શું તમે સ્મેલ ટેસ્ટ પાસ કરી શકો છો?

Wednesday 09th October 2024 10:45 EDT
 
 

શું તમને મનપસંદ ભોજનની લિજ્જતદાર ખુશ્બુ કે રસોડામાં મૂકેલું ભોજન ખરાબ થઇ ગયું હોય તો તેની બદબૂ નથી અનુભવતા? તો જરા સાબદા થઇ જજો. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આપણી સૂંઘવાની ક્ષમતાનો સંબંધ માત્ર નાક સાથે નથી, પરંતુ મગજની ક્ષમતાઓ સાથે પણ છે. આ ડિપ્રેશન, ડિમેન્શિયા અને પાર્કિન્સન જેવા રોગોનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે. જેવી રીતે નજર અને સાંભળવાની ક્ષમતા ઉમરની સાથે ઘટે છે, એ જ રીતે સુંઘવાની ક્ષમતા પણ ઘટવા લાગે છે. જેમ-જેમ આપણી સૂંઘવાની ક્ષમતા ઘટે છે, તેમ તેમ તેની આપણા માનસિક આરોગ્ય પર પણ અસર થાય છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સેન ડિએગોમાં ન્યૂરોસાયન્સના પ્રોફેસર સારા બેન્ક્સના અનુસાર, અલ્ઝાઈમરથી પ્રભાવિત અનેક લોકોમાં સૂંઘવાની સમસ્યાઓના પ્રારંભિક સંકેત જોવા મળ્યા છે. જર્મનીની ડ્રેસ્ડેન યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં ઓલફેક્ટરી સાયન્સના પ્રોફેસર થોમસ હમ્મેલના અનુસાર, સામાન્ય ઘરેલુ વસ્તુઓ દ્વારા સુંઘવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય છે. સૂંઘવાની ક્ષમતા અને મસ્તિષ્ક વચ્ચેના સંબંધને આ રીતે સમજો.
સૂંઘવાની ક્ષમતા સારી હોવી શા માટે જરૂરી...?
... કારણ કે તેનો યાદશક્તિ અને ભાવનાઓ સાથે ગાઢ સંબંધ છે
નિષ્ણાતોના મતે મસ્તિષ્કના જે ભાગ ગંધ સાથે જોડાયેલા હોય છે. તે સામંજસ્ય બેસાડતા ભાગ સાથે સીધા જોડાયેલા હોય છે. એક રિસર્ચ મુજબ સ્મેલ ટેસ્ટિંગના ક્ષેત્રમાં કામ કરતા લોકોના મગજને સ્કેન કરીને જોવામાં આવ્યું તો જણાયું કે, તેમના અંદર ભાવનાઓને પ્રોસેસ કરતો મસ્તિષ્કનો હિસ્સો ‘ઈન્સુલા’ વધુ મોટો હતો. આ જ રીતે ગંધ સંબંધિત શરીરનું તંત્ર કે જેને ઓલફેક્ટરી સિસ્ટમ કહે છે, તે એકમાત્ર સેન્સરી સિસ્ટમ છે જે મેમરી સેન્ટર અને મસ્તિષ્કના ભાવનાત્મક કેન્દ્રો સુધી પહોંચે છે.
સૂંઘવાની ક્ષમતાનો ટેસ્ટ આ રીતે કરો...
• તીવ્ર ગંધ ધરાવતા ચાર ઉત્પાદનને જુદા-જુદા કપમાં મૂકો.
• જેમાં સાબુ, મધ, કોફી, ડિટર્જન્ટ કે દારૂ લઈ શકો છો.
• હવે આંખ પર પાટો બાંધો. ત્યાર પછી કોઈ સાથીદારને કહો કે, તે એક-એક કરીને તમને કપ સૂંઘવા આપે.
• જો તમે માત્ર ગંધ અનુભવી શક્યા છો, પરંતુ વસ્તુને ઓળખી શક્યા નથી તો ખુદને એક માર્ક આપો. જો ગંધની સાથે સાથે વસ્તુને પણ ઓળખી લીધી તો 2 માર્ક આપો.
• જો તમે ઓછામાં ઓછા 7 માર્ક મેળવો છો તો સમજવું કે તમારી સુંઘવાની ક્ષમતા ઓછી છે. અલબત્ત, કેટલાક કિસ્સામાં વાઈરલ ઇન્ફેક્શન પછી પણ સુંઘવાની ક્ષમતા ઘટી શકે છે તે ધ્યાનમાં રાખો.
• જો સૂંઘવાની ક્ષમતા સતત ઓછી રહે તો તબીબી વિશેષજ્ઞને કન્સલ્ટ કરો.
સૂંઘવાની ક્ષમતાને આ રીતે સુધારો...
• ઘરમાં રહેલી તીવ્ર ગંધવાળી ચાર વસ્તુઓ પસંદ કરો, જેમ કે, મસાલા કે ટૂથપેસ્ટ કે અન્ય કોઇ વસ્તુ.
• દરરોજ સવારે અને સાંજે ઓછામાં ઓછું 30 સેકન્ડ તેમને સુંઘો. વધુ સમય સૂંઘી શકો તો સારું.
• તમે ઈચ્છો તો દરેક દિવસ માટે અલગ-અલગ ખાદ્યપદાર્થ પસંદ કરી શકો છો, જેમ કે એક દિવસ ઈલાયચી તો બીજા દિવસે કોફી.
• જો તમે કંઈક ચેલેન્જિંગ કરવા માગો છો તો બજારમાં ઉપલબ્ધ ગંધની ટ્રેનિંગ માટે મળતી સોમેલિયર ટ્રેનિંગ કિટનો પણ ઉપયોગ કરી શકે છે. જોકે, રોજબરોજની ચીજવસ્તુઓ દ્વારા સુગંધથી ક્ષમતા વધારવી એ વધુ સારું છે.
• આ ઉપરાંત રાત્રે સુગંધ ફેલાવતા મશીનોનો પણ ઉપયોગ કરી શકો છે. તેનાથી મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા વધે છે.
સૂંઘવાની ક્ષમતામાં વધારો ડિપ્રેશન ઘટાડશે
સૂંઘવાની ક્ષમતા સારી હોવી આપણને આપણી આજુબાજુના વાતાવરણ પ્રત્યે વધુ જીવંત બનાવે છે. વર્ષ 2021માં થયેલા એક નાનકડા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ડિમેન્શિયાના દર્દીઓમાં સ્મેલની તાલીમથી ડિપ્રેશનની સ્થિતિમાં સુધારો કર્યો. એટલું જ નહીં, તેમને શબ્દોને યાદ રાખવામાં પણ મદદ કરી. આજ રીતે 2022ના એક અભ્યાસ દરમિયાન ડિપ્રેશન ધરાવતા વૃદ્ધોએ અનેક મહિના સુધી પોતાના નાકને (સ્મેલ ઓળખવા માટે) પ્રશિક્ષિત કર્યું તો તેમનાંમાં ડિપ્રેશનના લક્ષણોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને જેમને પહેલાથી જ સ્મેલ ઓળખવાની સમસ્યા હતી તેમને વિશેષ ફાયદો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter