્ષણ થાક હોઈ શકે છે. માનસિક રોગ જેમ કે ડિપ્રેશન કે એન્ગ્ઝાયટીના દરદીઓને સમજાતું નથી કે તેમને કોઈ માનસિક તકલીફ છે. વળી શરૂઆતમાં એનાં કોઈ ખાસ લક્ષણો પણ એવાં હોતાં નથી કે જેનાથી રોગ છે એ સમજાય. આવા દરદીઓ સતત જે અનુભવતા હોય એ છે થાક.
થાક સાથે બીજા ઘણા ભાવો પણ ભળેલા હોય છે, પરંતુ જ્યારે તે ડોક્ટર પાસે જાય ત્યારે તેમને ખબર પડતી નથી કે એ લોકો કઈ રીતે વર્ણવીને કહે કે તેમને શું થાય છે એટલે તે કહે છે કે તેમને ખૂબ જ થાક લાગ્યા કરે છે. તેમની ટેસ્ટ કરીને કે ચેક કરીને સમજાય છે કે તેમને કોઈ શારીરિક તકલીફ નથી અને માનસિક પ્રોબ્લેમ છે.
આવતા સપ્તાહે આપણે આ જ વિભાગમાં જાણકારી મેળવશું કે થાકથી વ્યક્તિ પર કેવા કેવા રોગનો ખતરો સર્જાય છે...